Western Times News

Gujarati News

સુરત: કતારગામમાં કારખાનાની મરામત વખતે દિવાલ પડતાં 2નાં મોત

સુરત, સુરતના કતારગામમાં જરીવાલા કંપાઉન્ડમાં કારખાનાની મરામત વખતે બ્રેકર મશીનથી આરસીસી સ્ટ્રક્ચર તોડતા દિવાલ અને સ્લેબ તુટીને પાર્કિંગ સાઈડ પડતા 2 લોકોનું દબાઈ જવાથી મોત થયું હતું.

દિવાલ અને ભારે સ્લેબ પડવાના કારણે ત્યાં પાર્કિંગ સાઇડ પર મૂકેલી 2 કાર, મોપેડ સહિત 40 જેટલાં વાહનોનો ખુરદો થઇ ગયો હતો. 19 માર્ચના રોજ બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. દિવાલ ધરાશાયી થતા નીચે ઉભેલા ત્રણ માંડ-માંડ બચ્યાં હતાં.

દિવાલની નીચે ઉભેલા ત્રણથી ચાર લોકો પર કાટમાળની દીવાલ ધસી પડી હતી. નીચે ઉભેલા લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય લોકો બાઈક પર હતા. તેમણે પણ બાઈક છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે મોટરસાયકલ ઉપર સવાર હતા તેમના ઉપર જ કાટમાળ પડતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

ગત 19 માર્ચના રોજ કતારગામમાં જરીવાલા કંપાઉન્ડમાં કારખાનાની બિલ્ડિંગના પહેલા માળે ઓનલાઇન કંપનીનું કામ ચાલતુ હતું. જ્યાં કામ કરતાં 22 જેટલાં કર્મચારીઓને ફાયર બ્રિગેડે હેમખેમ નીચે ઉતાર્યા હતા. દિવાલ અને ભારે સ્લેબ પડવાના કારણે ત્યાં પાર્કિંગ સાઇડ પર મૂકેલી 2 કાર, મોપેડ સહિત 40 જેટલાં વાહનોનો ખુરદો થઇ ગયો હતો.

કાટમાળ નીચે વધુ એક વ્યક્તિ હોવાની શંકાને પગલે ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. જોકે કોઈ વ્યક્તિ મળી આવી ન હતી. બિલ્ડિંગના માલિક ભાનુ ધાનાણીને પાલિકા દ્વારા અગાઉ બે વખત નોટિસ અપાઇ હતી. છતાં તેણે બેદરકારી દાખવતા મહિધરપુરા પોલીસે બે માલિકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 28 વર્ષીય સમીર મતીઉલ્લાહ શેખના પરિવારે મરામતની કામગીરીમાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.