Western Times News

Gujarati News

અસિત વોરા સામે આક્ષેપ થયા છે, પુરાવા નથી: પાટીલ

ગાંધીનગર, ગૌણ સેવા પસંગદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટી ગયા બાદ સરકારે પરીક્ષા ફરી લેવાની જાહેરાત કરી છે. જાેકે, ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા સામે કોઈ પગલાં હજુ સુધી નથી લેવાયા. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કમલમ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

જેમાં તેમણે દાવો કર્યો હતો કે પેપર લીક કાંડમાં અસિત વોરાની સંડોવણીના કોઈ પુરાવા હજુ સુધી સામે નથી આવ્યા. જાે તેમની સામે થતાં આક્ષેપ સાચા ઠરશે તો તેમની વિરુદ્ધ પણ પગલાં લેવાશે. પાટીલે જણાવ્યું હતું કે પેપર લીક કાંડમાં જે પણ વ્યક્તિની સંડોવણી બહાર આવશે તેને છોડવામાં નહીં આવે.

જ્યારે ૮૮ હજાર જેટલા યુવકોએ પરીક્ષા આપી હોય અને તેમના ભવિષ્ય સાથે ચેડા થતાં હોય તો તેને કોઈ સંજાેગોમાં ચલાવી ના લેવાય. જે પ્રેસમાં પેપર છપાયું હતું તેના માલિક સામે કોઈ પગલાં હજુ કેમ નથી લેવાયા તે સવાલનો જવાબ આપતા પાટીલે કહ્યું હતું કે આ અંગે હાલ તપાસ ચાલી રહી છે.

યુવાનોનો વિશ્વાસ ના તૂટે તે માટે સરકાર પૂરાં પગલાં ભરી રહી છે તેવું આશ્વાસન પણ સંગઠન તરફથી મળ્યું હોવાનું જણાવતા પાટીલે કહ્યું હતું કે ફરી પરીક્ષા કઈ રીતે લેવી તેની તૈયારી એ રીતે કરાઈ રહી છે કે પેપર ફુટવાની કોઈ શક્યતા ના રહે. અસિત વોરાની આ મામલામાં કોઈ સંડોવણી છે કે કેમ તે સવાલનો જવાબ આપતા પાટીલે કહ્યું હતું કે, તેમની પાસે હજુ સુધી અસિત વોરા સામે કોઈ પુરાવા નથી આવ્યા.

અસિત વોરા સામે શંકાની આંગળી ચિંધાઈ તે નક્કી છે, તેમની સંડોવણી સામે આવશે તો તેમની વિરુદ્ધ પણ પગલાં લેવામાં વાંધો નથી. ભાજપ દ્વારા આ મામલે કોઈને પણ બચાવવાનો પ્રયાસ નથી કરાયો તેવું ભારપૂર્વક જણાવતા પાટીલે કહ્યું હતું કે, આગામી સમયમાં પણ લાખો યુવકો પરીક્ષા આપવાના છે ત્યારે તેમનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે કમલમ પર કરાયેલા હલ્લાબોલ પર પાટીલે જણાવ્યું હતું કે દરેક પાર્ટીને વિરોધ કરવાનો હક્ક છે, પરંતુ આમ આદમી પાર્ટીએ ગઈકાલે જે કંઈ કર્યું છે તેને હું સખ્ત શબ્દોમાં વખોડી નાખું છું.

આમ આદમી પાર્ટી દ્વારા કરાયેલા આક્ષેપોને રાજકીય ગણાવતા તેમણે કહ્યું હતું કે તેઓ નક્કર પુરાવા આપશે તો ચોક્કસ જવાબદારો સામે પગલાં લેવાશે. ઉલ્લેખનીય છે કે, આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરીને આખાય કાંડનો મુખ્ય આરોપી જયેશ પટેલ ઝડપાઈ ગયો હોવાની માહિતી આપી હતી.

આ ઉપરાંત, તેમણે પરીક્ષા રદ કરવામાં આવે છે તેવી જાહેરાત કરતા માર્ચ ૨૦૨૨માં ફરી પરીક્ષા લેવાશે તેમ પણ જણાવ્યું હતું. આ કૌભાંડમાં જે લોકોએ પેપર ખરીદ્યા છે તેમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે તેમજ તેમની સામે પણ સખ્ત પગલાં લેવાશે તેવી સરકારે જાહેરાત કરી છે. આ કાંડમાં ૧૦-૧૨ લાખ રુપિયામાં પેપર વેચાયા હોવાની ચર્ચા છે, એક આરોપીના ઘરેથી પોલીસને રોકડ પણ મળી આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.