Western Times News

Gujarati News

મેટ્રો બ્રાન્ડે IPO અગાઉ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 410 કરોડનું ફંડ મેળવ્યું

પ્રસિદ્ધ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું સમર્થન ધરાવતી ફૂટવેર રિટેલર મેટ્રો બ્રાન્ડ્સ લિમિટેડએ જણાવ્યું હતું કે, કંપનીએ એના આઇપીઓ અગાઉ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 410 કરોડથી વધારેનું રોકાણ મેળવ્યું છે. Metro Brands raises Rs 410 cr from anchor investors ahead of IPO

બીએસઈ સર્ક્યુલરમાં જણાવ્યા મુજબ, કંપનીએ ઇક્વિટી શેરદીઠ રૂ. 500ના ભાવે એન્કર રોકાણકારોને 82.05 લાખ ઇક્વિટી શેરની ફાળવણી કરી છે, જેમાંથી કુલ રૂ. 410.25 કરોડનું ફંડ મેળવ્યું છે.

એન્કર રોકાણકારોમાં સોસાયટી જનરલ, ગોલ્ડમેન સાક્સ, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ (એમએફ), આદિત્ય બિરલા સન લાઇફ એમએફ, સુંદરમ એમએફ અને આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ એમએફ સામેલ છે.

પ્રાથમિક શેરના વેચાણમાં ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ રૂ. 295 કરોડના છે તથા પ્રમોટર્સ અને અન્ય શેરધારકો દ્વારા 2.14 કરોડ ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર સામેલ છે.

આઇપીઓ મારફતે કંપનીના પ્રમોટર્સ આશરે 10 ટકા હિસ્સો ઓછો કરશે. અત્યારે પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપ કંપનીમાં 84 ટકા હિસ્સો ધરાવશે. શેરદીઠ રૂ. 485થી રૂ. 500ની પ્રાઇસ બેન્ડ સાથે ઇશ્યૂ 14 ડિસેમ્બરના રોજ બંધ થશે.

અપર પ્રાઇસ બેન્ડ પર પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 1,367.5 કરોડનું ફંડ મળવાની અપેક્ષા છે. ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ફંડનો ઉપયોગ કંપનીના નવા સ્ટોર ખોલવા માટે ખર્ચ કરવા થશે, જે કંપની ‘મેટ્રો’, ‘મોચી’, ‘વોકવે’ અને ‘ક્રોક્સ’ બ્રાન્ડ્સ હેઠળ ખોલશે. ઉપરાંત સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે પણ ફંડનો ઉપયોગ થશે.

અત્યારે કંપની સમગ્ર ભારતમાં 136 શહેરોમાં 598 સ્ટોર ધરાવે છે. ઇશ્યૂની અડધી સાઇઝ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે, 15 ટકા બિનસંસ્થાગત રોકાણકારો માટે અને 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. રોકાણકારો લઘુતમ 30 ઇક્વિટી શેર માટે અને પછી 30 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે.

કંપની ભારતીય ફૂટવેર રિટેલર છે, જે ફૂટવેર માર્કેટમાં ઇકોનોમી, મિડ અને પ્રીમિયમ સેગમેન્ટને ટાર્ગેટ કરે છે. કંપનીએ વર્ષ 1955માં મુંબઈમાં ‘મેટ્રો’ બ્રાન્ડ અંતર્ગત પ્રથમ સ્ટોર ખોલ્યો હતો અને પછી અત્યાર સુધી ફૂટવેરની તમામ જરૂરિયાતો માટે વન-સ્ટોપ સ્ટોરમાં પરિવર્તન કર્યું છે.

આઇપીઓના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – એક્સિસ કેપિટલ, એમ્બિટ, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ, ઇક્વિરસ કેપિટલ, આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ અને મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.