Western Times News

Gujarati News

અમદાવાદની પ્રજા ત્રાહિમામઃ દર ૧૦૦ લોકોએ ચાર રખડતાં કૂતરાં

અમદાવાદ, સ્માર્ટસિટી, મેગાસિટી, દેશનું ફર્સ્ટ વર્લ્ડ હેરિટેજ સિટી એવા વિવિધ હિતાબો ધરાવતા આપણા અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશન સ્વચ્છતાને લઇને પણ છેક ૨૦૧૬થી વિવિધ એવોર્ડ દિલ્હીથી જીતીને લાવે છે. હવે એ વાત જુદી છે કે સામાન્ય અમદાવાદીને પણ તંત્રના ભારે ભરખમ સ્વચ્છતાના એવોર્ડ સહેલાઇથી હજમ થતા નથી,

કેમ કે શહેરભરમાં ગંદકીના ઢગલે ઢગલા જાેવા મળે છે. એ જ રીતે સ્માર્ટસિટીમાં રહેવાનો સાદો અહેસાસ પણ નાગરિકો અમદાવાદમાં કરી શકતા નથી તેનું મુખ્ય કારણ પોળોમાં, ફ્લેટ-સોસાયટીઓમાં, ગલીઓ તેમજ રસ્તાઓમાં રખડતા કૂતરાનો ઉપદ્રવ છે.

અમદાવાદમાં એક સમયે સસલાની બોલબાલા ભલે હશે- જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા… પણ હવે તો જ્યાં અને ત્યાં રખઢતા કૂતરાનો ત્રાસ જ ત્રાસ ફેલાયો છે. રખડતા કૂતરાની વસ્તી એટલી હદે અમદાવાદમાં વધી છે કે દર સો અમદાવાદી દીઠ ચાર રખડતા કૂતરાનુ રાજ છે !

શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ માઝા મૂકી રહ્યો છે. અમદાવાદનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં રખડતાં કૂતરા લોકોને તોબા પોકારતા નહીં હોય. ઠેર ઠેર રખડતા કૂતરાની રંજાડથી લોકો માટે તેમનાથી ડરવું જરૂરી બન્યુ છે.

અમદાવાદમાં એક અંદાજ પ્રમાણે ૩.૪૦ લાખથી પણ વધુ રખડતાં કૂતરા છે. બીજા અર્થમાં દર સો વ્યક્તિએ ચાર રખડતા કૂતરાં શહેરના રસ્તા, સોસાયટી, ફ્લેટ કે પોળમાં ફરી રહ્યા હોઇ આ બાબત ખરેખર આઘાતજનક છે.

એક તરફ અમદાવાદના જાહેર રસ્તાઓ પરના રખડતાં કૂતરા તો દિન-પ્રતિદિન બેફામ બનતા જાય છે, પણ મોટી સોસાયટી કે ફ્લેટમાં પણ રખડતાં કૂતરાઓનો આતંક ફેલાયો છે. જ્યાં રખડતા કૂતરાઓ અજાણ્યા આંગતુકને તો ઠીક, પરંતુ સ્થાનિક લોકોને પણ ભયભીત કરી રહ્યા છે. બીજી તરફ કોરોના મહામારીના ઓઠા હેઠળ તંત્રે અસરકારક કામગીરી જ કરી નથી.

તંત્રના રખડતાં કૂતરાના ખસીકરણ અને રસીકરણના સત્તાવાર આંકડા જ તંત્રની નિષ્ફળતાને સ્પષ્ટપણે દર્શાવે છે. વર્ષ ૨૦૧૮-૧૯માં તંત્રે માત્ર ૧૮,૨૧૯ રખડતાં કૂતરાનું ખસીકરણ કર્યું હતું. જાેકે તેને લાઇને ભારે ઊહાપોહ થતા પછીના વર્ષ ૨૦૧૯-૨૦માં બમણાં એટલે કે ૩૬,૩૬૩ રખડતાં કૂતરાનું ખસીકરણ કરાયુ હતું,

પરંતુ કોરોનાના સમયકાળમાં એટલે કે વર્ષ ૨૦૨૦-૨૧માં સત્તાવાળાઓએ ફક્ત ૨૧,૫૦૮ રખડતા કૂતરાનું ખસીકરણ કર્યુ હતું. જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨માં તા.૨૮ ફેબ્રુઆરીમાં ફક્ત ૨૬,૪૫૩ રખડતાં કૂતરાનું ખસીકરણ કરી શકાયુ છે. એટલે ચાલુ વર્ષે ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં માંડ ૩૦,૦૦૦ રખડતાં કૂતરાનું ખસીકરણ થશે કે જે વર્ષ ૨૦૧૯-૨૦ કરતાં ખાસ્સુ ઓછું નોંધાશે.

ચાલુ ફેબ્રુઆરી મહિનામાં રખડતાં કૂતરાના થયેલા ખસીકરણ અને રસીકરણની વિગત તપાસીએ તો તે પણ ભારે ચોંકાવનારી છે, કેમ કે સત્તાધીશોએ આખા ફેબ્રુઆરી મહિનામાં કુલ ૩૩૩૮ રખડતાં કૂતરાનું ખસીકરણ-રસીકરણ કર્યું છે, જે રોજના ૧૨૦ રખડતાં કૂતરા પણ થતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.