Western Times News

Gujarati News

સુરતથી બિલીમોરા મુસાફરી ૧૫ મિનિટમાં થઈ શકશે

નવી દિલ્હી, દેશની પહેલી બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડવાની છે. તે પ્રોજેક્ટના એક ચરણને કદાચ સમય પહેલા જ શરૂ કરી દેવામાં આવશે. જાણવા મળ્યા મુજબ ગુજરાતમાં સુરતથી બીલીમોરા વચ્ચેની બુલેટ ટ્રેનને ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.

આ ટ્રેન શરૂ થયા બાદ ૫૦ કિમીની મુસાફરી માત્ર ૧૫ મિનિટમાં જ પૂરી થઈ જશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટૂંક સમયમાં જ દેશની પહેલી બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા વચ્ચે દોડશે તેવી માહિતી આપી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ખૂબ જ ઝડપથી કામકાજ ચાલી રહ્યું છે.

દર મહિને ૫૦ પિલર કંસ્ટ્રક્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઝડપને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રી માને છે કે, થોડા સમયમાં જ બુલેટ ટ્રેનનું ઘણું કામ પૂરૂ થઈ જશે. અગાઉ પણ એવી જાણકારી સામે આવી હતી કે, હાઈ સ્પિડ રેલ કોરિડોર માટે પહેલું સેગમેન્ટ તૈયાર કરી લેવામાં આવ્યું છે.

આ સેગમેન્ટ ગુજરાતના નવસારી (ચેનિજ ૨૪૫) સ્થિત એક કાસ્ટિંગ યાર્ડમાં ઢાળવામાં આવ્યા છે. આ સેગમેન્ટની લંબાઈ ૧૧.૯૦થી ૧૨.૪ મીટર અને પહોળાઈ ૨.૧થી ૨.૫ મીટર જેટલી અને ઉંડાઈ ૩.૪૦ મીટર હોવાનું કહેવામાં આવ્યું છે. તેનું વજન પણ ૬૦ મેટ્રિક ટન જેટલું હોવાનું કહેવામાં આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ હજુ આવા વધુ ૧૯ સેગમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ વિશ્વાસ આપ્યો હતો કે, હવે આ પ્રોજેક્ટની ઝડપ બુલેટ કરતા તેજ થઈ ગઈ છે અને તેને સમયસર પૂર્ણ કરવામાં આવશે. સરકારે ૨૦૨૩ની ડેડલાઈન સેટ કરીને રાખી છે.

એવી આશા છે કે, ૧૨ સ્ટેશન પર રોકાનારી અમદાવાદ ટુ મુંબઈવાળી બુલેટ ટ્રેન જલ્દી શરૂ કરી દેવામાં આવશે. સરકાર આ પ્રોજેક્ટને ૨૦૨૩ સુધીમાં પૂરો કરવા માગે છે પરંતુ મહારાષ્ટ્રમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં જમીન અધિગ્રહણના કામમાં ઘણી સુસ્તી જણાઈ રહી છે. ત્યારે હવે જ્યારે પણ સમીક્ષા બેઠક યોજાય તેમાં મહારાષ્ટ્રને અરીસો દેખાડવાનો પ્રયત્ન થતો રહે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.