Western Times News

Gujarati News

૨૦૨૧-૨૨ના ત્રીજા કવાર્ટરમાં ભારતનો જીડીપી ઘટીને ૫.૪ ટકા

નવીદિલ્હી, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના ત્રીજા કવાર્ટર એટલે કે ઓક્ટોબર, ૨૦૨૧ થી ડિસેમ્બર, ૨૦૨૧ સુધીના ત્રણ મહિનાના સમયગાળામાં ભારતનો જીડીપી ઘટીને ૫.૪ ટકા રહ્યો છે. આમ છતાં આ સમયગાળા દરમિયાન ભારતનો જીડીપી ચીન સહિત વિશ્વના અગ્રણી દેશો કરતા વધારે છે. ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં જીડીપી ૨૦.૩ ટકા અને બીજા કવાર્ટરમાં ૮.૫ ટકા રહ્યો હતો.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ)એ વ્યક્ત કરેલા અંદાજ મુજબ સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નો કુલ જીડીપી ૮.૯ ટકા રહેશે. આ અગાઉ જીડીપી ૯.૨ ટકા રહેવાનો અઁદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મૂલ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રણ મહિનામાં જીડીપી ૩૮,૨૨,૧૫૯ કરોડ રૃપિયા રહ્યું છે. જે ૨૦૨૦-૨૧ના સમાન ગાળાની સરખામણીમાં વધારે છે. ૨૦૨૦-૨૧ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રણ મહિનામાં જીડીપી ૩૬,૨૨,૨૨૦ કરોડ રૃપિયા રહ્યું હતું.

એનએસઓએ ના નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના જીડીપીના આંકડા રિવાઇઝ કર્યા છે. અગાઉ એનએસઓએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧નો જીડીપી માઇનસ ૭.૩ ટકા રહ્યો છે. નવા રિવાઇઝ કરાયેલા આંકડા મુજબ ૨૦૨૦-૨૧નો જીડીપી માઇનસ ૬.૬ ટકા રહ્યો છે.

એનએસઓના ડેટા અનુસાર ૨૦૨૧-૨૨ના ત્રીજા કવાર્ટરમાં મેન્યુફેકચરિંગ સેક્ટરનો વિકાસ દર ૦.૨ ટકા રહ્યો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં ૮.૪ ટકા રહ્યો હતો. કૃષિ સેક્ટરનો વિકાસ દર માઇનસ ૨.૬ ટકા રહ્યો છે જે ગયા વર્ષના સમાન ગાળામાં ૪.૧ ટકા રહ્યો હતો.

કન્સ્ટ્રકશન સેક્ટરનો વિકાસ દર માઇનસ ૨.૮ ટકા રહ્યો છે જે ગયા વર્ષના સમાન ગાળામાં ૬.૬ ટકા હતો. માઇનિંગ સેક્ટરનો વિકાસદર ૮.૮ ટકા રહ્યો છે જે ગયા વર્ષના સમાન ગાળામાં માઇનસ ૫.૩ ટકા હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.