Western Times News

Gujarati News

અમદાવાદના બે વેપારીએ કોલસો આયાત કરતી એક કંપનીને સવા કરોડનો ચૂનો લગાવ્યો

દેશની કોલસો આયાત કરતી સૌથી મોટી કંપનીમાંથી એક અગ્રવાલ કંપનીને બે વેપારીએ ચૂનો લગાવ્યો

અમદાવાદ,  એક તરફ દેશભરમાં કોલસાની અછત ઉભી થઈ રહી છે તેવા સમયમાં દેશની કોલસો આયાત કરતી બીજા નંબરની સૌથી મોટી કંપની અગ્રવાલ કોલ કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડને અમદાવાદના બે વેપારીએ મળીને સવા કરોડનો ચૂનો લગાવ્યો છે.

આ વેપારીએ કંપનીને કહ્યું કે, હળવદ નજીક એક પેપરમીલ અને એક પાવર પ્રોજેક્ટ શરુ કર્યો છે. આ પાવર પ્રોજેક્ટ માટે તેમણે અગ્રવાલ કંપની પાસેથી બે હજાર ટન કોલસો લીધો હતો અને તેના માટે સવા કરોડનું પેમેન્ટ નહોતુ કર્યું. કંપનીના માર્કેટિંગ મેનેજરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે.

અગ્રવાલ કોલ કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડના માર્કેટિંગ જનરલ મેનેજર જિગ્નેશ પટેલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, દેશની કોલસો આયાત કરતી સૌથી મોટી કંપની પૈકીની એક એવી અગ્રવાલ કોલ કોર્પોરેશનમાં તેઓ ફરજ બજાવે છે. કંપનીની અમદાવાદ ખાતેની ઓફિસ નવરંગપુરા અગ્રવાલ સેન્ટરમાં આવેલી છે,

જ્યારે હેડ ઓફિસ મધ્યપ્રદેશ ઈન્દોરમાં છે. જનરલ મેનેજર જિગ્નેશ પટેલના જણાવ્યા અનુસાર તેમની કંપની વિદેશથી દેશના જુદા જુદા બંદરો ઉપર કોલસાની આયાત કરીને દેશમાં તેનું વેચાણ કરે છે. તેમની કંપની કોઈપણ કંપનીને કોલસો આપતા પહેલા તેની સંપૂર્ણ વિગતો મેળવે છે.

જે તે કંપની કે ગ્રાહકનું કેવાયસી તૈયાર કરીને એક કસ્ટમર કોડ જનરેટ કરવામાં આવે છે. આ માહિતી એકત્રિત કર્યા પછી કોલસાનો વેપાર કરવામાં આવે છે. કોઈ પણ વિગત અધૂરી હોય તો તેવી કંપની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવામાં આવતો નથી.

ફરિયાદ અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અગ્રવાલ કંપની પર પાવરટેક ઈન્ડસ્ટ્રીઝ પ્રોપરાઈટર ફર્મ તરફથી આનંદભાઈ પટેલ નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે હળવદ નજીક એક પેપરમીલ અને એક પાવર પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે દર મહિને ચાર હજાર ટન કોલસાની જરુર પડશે તેવી વાતચીત કરવામાં આવી હતી.

કોલસા માટે ઓર્ડર આપવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી. જિગ્નેશે આનંદ પટેલ પાસે તમામ દસ્તાવેજ અને માહિતી માંગ્યા હતા. તમામ ઔપચારિકતા પૂરી થયા પછી જિગ્નેશ પટેલે આનંદ પટેલની કપંનીને નવલખી બંદર મોરબી નજીકથી કોલસો આપવાની શરુઆત કરી હતી.

મુન્દ્રાથી પણ કોલસાની ટ્રકો ભરી આપવામાં આવી હતી. તમામ ઓર્ડર પછી કંપનીને ચેક આપવામાં આવતો હતો, પરંતુ જ્યારે કંપનીએ ચેક બેન્કમાં જમા કરાવ્યો તો સ્ટોપ પેમેન્ટ કરી દેવામાં આવ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.