Western Times News

Gujarati News

TRB જવાનોએ વૃદ્ધને પડી ગયેલું પર્સ પાછું આપ્યું

સુરત, ખોવાઈ ગયેલી વસ્તુ પાછી મળી જાય ત્યારે જે હાશ થાય છે તે અવર્ણીય છે. સુરતના ૭૨ વર્ષીય વૃદ્ધ સાથે પણ આવું જ થયું. તેમનું વૉલેટ પડી ગયું હતું અને તેમને આ વાતનો અંદાજાે પણ નહોતો, પરંતુ જ્યારે પાછું મળ્યું ત્યારે તેમની ખુશીનું ઠેકાણું નહોતું. ટીઆરબીના બે જવાનોએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં આ વૃદ્ધને તેમનું વૉલેટ પાછું આપ્યું હતું.

પોલીસ કમિશનરની કચેરી પાસે બે ટીઆરબી જવાનોનું પોસ્ટિંગ થયેલું છે અને વૃદ્ધ જ્યારે તેમનું વૉલેટ લેવા અહીં પહોંચ્યા ત્યારે તેમણે બંને પોલીસકર્મીઓની પ્રાણિકતાને બિરદાવી હતી. અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતાં ભૂપેન્દ્ર રાયજી એક બેન્કમાં ઈન્શ્યોરન્સ એજન્ટ તરીકે કામ કરતાં હતા અને તેમણે થોડા વર્ષો પહેલા સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.

નિવૃત્ત જીવન જીવતાં ભૂપેન્દ્રભાઈ નિયમિતપણે સવારે ચાલવા જાય છે અને રવિવારે પણ નિત્યક્રમ મુજબ નીકળ્યા હતા. ઘરે પાછા ફરતી વખતે તેઓ પોતાના વાહનમાં પેટ્રોલ ભરાવા ગયા હતા. ભૂપેન્દ્રભાઈએ અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, હું ઘરે આવી રહ્યો હતો ત્યારે મારા મોબાઈલમાં રિંગ વાગતી હતી પરંતુ હું ડ્રાઈવિંગ કરતો હોવાથી ફોન ના ઉપાડ્યો.

હું ઘરે પહોંચ્યો ત્યારે ફરીથી મોબાઈલની ઘંટડી વાગી ત્યારે મેં જાેયું કે કોઈ અજાણ્યા નંબર પરથી ફોન છે. મેં ફોન ઉઠવ્યો, સામે છેડેથી ફોન કરનારે પોતાનો પરિચય આપ્યો અને મને જણાવ્યું કે, તેમના સહકર્મચારીને મારું વૉલેટ મળ્યું છે. તેમણે મને પોલીસ કમિશનરની કચેરી નજીક તેઓ ફરજ બજાવે છે ત્યાંથી વૉલેટ લઈ જવાની સૂચના આપી. એ વખતે જ મને ખ્યાલ આવ્યો કે મારું વૉલેટ ખિસ્સામાં નથી. ચોક્કસથી તે પડી ગયું હશે.

ભૂપેન્દ્રભાઈ ટીઆરબીના જવાનો ફરજ બજાવતા હતા ત્યાં પહોંચ્યા. તેમણે સુરેશ રાઠોડ અને હિરેન પટેલ નામના ટીઆરબી જવાનો સાથે મુલાકાત કરી. ટીઆરબી જવાનોએ જણાવ્યું કે, તેમને વૃદ્ધના વૉલેટમાંથી લેબોરેટરિની રિસીટ મળી હતી અને તેમાંથી તેમનો નંબર મળ્યો હતો. વૉલેટમાં ૯ હજાર રૂપિયા રોકડા અને અન્ય જરૂરી દસ્તાવેજાે પણ હતા. ભૂપેન્દ્રભાઈએ કહ્યું, હું આ બંને પોલીસકર્મીઓની પ્રામણિકતા અને ઈમાનદારીને બિરદાવું છું. અમે તેમને અમારા સિનિયર સિટિઝન ક્લબમાં બોલાવીને તેમનું સન્માન કરીશું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.