Western Times News

Gujarati News

રોડ રિસરફેસિંગના મટિરિયલ માટે AMC પ્લાન્ટ ઊભા કરશે

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, શહેરના નાના-મોટા રોડ રિસરફેસ કરવાની કામગીરી વેગવંતી બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે ગ્યાસપુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો પોતાનો હોટમિક્સ પ્લાન્ટ ઊભો કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. તે માટે પશ્ચિમ ઝોનના એડિશનલ સિટી એન્જિનિયરને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે રોડ રિસરફેસિંગની કામગીરી પણ ખોરવાઈ હતી. બે વર્ષમાં વરસાદ અને અન્ય કારણોસર રોડની સરફેસ ખરાબ થઈ હતી અને કેટલાય રોડ ઉબડખાબડ થયા છે.

પરિણામે વાહનચાલકોને હાલાકી થઈ રહી છે અને રિપેરિંગ ના થતાં તેમનામાં રોષ અને નારાજગી છે. ગુજરાત હાઈકોર્ટે પણ રોડની ખસ્તા હાલતની ગંભીર નોંધ લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી.

શહેરમાં રોડ રિસરફેસની કામગીરી અંગે પૂછાતા કોર્પોરેશનના ઈજનેર ખાતાના સૂત્રોએ સ્વીકાર્યું હતું કે, કોરોના પહેલાં પણ શહેરના તમામ રોડ રિસરફેસ થઈ શક્યા નથી, દરેક ઝોન અને વોર્ડમાં અમુક-અમુક રોડ જ રિસરફેસ થતાં હોય છે. કોરોના કાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ હતી.

ઉપરાંત બજેટના કદમાં વધારો કરાતાં ખર્ચ વધ્યો હતો. જેના લીધે રોડ રિસરફેસનું કામ કરતાં કોન્ટ્રાક્ટરોને સમયસર બિલ ચૂકવી નહોતું શકાયું. પરિણામે રોડ રિસરફેસિંગનું કામ હાલ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે.

આ મુદ્દો મ્યુનિસિપલ કમિશનર અને શાસક પક્ષ ભાજપના હોદ્દેદારોના ધ્યાને આવતાં તેમણે મ્યુનિ.નો જ હોટમિક્સ પ્લાન્ટ લગાવી તેમાંથી રિસરફેસ માટે જરૂરી મટિરિયલ આપીને ખાનગી કોન્ટ્રાક્ટર પાસે રોડના કામ કરાવવાનું નક્કી કર્યું છે. જાેકે, અગાઉ ગ્યાસપુર ખાતે પીપીપી ધોરણે એક પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો

પરંતુ અપેક્ષા મુજબ પરિણામ નહોતું મળ્યું. આ કિસ્સા પછી મ્યુનિસિપલ કોર્પોરેશને છસ્ઝ્રની જ માલિકીનો પ્લાન્ટ લગાવવા તથા યોગ્ય કોન્ટ્રાક્ટરને તેના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સની જવાબદારી સોંપવાનો ર્નિણય લઈ લીધો છે.

મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી નવો હોટમિક્સ પ્લાન્ટ ખરીદવાની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. હોટમિક્સ પ્લાન્ટ ઉપર દેખરેખ રાખવા માટે મ્યુનિ. કમિશનરે પશ્ચિમ ઝોનના એડિશનલ સિટી એન્જિનિયર ઋષિ પંડ્યાને વિશિષ્ટ જવાબદારી સોંપી છે તેમજ તેમના હાથ નીચે છ ઈજનેર કર્મચારીઓની બદલી કરી છે.

પશ્ચિમ અમદાવાદમાં રોડ રિસરફેસ માટે ગ્યાસપુર ખાતે ઊભા થનારા નવા હોટમિક્સ પ્લાન્ટમાંથી મટિરિયલ મેળવવામાં આવશે તો પૂર્વ અમદાવાદમાં શું થશે તેવો પ્રશ્ન ઉઠતાં શાસક ભાજપે પૂર્વ અમદાવાદમાં પણ અલગ હોટમિક્સ પ્લાન્ટ ઊભો કરવાની સૂચના કોર્પોરેશનને આપી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.