Western Times News

Gujarati News

સોશિયલ નેટવર્કથી બરબાદ થઈ રહી છે, સોશિયલ લાઈફ

social media addiction

પ્રતિકાત્મક

વાર-તહેવારે પરિવારજનો એકઠાં થતા, એમાં વડીલોનો ચોકો નોખો હોય અને સમોવડિયાનો ચોકો નોખો ગોઠવાતો અને વાતોનો અવિરત પ્રવાહ વહેતો, જૂની વાતો- પ્રસંગો મમળાવી હાસ્યના ઠહાકા લેવાતા, આનંદ એટલો આવતો કે શેર લોહી ચડી જતું, વાત-વાતમાં કેટલાયના સગપણ પણ થઈ જતા

સોશિયલ નેટવર્કનો યુગ જયારથી શરૂ થયો છે ત્યારથી સોશિયલ લાઈફના પતનની શરૂઆત થઈ છે. સામાજિક જીવન મરી પરવાર્યું છે. માત્ર ફોર્માલિટી જ રહી છે. કુટુંબીઓ, સ્નેહીઓ અને લંગોટિયા મિત્રો જાણે યાદોમાં જ રહ્યા છે. બાકી તો આંગળીના ટેરવે જ સંબંધો બચ્યા છે.

કલાકો સુધી સોશિયલ નેટવર્કમાં વ્યસ્ત રહેતા આપણે ફોન પર વાત થઈ જાય તો રૂબરૂ મળવાનું પણ ટાળીએ છીએ. આ છે આપણી આજની સોશિયલ લાઈફ. વાર-તહેવારે પરિવારજનો એકઠા થતા, એમાં વડીલોનો ચોકો નોખો હોય અને સમોવડિયાનો ચોકો નોખો ગોઠવાતો અને વાતોનો અવિરત પ્રવાહ વહેતો જુની વાતો-પ્રસંગો મમળાવી હાસ્યના ઠહાકા લેવાતા. આનંદ એટલો આવતો કે શેર લોહી ચડી જતું.

વાત-વાતમાં કેટલાયના શગપણ પણ થઈ જતા. પણ… પણ હવે પરિવારજનોને ઉમળકાથી મળવાનો સમય નથી, ઈ ઠહાકા લેવાતા નથી, મુરતિયાની ઉમર વિતિ જાય છે પણ એ ડાળે વળગતો નથી. કારણ? કારણ કે કુટુંબીજનો બહુ એકઠા થતા નથી. અત્યારે સો રિઝર્વ લાઈફ જીવવા માગે છે એનું પરિણામ એ આવ્યુ કે કુટુંબની બીજી-ત્રીજી પેઢી એકબીજાને ઓળખતી નથી.

મિત્રોની વાત કરીએ તો પહેલાં આખો-આખો દિવસ સાથે રહેતા વાતોનો દોર ખુટતો નહી. વળી રાત્રે મોડે સુધી શેરીના નાકે મહેફીલ જામતી. છુટા પડતી વખતે ફરી બીજા દિવસે સવારે મળવાનો કોલ અપાતો. અને હવે સિનારિયો બદલાયો છે. પાંચ મિત્રો નામ પુરતા જ સાથે બેઠા હોય છે.

આ પાંચમાંથી ત્રણ મોબાઈલમાં ઘુસેલા હોય છે અને બાકીના બે મિત્રના મોબાઈલમાં ડોકિયા કરતા હોય છે. વાતચીતનો કોઈ દોર હોતો નથી. જાેકે, હવે તો સાથે બેસવાવાળા મિત્રો પણ રહ્યા નથી. માત્ર ‘ફેસબુક ફ્રેન્ડ’ જ રહ્યા છે. સો કિલોમીટર દૂર બેઠેલી અઢળક વ્યકિતને ફેસબુક ફ્રેન્ડ બનાવે છે પણ બાજુમાં બેઠેલા જીગરિયાનો ભાવ પુછાતો નથી.

મતલબ, મોબાઈલ આવતા પૃથ્વીનું અંતર ઘટી ગયું છે પણ મનનું અંતર ઘણું વધી ગયું છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં ‘પોસ્ટ’ મુકવાનો એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે આપણે એમ થાય કે આની પાસે આના સિવાય બીજું કંઈ કામ જ નહીં હોય ? નાની-નાની સાવ ફાલતુ અને નિરર્થક પોસ્ટ મૂકે.

હાથમાં શાકભાજી ભરેલી થેલવાળો ફોટો મૂકી નીચે લખે, ‘આઈ એમ એટ શાકમાર્કેટ’ જાણે એવરેસ્ટ સર કરી આવ્યાનું સર્ટીફીકેટ બતાવતો હોય. ‘એન્જાેય શોપીંગ’ હવે તું ખરીદી કર એમાં બીજાને શું? હા, આવી પોસ્ટ મૂકવાથી ખરીદીમાં કોઈ ડિસ્કાઉન્ટ મળવાનું હોય તો અલગ વાત છે.

ઘણા તો બહારગામ જતા હોય તો ગુગલ મેપમાંથી સ્ક્રીન શોર્ટ પાડી પોસ્ટ મૂકે ઓન ધ વે ફલાણા ફલાણા.’ કોઈએ એ મહાશયને પૂછયું ન હોય કે ભાઈ તમે ક્યાં છો ? તોય હરખપદડુડો થઈને આવી પોસ્ટ મૂકે. બીજાે એક ત્રાસ વોટસએપનો છે. સવાર પડે ને  મેસેજ શરૂ થઈ જાય ગુલદસ્તો, ચાનો પ્યાલો, કોફી મગ જેવા ફોટા મૂકી નીચે લખે અને કાં તો હસતા ડાગલાનું ચિત્ર મૂકે ને નીચે ગુજરાતીમાં લખ્યું હોય, ‘શુભ સવાર’ હવે ઓલો જણ સવારે કબજિયાતથી કહણાતો હોય ને આ ભાઈ આવા મેસેજ મોકલે. આમાં ઓલા અસરગ્રસ્તને કેવો ગુસ્સો આવે ? ભાઈ સવાર કેવી શુભ છે એ તું અહીં આવીને જાે જા.

આવા લોકોને મેસેજ કરવાનો પગાર મળતો હોય એમ પૂરી નિષ્ઠાથી ફરજ બજાવે છે. વહેલી સવારે મેસેજ મૂકી પાછો સૂઈ જાય. પણ આમ જાે કામ હોય તો વહેલો ઉઠાડો જાેઈએ ! ઢોલ વગાડો હોય તોય ન જાગે. મેસેજ મૂકીને બીજાની ઉંઘ બગાડશે. એટલે સોશિયલ નેટવર્કનું આ પણ એક દુષણ જ છે.

એક વર્ગ એવો છે જે સતત તત્વજ્ઞાન પિષ્ર્યા કરતો હોય છે. ગામ આખાને સંસ્કાર અને સંસ્કૃતિનું જ્ઞાન માથે મારનાર પોતે હરામ જાે આમાંની એકપણ બાબતનું આચરણ કરતો હોય. આવા મેસેજને ગંભીરતાથી લઈએ તો સાલું વૈરાગ્ય આવી જાય. ઘડીભર તો એમ લાગે કે જાણે સંસાર તો અસાર છે.

સોશિયલ નેટવર્કની પોસ્ટને કારણે આજે ‘પોસ્ટકાર્ડ’ લુપ્ત થઈ ગયા છે. પોસ્ટકાર્ડમાં જે લાગણી અને આત્મિયતા છલકાતી એ સોશિયલ નેટવર્કની દંભથી ભરેલી ‘પોસ્ટ’માં અનુભવાતી નથી. અત્યારે તો પોસ્ટ વાંચીને ડિલિટ થઈ જાય છે જયારે પોસ્ટકાર્ડ તો વર્ષો સુધી સંભાળીને યાદગીરીરૂપે સાચવી રાખતા.

આ વખતે કેટલાકના ઘેર દિવાળીકાર્ડ આવ્યા ? બહુ જ ઓછાના ઘેર કાર્ડ આવ્યા હશે. કારણ કે દિવાળીની- નવા વર્ષની શુભકામના હવે લાગણીથી નથી અપાતી એ તો આંગળીના ટેરવાથી સોશિયલ નેટવર્કમાં સેરવી દેવાય છે. પછી તમે વાંચો તોય ભલે અને ન વાંચો તોય ભલે, આપણે સેરવી લીધી. આ છે આજની સોશિયલ લાઈફ. અસ્તુ, સામાજિક જીવન.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.