Western Times News

Gujarati News

રિવરફ્રન્ટના સંત સંમેલનમાં સામેલ ૪૦ કાર્યકર્તાને કોરોના

અમદાવાદ, રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, ત્યારે અમદાવાદમાં સાબરમતીના કાંઠે તાજેતરમાં યોજાયેલું સંત સંમેલન સુપર સ્પ્રેડર સાબિત થયું છે. મંગળવારે યોજાયેલા આ સંમેલનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના ભાજપના નેતાઓ, કાર્યકરો તેમજ સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

જાેકે, તેમાં સામેલ ૪૦ જેટલા કાર્યકર્તાઓ કોરોના પોઝિટિવ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કના નિયમોનું કોઈ પાલન નહોતું થયું. કાર્યક્રમમાં હાજર લોકોમાં ભાગ્યે જ કોઈએ માસ્ક પહેરવાની તસ્દી લીધી હતી. તેવામાં તેમાં સંમેલનમાં ભાગ લીધા બાદ કોરોનાગ્રસ્ત થયેલા લોકોનો આંક વધે તેવી પણ શક્યતા છે.

સંમેલનનું આયોજન કરનારા ભાજપના અમદાવાદ શહેર પ્રમુખ તેમજ પૂર્વ મેયર અમિત શાહ પણ કોરોનાગ્રસ્ત થયા છે. અમિત શાહે આ અંગે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર માહિતી આપતા જણાવ્યું હતું કે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અને હાલ તેઓ SVPમાં સારવાર હેઠળ છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવી લેવા માટે જણાવ્યું હતું.

રિવરફ્રંટ પર યોજાયેલા આશીર્વાદ સમારોહમાં એક હજારથી વધારે સંતો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે સાબરમતી નદીની આરતી પણ ઉતારવામાં આવી હતી. સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત ભાજપના પ્રભારી સુધીર ગુપ્તા, રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, અમદાવાદના મેયર કિરિટ પરમાર ઉપરાંત, એક હજારથી વધુ સાધુ-સંતો તેમજ ધર્માચાર્યો અને સામાન્ય જનતા ઉપસ્થિત રહી હતી.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે રાજ્યમાં નવા ૩૩૫૦ કેસ નોંધાયા હતા. રાજ્યમાં હજુ સુધી કોરોનાને કારણે થતાં મૃત્યુનો આંક ખૂબ જ નીચો રહ્યો છે, પરંતુ હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાતા સરકારે આજે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૨૨ પણ પડતી મૂકવાનો ર્નિણય લીધો છે.

આ ઉપરાંત, અમદાવાદમાં રિવરફ્રંટ પર યોજાનારા ફ્લાવર શોનું આયોજન પણ રદ્‌ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે. તાજેતરમાં જ આહના દ્વારા પણ લોકોને સામાજિક મેળાવડાથી દૂર રહેવા તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.