Western Times News

Gujarati News

કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરૂપયોગ કરે છે

કોલકાતા, નોન-બીજેપી રાજ્યોના મુખ્યમંત્રીઓ અવારનવાર કેન્દ્રિય તપાસ એજન્સીઓના દુરૂપયોગ કરવા પર કેન્દ્રની મોદી સરકારની ઝાટકણી કાઢતા જાેવા મળ્યાં છે. આજે ફરી પશ્ચિમ બંગાળના સીએમએ મોદી સરકાર પર આ મુદ્દે જ આક્ષેપો લગાવ્યા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર કેન્દ્રિય એજન્સીઓનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ટોચના નોન-બીજેપી નેતાઓને એકજુટ થવાની અપીલ પણ કરી છે.

અહેવાલ અનુસાર બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ઉભા થવા માટે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યા છે. આ સિવાય તેમણે એજન્સીઓની કાર્યવાહીને લઈને એક બેઠક પણ બોલાવી છે. હાલમાં બીરભૂમ હિંસાને કારણે બંગાળમાં રાજકીય વિવાદ ચાલી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર મમતાએ એક પત્રમાં કહ્યું કે કેન્દ્ર સરકારને આ છળપ્રપંચ માટે જવાબદાર ઠેરવવા માટે વિપક્ષે એક થવું જરૂરી બન્યું છે. “વિરોધી પક્ષ તરીકે આ સરકારને તેમના કામો માટે જવાબદાર ઠેરવવી અને અસંમતિના અવાજને દબાવવાનો વિરોધ કરવો એ અમારી બંધારણીય જવાબદારી છે.

હું બિન બીજેપીશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને એક જગ્યાએ બેઠક માટે ભેગા થવા અપીલ કરૂં છું જેથી આ અંગે આગળનો માર્ગ નક્કી કરી શકાય. આ દેશની તમામ પ્રગતિશીલ શક્તિઓ એકસાથે આવીને આ દમનકારી શક્તિ સામે લડે તે સમયની જરૂરિયાત છે.

‘હું શાસક પક્ષ ભાજપ દ્વારા આ દેશની સંસ્થાકીય લોકશાહી પર થઈ રહેલ પ્રત્યક્ષ હુમલા પર મારી ચિંતા વ્યક્ત કરવા માટે આ પત્ર લખી રહી છું. ઈડી, સીબીઆઈ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) અને આવકવેરા વિભાગ જેવી કેન્દ્રિય એજન્સીઓનો ઉપયોગ બદલો લેવા માટે દેશભરમાં રાજકીય હરીફોને નિશાન બનાવવા, હેરાન કરવા અને નબળા બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે, તેમ બેનર્જીએ ઉમેર્યું હતુ.

મમતાએ ભાજપ પર ઘણા આરોપો લગાવતા કહ્યું કે તે સ્પષ્ટ છે કે ભાજપ શાસિત રાજ્યોને “તેમના ખોખલા શાસનનું સુંદર ચિત્ર બતાવવા માટે” આ એજન્સીઓ પાસેથી મફત પાસ મળે છે.

તેમણે એમ પણ કહ્યું કે ભાજપ ન્યાયતંત્રના અમુક વર્ગોને પ્રભાવિત કરીને દેશના સંઘીય માળખા પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.