Western Times News

Gujarati News

75 કારીગરોએ બનાવેલી માટીની 2975 કુલડીમાંથી તૈયાર કરાયેલા મહાત્મા ગાંધીના ભીંતચિત્રનું અનાવરણ

સાદગી,સ્વદેશી-સ્વભાષા-સત્યાગ્રહ અને સાધનશુદ્ધિના ગાંધી-વિચારો ભારતના પુન: નિર્માણ માટે મહત્વપૂર્ણ – કેન્દ્રીય ગૃહ-સહકારમંત્રી

દુનિયાના સૌથી મોટા બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી દેશને મુક્ત કરવાનું ગાંધી- સંકલ્પબળ આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત – શ્રી અમિતભાઈ શાહ

ગાંધીજીનું ખેતી – ખાદી થકી સ્વરાજનું સ્વપ્ન આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાકાર કરી રહ્યા છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિત ભાઈ શાહે શહિદ સ્મૃતિ અને ગાંધી નિવાર્ણ દિન નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભીંતચિત્રના અનાવરણ પ્રસંગે જણાવ્યું હતું કે,

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાદગી, સ્વદેશી, સ્વભાષા, સત્યાગ્રહ અને સાધનશુદ્ધિ જેવા વિચારો ભારતના પુન: નિર્માણ માટે આજે પણ એટલા જ મહત્વના અને પ્રસ્તુત છે. આ ભીંત ચિત્ર ભારતના હસ્ત-કારીગરો દ્વારા નિર્મિત 2,975 માટીની કુલડીમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.

શ્રી અમિતભાઈ શાહે આ અનાવરણ પ્રસંગે જનસમૂહને સંબોધતા કહ્યું કે, દુનિયાના સૌથી મોટા બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી દેશને મુક્ત કરવાનું ગાંધી- સંકલ્પબળ આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.

આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આઝાદીનો અમૃત મહોત્સવ” ની ઉજવણીનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું કે,  આ મહોત્સવના પગેલ 1857 થી લઈને 1947 સુધી ભારતની સ્વતંત્રતા માટે સર્વસ્વ ન્યોછાવર કરનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન વિશે ભારતની ભાવિ પેઢી માહિતગાર થશે. તેમણે એમ પણ જણાવ્યું કે, આ અમૃત મહોત્સવ એ આપણને ભારતની આઝાદીના 100 વર્ષના લક્ષ્યાંકો નિર્ધારિત કરવાનો પણ અવસર પૂરો પાડે છે.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય બાપુના ખાદી, સ્વદેશી, સ્વભાષા અને હસ્તશિલ્પ જેવા વિચારોને પુનર્જીવિત કરવાનું પ્રસંશનીય કાર્ય પણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખાદીની ખરીદી કરીને તે વિચારને બળ પુરુ પાડવાનો આરંભ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીએ ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે “ખાદી ફોર નેશન” સાથે “ખાદી ફોર ફેશન” નું સૂત્ર પણ જોડ્યું.

શ્રી અમિતભાઈ શાહે આ અવસરે બાપુના જીવનમાંથી સૌ નાગરિકોને પ્રેરણા લેવાનો અનુરોધ કરતા કહ્યું કે, પૂજ્ય બાપુ મૂક તપસ્વી અને કર્મયોગીનું જીવન જીવ્યા અને તેમનું જીવન જ તેમનો સંદેશ બની રહ્યું.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ નાગરિકોને સ્વભાષા સાથેનો નાતો જાળવી રાખવાનો અનુરોધ કરતાં કહ્યું કે, જો આપણે સ્વભાષા સાથેનો નાતો તોડીશું, તો આપણો સંસ્કૃતિ સાથેનો નાતો પણ તૂટશે.

ગૃહમંત્રીશ્રીએ આ અવસરે ઉપસ્થિત નાગરિકોને ખાદીનો ઉપયોગ કરીને દેશના ગરીબોને ગૌરવભેર જીવન જીવવાનો અવસર આપવા માટે પણ અપીલ કરી હતી. તેમણે વર્તમાન સમયમાં પણ ખાદી એટલી જ પ્રાસંગિક છે તેમ ઉમેર્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રીશ્રીએ આ અવસરે માટીના કૌશલ્યકારોને ઈલેક્ટ્રીક ચાકડાનું અને મધ-ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યમીઓને મધમાખી ઉછેર માટેની પેટીઓનું વિતરણ કર્યું હતું.

-: શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રન્ટની ગરિમા અને સુંદરતામાં વધારો કરતું નવું નજરાણું અમદાવાદને આપવા બદલ શ્રી અમિતભાઇ શાહનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારત સરકારના ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન દ્વારા તૈયાર કરવામાં આવેલું બાપુનું આ ભીંતચિત્ર ગાંધી નિર્વાણદિને પૂજ્ય બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ છે.

અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસમાં સ્થાપિત મહાત્મા ગાંધીજીનું આ ભીંતચિત્ર શહેરના નાગરિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ ભીંતચિત્ર દેશભરના 75 હુન્નરમંદ કારીગરો બનાવેલા માટીના 2975 કુલડીથી તૈયાર કરાયું છે. આઝાદ દેશના 75માં વર્ષે 100 સ્કેવર મિટરનું આ ભીંતચિત્ર પૂજ્ય બાપુને પરફેક્ટ ટ્રીબ્યુટ છે. એટલું જ નહીં, સાબરમતીના સંત તરીકે જાણીતા ગાંધીજીના ભીંતચિત માટે સાબરમતી રિવરફ્રન્ટથી વિશેષ કોઇ અન્ય જગ્યા ન હોઇ શકે.

સાબરમતી નદીના આજ તટેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીનો અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. એટલું જ નહીં, અમદાવાદની સાબરમતી નદીના કિનારેથી મહાત્માં ગાંધીએ દેશને ખાદીની પ્રેરણા આપી હતી એમ તેમણે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, ગાંધીજી પરંપરાગત હસ્તકલાઓ તેના કસબીઓ અને ગૃહ ઉદ્યોગના હંમેશા હિમાયતી રહ્યા હતા.

ગાંધીજીના આ સ્વપ્નને સાકાર કરવા આજે દેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ અને અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં સ્વરાજ્યથી સુરાજ્યનો માર્ગ અને આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

આત્મનિર્ભર ભારતમાં દેશના હસ્તકલા કારીગરો, પરંપરાગત ગૃહઉદ્યોગ વ્યવસાયકારોના ઉત્પાદનોને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રથી વિશ્વ સમક્ષ મૂકવામાં આવી રહ્યા છે એમ સ્પષ્ટપણે મુખ્યમંત્રી શ્રી જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રીએ પૂજ્ય બાપુને યાદ કરતા કહ્યું કે, મહાત્મા ગાંધી હંમેશા કહેતા કે, ખાદી એ વસ્ત્ર નથી પણ એક વિચાર છે અને ગાંધીજીએ અંગ્રેજો સામે લડવા માટે ચરખાને જ મુખ્ય હથિયારબનાવ્યું હતું. એટલું જ નહીં, મહાત્મા ગાંધી ખેતી અને ખાદીને જોડીને તેને સ્વરાજનું સાધન બનાવવા માંગતા હતા અને આજે એ સ્વપ્નને શ્રી નરેન્દ્રભાઇ પૂરૂ કરી રહ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી પોતે ખાદી પહેરે છે અને અન્ય લોકોને તે પહેરવા માટે પ્રેરણા પણ આપે છે. એટલે જ શ્રી નરેન્દ્રભાઇએ ગ્રામીણ અંત્યોદયોના જીવનમાં ઉજાસ પાથરવા માટે ઓછામાં ઓછું એક ખાદીવસ્ત્ર કે ખાદીની બનાવટ ખરીદવા દેશવાસીઓને આગ્રહ કર્યો છે. ત્યારે આ દિશામાં ખાદીની વસ્તુ ખરીદવા મુખ્યમંત્રી શ્રીએ પણ ગુજરાતના નગરજનોને અપીલ કરી હતી.

આ અવસરે ભારત સરકારના MSME મંત્રી શ્રી નારાયણ રાણે કહ્યું કે, અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસમાં સ્થાપિત મહાત્મા ગાંધીજીના આ ભીંતચિત્ર થકી પૂજ્ય બાપુને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખાદી થકી રોજગાર સર્જનના વિચારને નવું બળ પૂરું પાડ્યું છે.

આ અવસરે ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન(KVIC)ના ચેરમેન વી.કે.સક્સેનાએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ખાદી અને ગ્રામોદ્યોગને અવિરત પ્રોત્સાહન પ્રાપ્ત થઈ રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે ખાદી-ગ્રામોદ્યોગમાં 135 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. શ્રી સક્સેનાએ માટીની કુલડીમાંથી બનેલા મહાત્મા ગાંધીના ભીંતચિત્રના અનાવરણ પ્રસંગે પધારવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમાર, રાજ્યમંત્રી સર્વશ્રી હર્ષભાઇ સંધવી, જગદીશભાઇ વિશ્વકર્મા, મેયરશ્રી કિરિટભાઇ પરમાર, પૂર્વ ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદશ્રી કિરિટભાઇ સોલંકી, ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, ભાજપ અગ્રણી શ્રી સુરેન્દ્રભાઇ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.