Western Times News

Gujarati News

કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૫ સુધીમાં માર્ગ અકસ્માતમાં ૫૦% ઘટાડો કરવાના પ્રયાસો કરશેઃકેન્દ્રીય મંત્રી

નવીદિલ્હી, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીના મતે રોડ સેફ્ટી એ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને રોડ અકસ્માતો માટે ઝીરો ટોલરન્સ હોવી જાેઈએ.

તેથી, કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતમાં માર્ગ અકસ્માતોમાં ૫૦% ઘટાડો કરવા માટેના તમામ પ્રયાસો કરશે. આ માટે ઓટોમોબાઈલ સેફ્ટી ઈકોસિસ્ટમમાં જરૂરી સુધારાઓ કરવામાં આવશે. આ સાથે જ મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવા માટે કારમાં ટૂંક સમયમાં જ અનેક સેફ્ટી ફીચર્સ ફરજિયાત કરવામાં આવશે.

માર્ગ અકસ્માત ઘટાડવા માટે વાહનોમાં સલામતી પર ભાર મૂકવામાં આવશે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે તેમની કારમાં તમામ સીટ પર ત્રણ પોઈન્ટ સીટબેલ્ટ લગાવવાનું ફરજિયાત બનાવવા જઈ રહી છે. જેમાં પાછળની સીટની વચ્ચે બેઠેલા ત્રીજા મુસાફર માટે સીટ બેલ્ટ જરૂરી રહેશે, જેથી કોઇપણ અકસ્માતને કારણે મૃત્યુ થવાની સંભાવના ઘટી જશે.

આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સલામતી ધોરણોને લાગુ કરવા માટે કાર ઉત્પાદકોના જરૂરી નિયમો લાગુ કરી શકાય છે. સરકાર આ અંગે અલગ-અલગ સલામતી ધોરણોનો અભ્યાસ કરવા જઈ રહી છે.માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક ઘટાડવા માટે કેન્દ્ર સરકાર ઘણા મહત્વના ર્નિણયો લેવા જઈ રહી છે.

આ મામલે કેન્દ્ર સરકારનું રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય ટૂંક સમયમાં એક નોટિફિકેશન બહાર પાડવાની તૈયારી કરી રહ્યું છે. સામાન્ય રીતે, થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટને લેપ બેલ્ટ કરતાં વધુ સુરક્ષિત ગણવામાં આવે છે, તેઓ કોઈપણ અકસ્માતના કિસ્સામાં મુસાફરોને વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે.

હવે ટૂંક સમયમાં આ નિયમ સાર્વજનિક કરવામાં આવશે અને તમામ વાહન ઉત્પાદકો માટે તેમના વાહનોમાં તેનો ઉપયોગ કરવો જરૂરી બનશે.એટલે કે, કારની દરેક સીટ પર ત્રણ પોઈન્ટ બેલ્ટ આપવાનું ફરજિયાત રહેશે.

તાજેતરમાં, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે એક ડ્રાફ્ટને મંજૂરી આપી હતી જેમાં કાર ઉત્પાદકોને આઠ મુસાફરો બેસી શકે તેવા વાહનોમાં ઓછામાં ઓછી છ એરબેગ્સ ઓફર કરવાની આવશ્યકતા છે. તૈયાર ડ્રાફ્ટ અનુસાર, એક સ્વતંત્ર એજન્સી દ્વારા કારની સુરક્ષા સુવિધાઓના આધારે સ્ટાર રેટિંગ પણ જારી કરવામાં આવશે જેથી કરીને લોકોને જાગૃત કરી શકાય.

આ સિવાય ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, એડવાન્સ્ડ ઈમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ, વાહનમાં ખતરનાક સામાનની મર્યાદા સેટિંગ, ડ્રાઈવર સૂતો હોય ત્યારે એલર્ટ સિસ્ટમ, લેન ડ્રાઈવિંગ વોર્નિંગ સિસ્ટમ અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવાની દિશામાં પણ મોટા ર્નિણયો લેવામાં આવશે.

ભારતમાં પણ સરકાર વાહન ઉત્પાદકો માટે આંતરરાષ્ટ્રીય સ્તરના સલામતી ધોરણો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. વિશ્વના વિવિધ દેશોના ધોરણોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ પણ કરવામાં આવશે જેથી ૨૦૨૫ સુધીમાં માર્ગ અકસ્માતોમાં ૫૦%નો ઘટાડો થઈ શકે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.