Western Times News

Gujarati News

આજે વાઘબારસ, આજથી દિવાળીના તહેવારની શરૂઆત

અમદાવાદ, આસો મહિનાની શુક્લપક્ષ બારસની તિથિ એટલે વાકબારસ. દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે. અગિયારસ અને બારસની તિથિ આ વર્ષે એકસાથે છે. દિવાળીના આડા ત્રણ દિવસો પહેલા વાકબારસ આવે છે. વાઘબારસનું સૌથી વધારે મહત્વ ગુજરાતમાં હોય છે. વાકબારસને ‘ગૌવત્સ દ્વાદશી’ના નામે પણ ઓળખાય છે તેથી આ દિવસે ગાય અને તેના વાછરડાની પણ પૂજા થાય છે.

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વાઘબારસ પર્વ મનાવાય છે જેમાં વાણીની દેવી મા સરસ્વતીની પૂજા થાય છે, તો આદિવાસી સમાજના લોકો વાઘનું પૂજન કરતા હોય છે. વાકબારસ પર્વથી રાત્રે ઘરની બહારના ગોખમાં અને અંદર દિવાઓ પ્રગટાવવાની શરૂઆત થઇ જાય છે.

આ સાથે જ પ્રગટેલા દીવડાઓની હારમાળા પ્રગટી ઉઠે છે. વાકબારસના દિવસથી જ ગુજરાતના વેપારીઓ પોતાના બધા કામ પૂર્ણ કરી દે છે. જૂની લેવડ-દેવડના બધા ચોપડાઓના હિસાબ પતાવી દેવામાં આવે છે, ત્યારબાદના આગળના દિવસોમાં વ્યવસાયિક નાણાકીય વ્યવહારો કરવામાં આવતા નથી. ત્યારબાદ નવા ચોપડાઓ સાથે નવો હિસાબ માંડવામાં આવે છે.

ગુજરાતના પૂર્વીય ભાગોમાં ડાંગ સહિતના જંગંલ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમાજના લોકો વાઘની દેવતા તરીકે પૂજા કરે છે. અહીં વાઘ અને નાગ દેવતાના રૂપમાં પૂજાય છે. પોતાના જીવ અને પ્રાણીઓની સલામતિ માટે શ્રદ્ધા સાથે પૂજા કરવામાં આવે છે. વાઘબારસને ‘ગૌવત્સ દ્રાદશી’ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નિમિત્તે ગાય અને તેના વાછરડાનું પૂજન કરાય છે જેથી આ દિવસને વસુ બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈષ્ણવમાર્ગીય ભકતો ગાય અને વાછરડાની પૂજા કરી અને તેમને અડદના વડા ખવડાવે છે.

દિવાળી અને નવા વર્ષના મનોહર દિવસો ખુલવાનું પર્વ વાકબારસ છે. વાઘબારસથી ભાઈબીજ સુધી મંદિરો અને ઘરો રોશનીથી ઝળહળી ઉઠે છે.

વાઘબારસને આપણે મોટાભાગે લોકોને વાઘબારસ બોલતા પણ સાંભળીએ છીએ, અહીં વાક્‌ એટલે વાણીની વાત છે. વાક એ વાચાની દેવી મા સરસ્વતીની પૂજાની વાત છે. મા સરસ્વતી આપણી વાચા, ભાષાને સારી રાખે, આપણી વાણીથી કોઈની લાગણી ન દુભાય તે માટે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે મા લક્ષ્મીની પૂજા કરતા પહેલા મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. વાક્‌ શબ્દ લોકબોલીમાં વાઘ થઈ ગયો અને ત્યારબાદ આ તહેવારમાં વાઘને સંદર્ભમાં રાખી વાઘ બારસ તરીકે પણ ઓળખાવા લાગ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.