Western Times News

Gujarati News

અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બન્યું

અમદાવાદ, ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટએ દુનિયાના સૌથી મોંઘા શહેરોની યાદી જાહેર કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ લિસ્ટમાં ઇઝરાયલના તેલ અવીવ દુનિયાનું સૌથી મોંઘુ શહેર છે. જ્યારે આ યાદીમાં અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર જાહેર થયું છે.

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તાજેતરમાં જાહેર કરેલા વર્લ્‌ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે ૨૦૨૧ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. આ રિપોર્ટમાં વિશ્વના ૧૭૩ દેશોમાં જીવનધોરણ અને ખર્ચમાં આવેલા ઉતાર-ચઢાવને આધારિત રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં અમદાવાદ સિવાય ભારતના એક પણ શહેરનો સમાવેશ થયો નથી.

WCOL ઇન્ડેક્સમાં અમદાવાદને ૩૭ પોઇન્ટ મળ્યા છે અને તેને ૧૬૭મું રેન્ક મળતાં તે વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બન્યું છે. આ ઇન્ડેક્સમાં પાકિસ્તાનના કરાચી શહેરને ૩૬ પોઇન્ટ મળતાં તે ૧૬૮મા રેન્ક પર આવ્યું છે. આમ સૌથી સસ્તા શહેરમાં કરાચીએ અમદાવાદને પાછળ કરી દીધુ છે. વિશ્વનું સૌથી સસ્તું શહેર સીરિયાનું દમાસ્કસ છે જેને માત્ર ૧૨ પોઇન્ટ મળ્યા છે.

ઇઝરાયેલનું તેલ અવીવ શહેર ૧૦૬ પોઇન્ટ મેળવીને સૌથી મોંઘું શહેર જાહેર થયું છે. તેલ અવીવ તેના રાષ્ટ્રીય ચલણ તેમજ પરિવહન અને કરિયાણાના ભાવમાં વધારાને કારણે રેન્કિંગમાં આંશિક રીતે ઉપર આવ્યું છે.

આ યાદીમાં પેરિસ અને સિંગાપોર સંયુક્ત રીતે બીજા સ્થાને છે. ત્યારપછી ઝ્‌યુરિક અને હોંગકોંગ આવ્યા. ન્યુયોર્ક છઠ્ઠા સ્થાને છે. સ્વિત્ઝરલેન્ડનું જીનીવા સાતમા સ્થાને પહોંચી ગયું છે.

ટોપ ૧૦માં આઠમા ક્રમે કોપનહેગન, નવમા સ્થાને લોસ એન્જલસ અને ૧૦મા સ્થાને જાપાનનું ઓસાકા શહેર છે. ગયા વર્ષે સર્વેક્ષણમાં પેરિસ, ઝ્‌યુરિક અને હોંગકોંગને સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મળ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.