Western Times News

Gujarati News

શ્રીનગરમાં પોલીસ કાફલા ઉપર આતંકવાદી હુમલો

હુમલામાં પોલીસકર્મી સહિત ૨૧ લોકો ઘાયલ: એકનું મોત

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં ૧ નાગરિકનું મોત થયું હતું. જ્યારે એક પોલીસકર્મી સહિત ૨૧ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શ્રીનગરના લાલ ચોકના અમીરા કદલ વિસ્તારમાં બની હતી.

હુમલામાં ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકીઓને પકડવા માટે સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું.

હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. કંવલજીત સિંહે જણાવ્યું કે આ ઘટનામાં ૨૧ લોકો ઘાયલ થયા છે. જેમાં એક પોલીસકર્મી પણ છે. તમામ ઘાયલોની હાલત ખતરાની બહાર છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું, “રવિવારે સાંજે ૪ઃ૨૦ વાગ્યે, આતંકવાદીઓએ હરિ સિંહ હાઈ સ્ટ્રીટ પર તૈનાત પોલીસ અને સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. ઘટના બાદ આતંકીઓ તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

તેમણે જણાવ્યું કે આ આતંકી હુમલામાં એક પોલીસકર્મી અને અન્ય ૨૦ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને શ્રી મહારાજા હરિ સિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એક નાગરિકનું મોત થયું હતું. અધિકારીએ કહ્યું કે આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.