Western Times News

Gujarati News

કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને રૂ. ૪.૦૦ લાખની સહાય ચૂકવવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની માંગણી

ગાંધીનગર, આજરોજ વિધાનસભા ગૃહમાં અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારના ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખનો રાજ્ય સરકાર પાસે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાં જમા રકમનો પ્રશ્ન હતો. જેના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર પાસે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાં રૂ. ૧૧૬૫.૩૪ કરોડની રકમ જમા છે.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં કુલ રૂ. ૩,૨૭૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે અને તૌકતે વાવાઝોડાના કારણે થયેલ નુકસાન પેટે કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશ્યલ પેકેજ અંતર્ગત રૂ. ૧,૦૦૦ કરોડની રકમ એનડીઆરએફમાંથી ફાળવવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૫૭૮૦.૨૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, દેશ અને રાજ્યમાં વર્ષ ૨૦૧૯થી કોરોના મહામારીએ કાળો કેર વર્તાવ્યો હતો. લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, લાખો બાળકો અનાથ બન્યા, કોરોના કાળમાં લગભગ દરેક પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું છે.

લાખો-કરોડો લોકો બેરોજગાર બન્યા છે અને લાખો પરિવાર આર્થિક રીતે બેહાલ બની ગયા છે. કોરોના કાળમાં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, દવાઓ, ઈન્જેકશન વગર દર્દીઓ તડપતા હતા. બેડ વગર હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સમાં મૃત્યુ પામ્યા હતા.

એમ્બ્યુલન્સ, ઓક્સિજન, ઈન્જેકશનની રાહ જાેતા-જાેતા અનેક લોકોના મૃત્યુ થયા. ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાં રકમ ઉપલબ્ધ હોવા છતાં તે ફંડનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર નાગરિકોને બેડ, ઓક્સિજન, દવાઓ, ઈન્જેકશન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવી શકી નહોતી અને તેના કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા.

શેખે જણાવ્યું હતું કે, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારજનોને રૂ. ૪.૦૦ લાખ ચૂકવવા કોંગ્રેસ પક્ષે માંગણી કરી હતી, પરંતુ રાજ્ય સરકારે તે સ્વીકારી નહોતી. નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ બાદ સરકાર કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારજનોને રૂ. ૫૦ હજારની સહાય ચૂકવવા તૈયાર થઈ.

રાજ્ય સરકારે કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિઓની સંખ્યા લગભગ ૧૧ હજાર જેટલી જાહેર કરી હતી. ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પહેલેથી જ આંકડાઓની સાથે રમત કરતી રહી હતી અને સાચા આંકડા છુપાવી રહી હતી.

કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોનાથી મૃત્યુ પામનારનો આંકડો ત્રણ લાખથી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સહાય મેળવવા સમગ્ર રાજ્યમાં હજારોની સંખ્યામાં અરજીઓ આવી છે, તે પૈકી આજે પણ લોકોની અરજીઓ પડતર રહી છે અને લોકો સહાય મેળવવાથી વંચિત છે.

રાજ્ય સરકાર દ્વારા સ્?ટેટ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફંડમાંથી ત્રણ વર્ષમાં રૂ. ૫,૭૮૦.૨૫ કરોડનો ખર્ચ કર્યો છે, ત્યારે આટલી રકમ કયા હેતુસર અને કયા કામ માટે ખર્ચ કરવામાં આવી છે તે જાહેર કરવાની ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે માંગણી કરી હતી અને કોંગ્રેસ પક્ષની માંગણી મુજબ કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને રૂ. ૪.૦૦ લાખની સહાય ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાં જમા રહેલ રકમમાંથી ચૂકવે તેવી માંગણી પણ શ્રી ગ્યાસુદ્દીન શેખે કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.