Western Times News

Gujarati News

ઓપરેશન વગર ઘૂંટણની સારવારના નામે મહિલા સાથે બે લાખની છેતરપિંડી

Files Photo

અમદાવાદ, કોરોનાના કપરા સમયમાં લોકોને લૂંટવા માટે ગઠિયાઓ પોતાની પાસે આવેલી એકપણ તક છોડતા નથી. લોકોને છેતરવા માટે ગઠિયા રોજેરોજ નવી નવી રીતો અપનાવીને ભોળા માણસોના ખિસ્સા ખાલી કરતાં હોય છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં બની હતી.

શહેરના શાહીબાગમાં વગર ઓપરેશન ઘૂંટણની બે લાખની ઠગાઇ થઇ છે. ગઠિયાએ મહિલાના ઘૂંટણની આજુબાજુમાં પાઇપ લગાવી એક કાગળમાં ઘૂંટણમાં ભરાયેલ રસી કાઢી લીધી હોવાનું કહીને મહિલાને છેતર્યા હતા.

શાહીબાગ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા સુંદરલાલ જૈને ત્રણ વ્યક્તિ વિરૂદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. સુંદરલાલની પત્નીને ઘૂંટણનો દુખાવો રહે છે. જેથી તેમને ચાલવામાં તકલીફ પડે છે.

થોડા દિવસ અગાઉ તેઓ તેમની પત્ની સાથે શાહીબાગ રાજસ્થાન હોસ્પિટલ નજીક અનાજ દળવાની ઘંટીએ ગયા હતા. જ્યાં સુંદરલાલની પત્ની શકુંતલાદેવીને એક ગઠિયો મળ્યો હતો અને તેણે શકુંતલાદેવીને કહ્યું હતું કે માજી તમને ઘૂંટણના દુખાવાના કારણે ચાલવામાં તકલીફ પડી રહી છે.

મારી માતાને પણ પગમાં તકલીફ થતી હતી અને એક ડો.મલિક છે, જે મહિનામાં એક વાર આવે છે અને વગર ઓપરેશને દુખાવો મટાડી આપે છે. આમ કહીને ગઠિયાએ પોતાનું નામ સરુેશ અગ્રવાલે જણાવી એક કાગળમાં તેનો મોબાઇલ નંબર આપી જતો રહ્યો હતો.

સુંદરલાલે ગઠિયા સાથે વાર કર્યા બાદ ગઠિયાએ ડો.મલિકનો નંબર આપ્યો હતો. ગઠિયાએ સુંદરલાલને કહ્યું કે ડો.મલિક તેમની સાથે અન્ય એક શખ્સ પણ તમારે ત્યાં આવશે ત્યારબાદ તેઓ સુંદરલાલના ઘરે આવ્યા હતા. આ બે ગઠિયાઓમાંથી ડો. મલેક નામના એક ગઠિયાએ સુંદરલાલને કહ્યું કે તમારી પત્ની શકુંતલાદેવીને ઘૂંટણમાં રસી થઇ ગઇ છે. જેથી આ રસી કાઢવા ૨૬૦૦ રૂપિયાનો ખર્ચ થશે.

સુંદરલાલ પત્નીની સારવાર માટે ખર્ચ આપવા તૈયાર થઇ ગયા હતા. ત્યારબાદ આ ડો.મલેક નામના ગઠિયો તેની પાસે રહેલી એક પાઇપ શકુંતલાદેવીના ઘૂંટણની આજુબાજુ મૂકીને દબાણ આપી પાઇપમાંથી રસીના ટીપા અલગ અલગ કાગળમાં મુકવા લાગ્યો હતો, આમ બંને પગમાંથી આ રીતે રસી કાઢી હોવાનો ડોળ કરીને સુંદરલાલ પાસેથી રૂપિયા બે લાખ માગ્યા હતા.

સુંદરલાલે બે ગઠિયાને બે લાખ રૂપિયા આપી દીધા બાદ તેઓ જતા રહ્યા હતા. સુંદરલાલે સાંજે સુરેશ અગ્રવાલને ફોન કરીને ડો. મલેકનું સરનામું પૂછતાં તે ચાંદખેડા રહેતા હોવાનું કહીને ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ તેમને અવાર નવાર ફોન કર્યો પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. સુંદરલાલને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં તેમણે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગઠિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.