Western Times News

Gujarati News

કોરોનાનો ડર: એસટી-ખાનગી બસમાં પ્રવાસી ઘટ્યા

વધતા જતા કેસના કારણે લોકોએ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું ટાળ્યું

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ સહિત રાજયભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી કોરોનાએ ફૂંફાડો માર્યો છે અને દિન પ્રતિદિન કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કોરોનાના કહેરની અસર ફરી સામાન્ય જનજીવન ઉપર પણ પડવા લાગી છે.

ખાસ કરીને લોકો બહારગામ મુસાફરી કરવાનું ટાળવા લાગ્યા છે. જેના કારણે રાજયની એસટી અને ખાનગી બસમાં પણ ફરી એક વાર મુસાફરોની સંખ્યા ઘટવા લાગી છે. ખાસ કરીને એસટી નિગમની બસમાં કોરોનાના કેસની સીધી અસર ફરી દેખાવા લાગી છે. અને અમદાવાદ સહિતનાં રાજયના જુદા જુદાં બસ સ્ટેન્ડ ઉપર છેલ્લા ચારથી પાંચ દિવસથી મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો દેખાવા લાગ્યો છે.

કેટલાકને વર્ક ફ્રોમ હોમ હોવાના કારણે પણ બસમાં સીટ ખાલી પડી રહી છે. શહેરમાં અનેક રૂટ પર ચાલતી સિટી બસ સેવા કોરોનાના કેસ વધવાના પગલે પ્રભાવિત થઈ હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થીની સંખ્યામાં પણ ઘટાડો થતાં બસમાં મુસાફરોની સંખ્યામાં પ૦ થી ૬૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

કોરોનાની બીજી લહેર પછી પરિસ્થિતિ સામાન્ય થઈ જતાં રોજના હજારો મુસાફર ખાનગી અને એસટી સહિત સિટી બસમાં મુસાફરી કરતા હતા. જાેકે છેલ્લા ૧પ દિવસથી કોરોના કેસમાં વધારો થવાના પગલે સંખ્યા ઘટી ગઈ છે. ખાસ કરીને પાસહોલ્ડર વિદ્યાર્થીની સંખ્યા ઘટી ગઈ છે અને તેમને રોજનું રિફંડ આપવું પડી રહ્યું છે. રોજની લાખો રૂપિયાની આવક હવે હજારોમાં પહોંચી છે સવારે ૭.૩૦થી ૧૦ અને સાંજે પ.૩૦ થી ૮ દરમિયાન નોકરિયાત વર્ગ જ મુસાફરી કરી રહ્યો છે. બપોરના સમયે બસમાં માંડ પાંચથી ૧૦ મુસાફર હોય છે.

પ્રવાસીઓમાં ફરી કોરોનાનો ડર પેસી ગયો છે જેથી લોકો બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળે છે. બીજી તરફ ખાનગી બસમાં જાે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું હોય તો બાજુની સીટ ખાલી રાખવાના વધુ ભાવ ચુકવવા પડે જેના કારણે લોકો ખાનગી બસોમાં પણ ઓછી સંખ્યામાં મુસાફરી કરી રહ્યા છે. ગ્રામ્ય રૂટની એસટી બસ ખાલીખમ દોડવા લાગી છે. છેલ્લા પાંચેક દિવસથી વધુ પ્રમાણમાં મુસાફર ઘટયા છે ઓનલાઈન બુકિંગમાં પણ ઘટાડો થયો છે.

મુસાફરની સંખ્યામાં ઘટાડો થતાં રાજયકક્ષાએ એસટી નિગમની દૈનિક આવકમાં પણ તોતિંગ ઘટાડો નોંધાઈ રહ્યો છે. એસટી નિગમના સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ચારેક દિવસથી એસટી નિગમની દૈનિક આવક રૂ.૭.પ૮ કરોડના બદલે રૂ.૬.પ૦ કરોડ આસપાસ પહોંચી ગઈ છે. આમ છેલ્લા ચાર દિવસથી એસટી નિગમની દૈનિક આવકમાં રૂ.એક કરોડ જેટલો ધરખમ ઘટાડો થવા લાગ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.