Western Times News

Gujarati News

સયાજી હોસ્પિટલમાં માયક્રોબાયોલોજી લેબમાં કરવામાં આવી ૩ લાખથી વધુ RTPCR ટેસ્ટ સેમ્પલસની ચકાસણી

૨૩ મી માર્ચ ૨૦૨૦ થી ૨૦ મી ડીસેમ્બર ૨૦૨૧ સુધીના અવિરત કર્મયોગનું સરવૈયુ…

હાલમાં દૈનિક સરેરાશ સાડા ત્રણસો થી વધુ ટેસ્ટ સેમ્પ્લસ ચકાસણી માટે આવી રહ્યાં છે..

વડોદરા તા.૨૧ ડિસેમ્બર, ૨૦૨૧ (મંગળવાર) એ તબીબો અને આરોગ્ય કર્મચારીઓ તા.૨૩ મી માર્ચ,૨૦૨૦ થી અવિરત કર્મયોગ થાક્યા વગર કરી રહ્યાં છે.તેમનું કામ વિવિધ આરોગ્ય સંસ્થાઓ માં રોજેરોજ લેવામાં આવતા આરટીપીસીઆર ટેસ્ટ્સ ના સેમ્પલ ચકાસી ને પોઝિટિવ કે નેગેટિવની પુષ્ટિ કરવાનું છે.

આ કામ ખૂબ જ સચોટ રીતે થવું જરૂરી છે કારણ કે તેમણે આપેલા પરિણામને આધારે જ સદીની કદાચ સૌ થી ભયાનક મહામારી કોવિડ નો ચેપ સંબંધિત વ્યક્તિને લાગ્યો છે કે નથી લાગ્યો તે નક્કી થાય છે અને ચેપ લાગ્યો હોય તો નિર્ધારિત સારવારની શરૂઆત ટેસ્ટ ના પરિણામ ને આધારે જ શરૂ થાય છે.

વાત છે સયાજી હોસ્પિટલની માયક્રોબાયોલોજી વિભાગની લેબનો.સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌ થી મોટી સરકારી હોસ્પિટલ છે તો આ લેબ મધ્ય ગુજરાતની સૌ થી મોટી સરકારી લેબ છે.અત્રે માત્ર કોવિડ નહિ પણ અન્ય ઘણાં રોગોના નિદાન માટે લેવામાં આવતા નમૂનાઓ નું સચોટ પરીક્ષણ કરીને અહેવાલ આપવામાં આવે છે.

આ લેબ માયક્રોબાયોલોજી વિભાગ દ્વારા સંચાલિત છે જેનું નેતૃત્વ બરોડા મેડિકલ કોલેજના ડીન અને આ વિભાગના વડા પ્રાધ્યાપક ડો.તનુજા જાવડેકર કરી રહ્યાં છે. અહીં રાજ્ય સરકારે સચોટ પરીક્ષણ માટે જરૂરી અદ્યતન બલ્કે સ્ટેટ ઓફ આર્ટ કહી શકાય ઉપકરણો અને સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી છે.

તા.૨૩ મી માર્ચ,૨૦૨૦ ના રોજ કોવિડ સેમ્પલના પરીક્ષણની અગત્યની સુવિધા આ લેબમાં શરૂ થઈ તેવી જાણકારી આપતાં કોવિડ સારવારના નોડલ વહીવટી અધિકારી અને સહ પ્રાધ્યાપક ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે તા.૨૦ મી ડિસેમ્બરના રોજ અત્રે કરવામાં આવેલા કોવિડ સેમ્પલ પરીક્ષણનો આંકડો ૩ લાખને વટાવી ગયો છે.સચોટ આંકડો આપીએ તો અહીં ઉપરોક્ત સમયગાળા દરમિયાન ૩૦૧૮૬૮ નમૂનાઓ નું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું કે હાલમાં સયાજી હોસ્પિટલની કોવિડ ઓપીડી માં આરટીપીસીઆર અને રેપિડ બંને પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અહીં થતાં ટેસ્ટના અને અન્ય સરકારી આરોગ્ય સંસ્થાઓમાં કરવામાં આવેલા ટેસ્ટ ના નમૂના પરીક્ષણ માટે આ લેબમાં મોકલવામાં આવે છે.હાલમાં દૈનિક સરેરાશ ૩૫૦ થી વધુ નમૂનાઓ ની ચકાસણી અત્રે થઈ રહી છે.આનંદ ની વાત છે કે તા.૩ જી ડીસેમ્બર પછી ચકાસેલા તમામ નમૂના નેગેટિવ જણાયા છે.

આ પૈકી તા.૧૪ થી ૧૮ ડીસેમ્બર દરમિયાન આ લેબમાં સરેરાશ ૮૦૦ થી વધુ કોરોના ટેસ્ટ ના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેની નોંધ લેવી ઘટે.

સયાજી હોસ્પિટલ ની કોવિડ ઓપીડી માં કોરોના પરીક્ષણ માટે  રેપિડ અને આરટીપિસીઆર ટેસ્ટ કરવામાં આવે છે.ત્યાં થી આરટીપીસીર ટેસ્ટ સેમ્પલ પરીક્ષણ માટે આ લેબમાં આવે છે.આ ઉપરાંત વડોદરાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,જિલ્લાના ગ્રામીણ સરકારી દવાખાના,શહેરની ઈ.એસ.આઇ,ચેપીરોગ અને જમનાબાઈ જેવી હોસ્પિટલો તેમજ છોટાઉદેપુર જેવા જિલ્લા જ્યાં આ પ્રકારની લેબની સુવિધા નથી ત્યાં લેવામાં આવતા આરટીપીસીર કોરોના સેમ્પલ પરીક્ષણ માટે આ લેબમાં આવે છે.

લોકોની આરોગ્ય રક્ષા માટેનો આ કર્મયોગ છે જે સયાજીની માયક્રોબાયોલોજી વિભાગમાં સતત થાક્યા વગર કરવામાં આવી રહ્યો છે.આ કર્મયોગ અને તેની સાથે સંકળાયેલા કર્મયોગી સલામ ને પાત્ર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.