Western Times News

Gujarati News

નવમા નોરતે અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરની આંગણવાડીમાં નવદુર્ગા બાલિકા પૂજન કરાશે

અમદાવાદ :નવરાત્રિના તહેવારમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ભાજપ સંગઠન દ્વારા અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં નવદુર્ગા બાલિકા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકે અને દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ ઘટે તે માટે અને સેક્સ રેશિયો વધારવા તથા બાળકીઓને પોષણ ક્ષમ આહાર મળી રહે તે હેતુથી  રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે આ કાર્યક્રમ હાથ ધર્યો છે. ભાજપ સંગઠન દ્વારા નવમા નોરતાએ અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરની આંગણવાડીઓમાં આયોજિત નવદુર્ગા બાલિકા પુજન કાર્યક્રમમાં કાર્યકરોને જોડાવ માટે સુચના આપવામાં આવી રહી છે.

રાજ્યમાં બાળકીનો જન્મ દર ખુબ ઓછો છે જેને લઈને ગત વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી વિજય રુપાણીએ ચિંતા વ્યક્ત કરી હતી અને સૌને સાથે મળી આ અંગે કામ કરવા માટે સુચન કર્યું હતું ત્યારે બાળકીમાં કુપોષણનો દર ઘટે બાળકીઓને પોષણક્ષમ આહાર મળી રહે અને અભિયાસ માટે પણ પરિવાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તેમજ દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ પરિવાર ભૂલે તેના માટે સરકારે વધુ એક પ્રયાસ હાથ ધર્યો છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગને સરકારે સુચના આપતા આ વિભાગે આંગણવાડી ખાતે જતી બાળકીઓનું પૂજન કરવાનું આયોજન કર્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે,  અમદાવાદ જિલ્લા સહિત રાજ્યમાં લગભગ ૫૪ હજાર જેટલી આંગણવાડી આવેલી છે અને તેના આશરે ૯ લાખ બાળકીઓ છે જેનું પૂજન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. થોડા વર્ષો અગાઉ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ૧૧ આંગણવાડીમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જે બાદ ૧૩૫૪ આંગણવાડી સુધી આ પ્રોજેક્ટ પહોચ્યો હતો અને હવે સરકારે આ કાર્યક્રમને રાજ્યવ્યાપી ઉજવવા આદેશ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.