Western Times News

Gujarati News

અકસ્માતમાં પગ કપાતાં વળતરનો કોર્ટનો ઈનકાર

અમદાવાદ, અમદાવાદના એક રહેવાસીએ એક માર્ગ અકસ્માત બાદ વીમા કંપની સામે ૧૦ લાખ રૂપિયાનો ક્લેમ કર્યો હતો જેનો ૨૧ વર્ષે ચુકાદો આવ્યો છે. પરંતુ આ ચુકાદામાં કોર્ટે અમદાવાદી નાગરિકને વળતર અપાવવાના બદલે દંડ ફટકાર્યો છે. તેનું કારણ એ છે કે ક્લેમ કરનારે બનાવટ કરી હતી.

અમદાવાદમાં ભુયંગદેવ વિસ્તારના રહેવાસી પુનિત પીઠવાએ ૨૧ વર્ષ અગાઉ એક રિક્શા સાથે થયેલા રોડ એક્સિડન્ટમાં પોતાનો જમણો પગ ગુમાવ્યો હતો. તેમણે ૧૦ લાખ રૂપિયાનો દાવો માંડ્યો હતો, પરંતુ કોર્ટને આ કેસમાં બનાવટ જણાઈ અને તેણે ઉલ્ટાના વીમા કંપનીને ૧૦,૦૦૦ રૂપિયા ચુકવવા પુનિતને આદેશ આપ્યો છે.

અકસ્માત થયો ત્યારે પુનિતની ઉંમર ૧૯ વર્ષ હતી. ૨૬ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ તે પોતાના મિત્રને પોતાની મોટરસાઈકલ પર બેસાડીને જતો હતો ત્યારે નવરંગપુરા એઈસી ઓફિસ પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયું. તેમાં તેને જમણા પગ પર ગંભીર ઈજા થઈ હતી. ૧૯ ફેબ્રુઆરી ૨૦૦૦ના દિવસે તેણે નારણપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી કે એક રિક્શા ચાલકે બેફામ રિક્શા ચલાવીને તેને અકસ્માતનો ભોગ બનાવ્યો હતો અને તેમાં તેણે પગ ગુમાવ્યો હતો. તેમણે આરોપ મુક્યો હતો કે રિક્શાએ તેને પાછળથી ટક્કર મારી હતી.

પીઠવાએ પોતાને થયેલી ગંભીર ઈજા માટે વળતરની માંગણી કરીને નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિ. સામે ક્લેમ કર્યો હતો. બે દાયકા કરતા વધુ સમય પછી કોર્ટને જણાયું કે પુનિતે કરેલો કેસ બનાવટી હતો. પુરાવાની તપાસ પરથી કોર્ટે કહ્યું કે પુનિતના પિતાએ તાત્કાલિક એફઆઈઆર દાખલ કરી ન હતી.

તેમને લાગતું હતું કે પુનિતને થયેલી ઇજા ગંભીર નથી. હોસ્પિટલે જ્યારે તેમને જણાવ્યું કે પુનિતનો પગ કાપવો પડશે ત્યારે વીમા કંપની પાસેથી રૂપિયા કઢાવવા માટે એફઆઈઆર અને ક્લેમ દાખલ કરવામાં આવ્યા હતા. વીમા કંપનીએ એવી દલીલ પણ કરી હતી કે ઇન્શ્યોરન્સ માટે ક્લેમ કરનાર વ્યક્તિ અને રીક્ષાચાલક વચ્ચે પણ સાંઠગાંઠ હતી.

કોર્ટે જણાવ્યું કે તેની સામે રજુ થયેલા પુરાવા પ્રમાણે પુનિત એક રિક્શાને ઓવરટેક કરવા જતો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. ઓટો ડ્રાઇવર સામે પણ બનાવટી આરોપો સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી તેથી અદાલત સમક્ષ આ ક્લેમ ટકી શકે તેમ નથી. આ કારણ આપીને કોર્ટે નેશનલ ઇન્શ્યોરન્સ કંપનીને ૧૦,૦૦૦ રૂપિયાનું વળતર ચુકવવા ફરિયાદીને આદેશ આપ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.