Western Times News

Gujarati News

અમદાવાદના શાહ પરિવારે બાયડની શાળાના નામકરણ માટે આપ્યું 11 લાખનું દાન

શ્રી સરસ્વતી વિદ્યાલય, રમાસની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) શ્રી સરસ્વતી વિદ્યાલય, રમાસ, તાલુકો બાયડ ને શાળાના નામકરણ માટે રૂપિયા ૧૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા અગીયાર લાખ પુરા નું દાન પ્રાપ્ત થતાં શાળા પરિવાર અને નવયુવક કેળવણી, મંડળ ખુબ ખુબ આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરે છે.

શ્રી સરસ્વતી વિદ્યાલય રમાસ તાલુકો બાયડને રમાસ ગામના અને વર્ષોથી અમદાવાદ ખાતે સ્થાયી થયેલા શેઠ શ્રી અરવિંદ કુમાર એમ. શાહ તથા શેઠ શ્રી વલ્લભદાસ એમ. શાહ પરિવાર દ્વારા તેમના પૂજ્ય પિતાશ્રી સ્વ. શેઠ શ્રી મૂલચંદદાસ રવચંદદાસ શાહ તથા માતૃશ્રી સ્વ. શારદાબા મૂલચંદદાસ શાહ ના સ્મરણાર્થે રૂપિયા ૧૧,૦૦,૦૦૦/- નું માતબર કહી શકાય તેવું દાન પ્રાપ્ત થયેલ છે. સ્વ. શેઠ શ્રી મૂલચંદદાસ આર. શાહ ના પરિવારજનો દ્વારા અગાઉ પણ શાળાને રૂપિયા ૬૫,૦૦૦ રું. નુ દાન પ્રાપ્ત થયેલ હતું.

શાળાની વિવિધ પ્રવૃત્તિઓને અને શાળાના ઉત્સાહી પ્રિન્સીપાલ શ્રી ઉન્મેષભાઈ પટેલની કામગીરીને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી માં ઘણા બધા દાતાશ્રીઓએ શાળા ઉપર પોતાનો હેત વરસાવ્યો છે શાળાને મળેલા આ મોટા દાનથી હવે શાળાનું નામકરણ શ્રી એમ.આર.શાહ સરસ્વતી વિદ્યાલય, રમાસ કરવામાં આવશે.

શાળાને મળેલું આ દાન શાળાને સુંદર અને શ્રેષ્ઠ બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં ખૂબ મોટું પ્રેરકબળ બની રહેશે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની છેવાડાની આવી નાની શાળા દર વર્ષે રાજ્ય કક્ષાએ કોઇ ને કોઇ પ્રવૃત્તિમાં ભાગ લઈ રહી છે અને શાળાની આ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને વિવિધ દાતાઓ સતત તેમના આશીર્વાદ શાળા ઉપર વરસાવતા રહ્યા છે

તે રમાસ ગ્રામ તેમજ બાયડ તાલુકા માટે આનંદ અને ગૌરવની વાત છે.શ્રી નવયુવક કેળવણી મંડળના આદરણીય ચેરમેન શ્રી કાન્તીભાઈ આર. પટેલ, મંત્રીશ્રી સુનિલ ભાઈ પટેલ,પૂર્વ પ્રિન્સીપાલ શ્રી પી. એમ. પટેલ, કેળવણી મંડળ ના સૌ સભ્યશ્રીઓ તેમજ શાળાના સૌ કર્મચારીઓ વગેરે એ દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.