Western Times News

Gujarati News

૨૦૨૧-૨૨માં ડુંગળીનું ઉત્પાદન ૧૭ ટકા વધવાની પ્રબળ સંભાવના

પ્રતિકાત્મક

નવી દિલ્હી, નવા વર્ષમાં ભારતમાં ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી સામાન્ય જનમાનસને નહિ રડાવે તેવી અપેક્ષા સેવાઇ રહી છે. જાેકે મોંઘવારીની માજા બટેટાં અને ટામેટાંના ભાવ મુકી શકે છે કારણકે બાગાયત ઉત્પાદનના પ્રથમ એડવાન્સ અંદાજમાં જણાવાયું છે કે ભારતમાં બટાટા અને ટામેટાંનું ઉત્પાદન ૨૦૨૧-૨૨માં ગત વર્ષની સરખામણીમાં નજીવું ઓછું હોઈ શકે છે જ્યારે ડુંગળીનું ઉત્પાદન ગત વર્ષ કરતાં લગભગ ૧૭ ટકા વધવાની સંભાવના છે.

સરકારના રિપોર્ટ અનુસાર કુલ બાગાયત ઉત્પાદન ૩૩૩.૩ મિલિયન ટન રહેવાનો અંદાજ છે, જે ૨૦૨૦-૨૧ની સરખામણીમાં લગભગ ૧.૩૫ મિલિયન ટન અથવા ૦.૪ ટકા ઓછું છે.

શાકભાજીના ઉત્પાદન અંદાજ પર નજર કરીએ તો ૨૦૨૧-૨૨માં આશરે ૧૯૯.૮૮ મિલિયન ટન ઉત્પાદન રહેવાની ધારણા છે જે ગયા વર્ષના ૨૦૦.૪૪ મિલિયન ટન કરતાં સામાન્ય ઓછું છે. ૨૦૨૧-૨૨માં ફળોનું ૨૦૨૦-૨૧ના ૧૦૨.૪૮ મિલિયન ટનની સામે ૧૦૨.૯૨ મિલિયન ટન સુધી વધવાની ધારણા છે.

૩૩૩.૩૩ મિલિયન ટન સાથે ભારતનું બાગાયત ઉત્પાદન ખાદ્ય અનાજના ઉત્પાદન કરતાં નોંધપાત્ર રીતે વધુ હશે, જે ૨૦૨૧-૨૨માં બીજા એડવાન્સ એસ્ટિમેટ મુજબ ૩૧૬.૦૬ મિલિયન ટનનું આંકવામાં આવ્યું છે.

નીતિ આયોગ દ્વારા ‘૨૦૩૦માં ભારતીય કૃષિ’ નામના તાજેતરના અહેવાલમાં છેલ્લા દાયકામાં ફળો અને શાકભાજી, મસાલા અને ફ્લોરીકલ્ચરે બાગાયત ક્ષેત્રે કૃષિ વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. બાગાયતી ઉત્પાદન હવે ખાદ્યાન્ન ઉત્પાદન કરતાં આગળ નીકળી ગયું છે.

નીતિ આયોગના રિપોર્ટમાં જ કહ્યું છે કે નિષ્ણાતોના મતે રાષ્ટ્રીય બાગાયત મિશન (૨૦૦૪-૦૫)ને કારણે શક્ય બન્યું છે, જેણે સુવર્ણ ક્રાંતિની શરૂઆત કરી હતી. આ પ્રોજેક્ટને કારણે ભારતને વૈશ્વિક સ્તરે ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં ચીન પછી બીજા નંબરનું સ્થાન અપાવ્યું છે. આ દરમિયાન પ્રથમ અંદાજમાં જણાવાયું છે કે ગત વર્ષની સરખામણીમાં ૨૦૨૧-૨૨માં ફળોનું ઉત્પાદન વધવાની ધારણા છે, જ્યારે શાકભાજી, મસાલા, ફૂલો, સુગંધિત અને ઔષધીય છોડનું ઉત્પાદન વાર્ષિક દ્રષ્ટિએ ઓછું રહેવાની ધારણા છે.

મસાલામાં આદુનું ઉત્પાદન ૨૦૨૧-૨૨માં આશરે ૨૨.૧૯ મિલિયન ટન થવાની ધારણા છે, જે ગત વર્ષના ૨૨.૨૫ મિલિયન ટન કરતાં થોડું ઓછું છે જ્યારે લસણનું ઉત્પાદન વાર્ષિક ૩૧.૮૦ મિલિયન ટનની સામે ૩૨.૦૮ મિલિયન ટન રહેવાનો અંદાજ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.