Western Times News

Gujarati News

ભવનાથમાં બે વર્ષ પછી યોજાઈ રહેલા મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનો પ્રવાહ ઉમટ્યો

ભવનાથ મેળામાં આવતા ભક્તોને ખાવા, પીવા અને રહેવા સહિતની સુવિધા આપવામાં આવી રહી છે

(એજન્સી) જૂનાગઢ, ભજન અને ભોજન એટલે ભવનાથનો મેળો. હવે ૨ વર્ષે વિશ્વ વિખ્યાત ભવનાથ મેળાનું આયોજન થયું છે. ત્યારે અહીં ભક્તોનું જે ઘોડાપૂર ઉમટ્યું છે એ જાેતા લાગે છે કે આ પાંચ દિવસના મેળામાં હજુ પણ લાખો ભક્તો ઉમટશે.
બે દિવસમાં અહીં લાખો ભક્તોએ ભવનાથદાદાના દર્શન કર્યા છે.

ભવનાથના મેળામાં દૂર દૂરથી ભક્તો ઉમટી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોની સુરક્ષા, રહેવા, ખાવા-પીવા સહિતની સુવિધા સેવા ગણ દ્વારા ઉભી કરવામાં આવી છે. ખાસ કરીને આ મેળાનું મુખ્ય આકર્ષણ નાગા બાવા અને શાહી સ્નાન છે, જે મહાશિવરાત્રીની રાત્રે યોજાશે. જેની એક ઝલક મેળવવા માટે લોકોની પડાપડી થાય છે.

ગયા શુક્રવારથી ભવનાથ મેળાનો પ્રારંભ થયો છે. આ પાંચ દિવસના મેળા માટે અગાઉથી તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી. અહીં ભવનાથદાદાના દર્શન માટે આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

સેક્રેટરી અને સેનિટેશન સુપ્રીટેન્ડન્ટ કલ્પેશ ટોલિયાએ જણાવ્યું કે, ભવનાથદાદાનો મેળો ભક્તો માટે બે વર્ષથી મોકૂફ રાખવામાં આવ્યો હતો. બીજી તરફ, સોમવારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આવી રહ્યા છે. આ મેળો વિશ્વ વિખ્યાત છે. દેશ વિદેશથી ભક્તો આવી રહ્યા છે અને હજુ પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. ત્યારે તંત્ર દ્વારા એની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

ભવનાથ મેળામાં આવતા ભક્તો માટે ૨૪૨ પ્રકારના અન્નક્ષેત્રનું આયોજન પણ કરવામાં આવ્યું છે. અહીં આવતા ભક્તોને ખાવા, પીવા અને રહેવા સહિતની સુવિધા આપવામાં આવી રહી છે. ગિરનારની તળેટીમાં પગ મૂકો એટલે ઠેર ઠેર તમને ભજન સાથે ભોજનની સુવિધા જાેવા મળશે. અહીં જે ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે તેઓનું કહેવું છે કે, ભવનાથદાદાના દર્શન કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ.

આ મેળો એટલો વિખ્યાત છે કે તેના દર્શન મેળવવા માટે લાખો ભક્તો ઉમટી રહ્યા છે. જાે કે, અહીં જાેવા મળતા સાધુ-સંતો અને નાગા બાવાનો પણ એક અલગ ઈતિહાસ છે. આ સાધુ-સંતો વિશે એવું કહેવાય છે કે, તેઓ શાહી સ્નાન લીધા બાદ અહીંથી અદ્રશ્ય થઈ જાય છે. ત્યારે સાધુ-સંતો અને નાગા બાવાની નીકળતી રવેડી આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. જે મહાશિવરાત્રીની રાત્રે યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.