Western Times News

Gujarati News

ઓમિક્રોનની દસ્તક વચ્ચે પણ રાજ્યમાં નાગરિકો ગાઈડલાઈનનો ભંગ કરતાં સરકાર ચિંતિત

અમદાવાદ, ભારત સહિત દુનિયાનાં દેશોમાં ભયનો માહોલ ઉભો કરનારા કોરોના વાયરસનાં નવા વેરિયેન્ટ ઓમિક્રોને ગુજરાતમાં દસ્તક દીધી છે. ઝીમ્બાબ્વેથી આવેલાં ૭૨ વર્ષીય વૃદ્ધ ઓમિક્રોન સંક્રમિત મળી આવતાં આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યો છે.

બીજી તરફ અમદાવાદ અને રાજકોટમાં ૩ શંકાસ્પદ ઓમિક્રોન કેસના રિપોર્ટ પેન્ડીંગ છે. આ ઉપરાંત છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાનાં કેસનાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે બેફીકર બનેલી પ્રજા કોરોના ગાઈડલાઈન અનુસાર માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવાનું ટાળી રહ્યાં હોવાના દૃશ્ય સામે આવી રહ્યાં છે.

રાજ્ય સરકાર પણ હવે સતર્ક બની છે અને ગાઈડલાઈનનો ભંગ કરતાં નાગરીકો સામે કાર્યવાહી કરવા સ્થાનિક તંત્રને આદેશ આપ્યો છે. વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાની સાથે ઓમિક્રોનનો હાહાકાર શરૂ થઇ ગયો છે. કોરોના કરતા પાંચ ગણી ઝડપે ફેલાતા આ વેરિઅન્ટે વિશ્વભરમાં ફફડાટ ફેલાવ્યો છે. ત્યારે ભારતમાં ત્રણ કેસ નોંધાયા છે.

જેમાં એક ગુજરાતના જામનગરમાં નોંધાતા આખી સરકાર હચમચી ગઇ છે. ખાસ કરીને જામનગરનું સમગ્ર સરકારી તંત્ર એલર્ટ પર મુકાઈ ગયું છે. પરંતુ આ કેસથી જામનગરવાસીઓ હજું અજાણ છે ત્યારે જાે તંત્ર દ્વારા કોરોનાને રોકવા અંગેની તકેદારીઓ રાખવાનો તાત્કાલિક અમલ નહીં કરે તો આગામી દિવસોમાં કોરોના અને ઓમિક્રોન વેરિઅન્ટનો વિસ્ફોટ થઇ શકે તેમ છે.

૨૮ નવેમ્બરે ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા ૭૨ વર્ષીય વૃદ્ધમાં ઓમિક્રોન વેરિઅન્ટ ડિટેક્ટ થયાનો અહેવાલ બપોરે ૧૨ વાગ્યે આવ્યો હતો. આ વૃદ્ધના સંપર્કમાં આવનારા લોકો શહેરમાં અનેક સ્થળે ફર્યા હોવાની શક્યતા છે. જેની ગંભીરતાને ધ્યાનમાં લઇને સરકારી તંત્ર જાગૃત થાય તે પહેલા ફરજ સમજીને અમારા રિપોર્ટરે જામનગરની મુખ્ય બજારોમાં જઇને પરિસ્થિતિનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો.

જેમાં નગરવાસીઓ માસ્ક વગર ફરતા જાેવા મળ્યા હતા. આ નાગરિકો કેમેરા જાેતા જ માસ્ક પહેરવા લાગ્યા હતા અને સાવચેતી રાખવી જાેઇએ તેમ કહેવા લાગ્યા હતા. આ વેરિઅન્ટ કોરોના કરતા પાંચ ગણી ઝડપે ફેલાતો હોવા છતાં બેખૌફ લોકો બજારોમાં માસ્ક વગર ફરતા જાેવા મળ્યા છે.

જામનગરમાં વૃદ્ધનો ઓમિક્રોન વેરિઅન્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દિવ્યભાસ્કરે શહેરની શું સ્થિતિ છે તેને લઇને નિરીક્ષણ કર્યું હતું. શહેરના મુખ્ય માર્ગ સાત રસ્તા સર્કલ, શરુ સેક્સન, ખોડિયાર કોલોની મેઇન રોડ, શહેરની મધ્યમાં આવેલા દરબારગઢ, બર્ધન ચોક, માંડવી ટાવર વિસ્તારમાં પહોંચ્યું હતું. જ્યાં મોટાભાગના શહેરીજનો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ફરતાં જાેવા મળ્યા હતા.

જામનગર શહેરમાં મીગ કોલોની પાસે આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક શાક માર્કેટ વિસ્તારમાં શાકભાજી ના વેપારીઓ તેમજ નાગરિકો એ વધુ તકેદારી રાખવાની જરૂર છે તેમજ અમુક નાગરિકો તેમજ શાકભાજીના વેપારીઓ માસ્ક માં જાેવા મળ્યા અને અમુક વેપારીઓ માસ્ક વગર જાેવા મળ્યા હતા.

મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટ આવ્યો છે, તે સંદર્ભમાં જે દર્દી છે તે ડેન્ટલ હોસ્પિટલમાં દાખલ છે. તેમની સઘન સારવાર ચાલી રહી છે. રાજ્ય સરકાર તરફથી ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રેકિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે.

જામનગરવાસીઓને અપીલ છે કે, બની શકે ત્યાં સુધી જેમનું રસીકરણ બાકી છે, તે રસી લઇ લે અને તેની સાથે માસ્ક પહેરવાનું હોય, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું હોય અને ભીડભાડ જેવી જગ્યાએ જવાનું ટાળશે તો આપણે નવા વેરિઅન્ટનો ફેલાવો થતો અટકાવી શકીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.