Western Times News

Gujarati News

GTPL હેથવેનો FY2022ના પ્રથમ નવ માસની આવક રૂ. 18,288 મિલિયન થઈ

નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ નવ માસની બ્રોડબેન્ડ આવકો વાર્ષિક ધોરણે 51 ટકા વધીને રૂ. 2,978 મિલિયન થઈ

અમદાવાદ, ભારતની અગ્રણી ડિજિટલ કેબલ ટીવી અને બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર જીટીપીએલ હેથવે લિમિટેડે (જીટીપીએલ) 31 ડિસેમ્બર, 2021ના રોજ પૂરા થતા નવ મહિના અને ત્રીજા ત્રિમાસિક ગાળા માટે નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે.

નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ નવ મહિના માટે કંપનીએ રૂ. 18,288 મિલિયનની આવકો જાહેર કરી હતી જે વાર્ષિક ધોરણે પાંચ ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ નવ મહિના માટે એબિટા (ઈપીસી સહિત) રૂ. 4,301 મિલિયન હતી જે વાર્ષિક ધોરણે ત્રણ ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ નવ મહિના માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 1,454 મિલિયન રહ્યો હતો.

કંપનીના પરિણામો અંગે જીટીપીએલ હેથવેના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનિરૂદ્ધ જાડેજાએ જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ નવ મહિનામાં નવા રાજ્યોમાં સીએટીવી બિઝનેસ વિસ્તર્યો હતો, મોટી સંખ્યામાં સબસ્ક્રાઈબર્સ જોડાયા હતા અને બ્રોડબેન્ડ બિઝનેસની સબ્સ્ક્રીપ્શન આવકોમાં વધારો થયો હતો.

બ્રોડબેન્ડ બિઝનેસમાં કંપની ગુજરાતમાં વિસ્તરણ કરી રહી છે અને બિઝનેસ પાર્ટનર્સ થકી અન્ય રાજ્યોમાં સ્થિતિ મજબૂત બનાવી રહી છે. જીટીપીએલ હેથવેએ નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ નવ મહિનામાં 1,30,000 નવા સબસ્ક્રાઈબર્સ ઉમેર્યા હતા. કંપની તેના ગ્રાહકોને મૂલ્યસર્જિત સેવાઓ આપીને તેના વ્યૂહાત્મક માર્ગે આગળ વધી રહી છે અને સતત તેમના અનુભવમાં વૃદ્ધિ કરી રહી છે.

નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ નવ મહિનામાં સીએટીવી સબસ્ક્રીપ્શન આવકો રૂ. 8,057 મિલિયન રહી હતી. બ્રોડબેન્ડ આવકો રૂ. 2,978 મિલિયન રહી હતી. વાર્ષિક ધોરણે નાણાંકીય પડતરમાં 42 ટકા ઘટાડો થયો હતો. ડિસેમ્બર 31, 2021ના રોજ પેઈંગ સબસ્ક્રાઈબર્સની સંખ્યા 7.5 મિલિયન હતી. જીટીપીએલ વર્તમાન બજારોમાં તેની હાજરી મજબૂત બનાવી રહી છે.

નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ નવ મહિનામાં કંપનીએ 530000 હોમ પાસ ઉમેર્યા હતા. ડિસેમ્બર 31, 2021 સુધીમાં હોમ પાસની સંખ્યા 4.40 મિલિયન હતી. નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ નવ મહિનામાં કંપનીએ 130000 નેટ બ્રોડબેન્ડ સબસ્ક્રાઈબર્સ ઉમેર્યા હતા. ડિસેમ્બર 31, 2021 સુધીમાં કુલ સબસ્ક્રાઈબર્સની સંખ્યા 765000 હતી જે પૈકી 290000 એફટીટીએક્સ સબસ્ક્રાઈબર્સ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.