Western Times News

Gujarati News

કેરવાડામાં મતપેટીમાંથી ૨૦-૨૦ રૂપિયાની નોટ નીકળી

આમોદ, આમોદ તાલુકા પંચાયતની ૩૭ ગ્રામ પંચાયતની ચૂંટણી નું આજ રોજ ચામડિયા હાઈસ્કૂલ ખાતે પરિણામ જાહેર થવાનું હોય સવારથી જ લોકોમાં પરિણામ જાણવાની ઉત્તેજના વધી હતી. સવારે નવ કલાકથી પરિણામ પ્રથમ રાઉન્ડમાં બે મતગણતરી હોલ ઉપર મતગણતરી કરવાની શરૃઆત કરવામાં આવી હતી.

જેમાં જેમ જેમ મત પેટીમાંથી મત નીકળતા ગયા તેમ ઉમેદવારોમાં પરિણામ જાણવાની ઉત્તેજના વધી ગઈ હતી. પરિણામો જાહેર થતા જ બહાર વિજેતા ઉમેદવારો તેમજ સરપંચના સમર્થકોએ જયકારો બોલાવી વિજેતા ઉમેદવારોને ફુલહાર ચઢાવી વધાવી લીધા હતાં. તેમજ ગામડામાં વિજય સરઘસ નીકળ્યા હતાં.

આમોદ તાલુકાના સમની ગામ પંચાયત માટે સરપંચ પદના આઠ ઉમેદવારો હોય મતગણતરીમાં વિલંબ થયો હતો.સવારે નવ વાગ્યાથી શરૃ થયેલી ગણતરી બપોરે એક વાગ્યે સરપંચનું પરિણામ ચાર કલાક બાદ જાહેર થયું હતું. તેમજ દાંદા-સુથોડરા ગૃપ ગ્રામ પંચાયતની મત ગણતરી બાદ પરિણામ જાહેર થવામાં વિલંબ થતાં વિજેતા બનેલા સરપંચના ઉમેદવારે હોબાળો મચાવતા ચૂંટણી અધિકારી દ્વારા ફટાફટ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

આજમનગર ગૃપ ગ્રામ પંચાયતના એક ઉમેદવાર મોબાઈલ લઈને મતગણતરી હોલમાં ઘુસી જતાં પોલીસે અપમાનિત કરી મતગણતરી હોલની બહાર કાઢયો હતો.ત્યારબાદ ઉમેદવાર ફરીથી મોબાઈલ મૂકીને આવતા તેને મતગણતરી હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમોદ તાલુકાની ૩૭ ગ્રામ પંચાયતોની સરપંચ અને વોર્ડ સભ્યો માટેની ચૂંટણી બેલેટ પેપરથી યોજવામાં આવી હતી.

જેમાં કેરવાડા ગ્રામ પંચાયતના તેમજ તેલોદ બુથની મતપેટીમાંથી ૨૦-૨૦ રૃપિયાની ચલણી નોટ નીકળતા ચૂંટણી અધિકારી સહિત મતગણતરીમાં રોકાયેલા અધિકારીઓમાં અચરજ ફેલાયું હતું. બીજી તરફ આમોદ તાલુકાની ભીમપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર ૪ માં ૪૭ મત નીકળ્યા હતા.જેમાં એક મત રદ થયો હતો.

જ્યારે બંને ઉમેદવાર મહેશ રાઠોડ તેમજ મનહર વસાવાને ૨૩-૨૩ મત મળ્યા હતાં.જેથી મતગણતરીમાં ટાઈ પડતાં ચિઠ્ઠી ઉછાળવાની નોબત આવી હતી.ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉછાળી મહેશ કરશન રાઠોડને વિજેતા જાહેર કર્યા હતાં.જ્યારે મનહર વસાવાને હારેલા ઉમેદવાર જાહેર કર્યા હતાં. પુરસા ગામના સરપંચના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં ચૂંટણી અધિકારીએ બફાટ કર્યો હતો અને હારેલા સરપંચને વિજેતા જાહેર કર્યા અને વિજેતા સરપંચને હારેલા જાહેર કર્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.