Western Times News

Gujarati News

અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી ઓફિસમાં ભ્રષ્ટાચારની ફરિયાદના પગલે મહેસૂલ મંત્રીએ ઓચિંતી મુલાકાત લીધી

હાઈકોર્ટના વકીલે સ્ટિંગ ઓપરેશન કર્યું. જેમાં લાંચની માંગણીની ઓડિયો ક્લિપ હાથ લાગી

‘’ સરકારી કચેરીઓમાં કોઈપણ જગ્યાએ ભ્રષ્ટાચાર કે ગેરરીતિ ચલાવી લેવામાં નહીં ‘’ભ્રષ્ટાચારને ડામવા રાજ્ય સરકાર કટિબધ્ધ’’ – મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી

મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આજે અમદાવાદ પોલીટેકનિક કેમ્પસમાં આવેલી મહેસૂલ વિભાગની સ્ટેમ્પ ડ્યુટી કચેરી શહેર વિભાગ – ૧ માં ભ્રષ્ટાચાર અંગે મળેલી ફરિયાદના પગલે  આકસ્મિક તપાસ કરી હતી.  હાઈકોર્ટના વકીલ દ્વારા મળેલી લેખિત ફરિયાદના પગલે મહેસૂલ પ્રધાન દ્વારા ત્વરિત એકશનના ભાગરૂપે કચેરીના અધિકારી-કર્મચારીઓની પૃચ્છા કરી હતી. ગંભીર ફરિયાદ જણાતા મંત્રીશ્રીએ તપાસના આદેશ આપ્યા હતા.

મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ સહિત કોઈ પણ વિભાગમાં ચાલતા કોઇપણ પ્રકારના ભ્રષ્ટાચાર કે ગેરરિતીને ડામવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ક્યાંય પણ આ પ્રકારની ગેરરિતી અંગેના પુરાવા રજૂ કરવા કરાયેલી અપીલને પગલે અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી કચેરીમાં હાઈકોર્ટના વકીલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ,

જેમાં કચેરીમાં બહારના માણસો દ્વારા કરાતી લાંચની માંગણીની ઓડિયો ક્લિપ મંત્રીશ્રીને સોપવામા આવી  હતી. અનધિકૃત રીતે બહારના માણસો અહી આવીને બેસીને કામગીરીમા સામેલ થઈને ભ્રષ્ટાચાર આચરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ભ્રષ્ટાચારના પુરાવા સાથે મળેલી ફરિયાદ માટે જાત તપાસ અર્થે આવેલા મહેસુલ મંત્રીશ્રીએ તાત્કાલિક અસરથી અધિકારી-કર્મચારીઓ સામે કડક પગલાઓ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

મંત્રીશ્રીએ ફરિયાદી વકીલને સાથે રાખી આખી ઘટનાનો ચિતાર મેળવ્યો હતો. મંત્રીશ્રીએ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરી હતી. પુછપરછમાં પંકજ શાહ અને રાજુ પરીખ અનઅધિકૃત રીતે અહી આવીને બેસતા હોવાની જાણકારી મળી હતી. મંત્રીશ્રીએ કચેરીના અધિકારી અને કર્મચારીઓ સામે તપાસ કરી કડક કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્યા હતા.

મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ચાલતી સરકારમાં ભ્રષ્ટાચાર કે ગેરરિતીને ક્યાંય સ્થાન નથી. રાજ્ય સરકાર કોઇપણ વિભાગમા ભ્રષ્ટાચાર ચલાવી લેશે નહિ તથા નાગરિકોને પણ આહવાન કર્યુ હતુ કે  કોઇપણ સરકારી કચેરીઓમા ભ્રષ્ટાચાર થતો હોય તો તેની માહિતી નિર્ભયપણે આપે. તેની સામે ચોક્કસપણે તપાસ કરાશે તેવો વિશ્વાસ પણ મંત્રીશ્રીએ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.