Western Times News

Gujarati News

શેર બજારમાં હીરો મોટોકોર્પના શેર લગભગ આઠ ટકા તૂટ્યા

મુંબઈ, દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક હીરો મોટોકોર્પ પર તાજેતરમાં આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં હજારો કરોડો રૂપિયાના ગોટાળાનો પર્દાફાશ થયો છે. હીરો મોટોકોર્પે લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાના ખોટા ખર્ચના બિલ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે.

આ ઉપરાંત ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના રોકડ સોદા દ્વારા એક ફાર્મહાઉસ ખરીદવામાં આવ્યું હતું. આ માહિતી બહાર આવ્યા પછી શેરબજારમાં હીરો મોટોકોર્પનો શેર લગભગ આઠ ટકા સુધી ગગડ્યો હતો. કેટલાક મીડિયા અહેવાલો પ્રમાણે હીરો મોટોકોર્પએ ૧૦૦૦ કરોડ રૂપિયાના બોગસ ખર્ચ બતાવ્યા હતા.

એટલું જ નહીં, નવી દિલ્હીમાં એક ફાર્મહાઉસની ખરીદીમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમના રોકડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ વિસ્ફોટક માહિતીના પગલે હીરો મોટોકોર્પનો શેર ૮.૨૧ ટકા ઘટીને રૂ. ૨૧૮૨ થયો હતો. એક સમયે આ શેર ૫૨ સપ્તાહની નીચી સપાટી રૂ. ૨૧૪૮ સુધી પણ પહોંચ્યો હતો. આજના સેશનના અંતે હીરો મોટોકોર્પનો શેર ૭.૦૮ ટકા ઘટીને રૂ. ૨૨૦૮ પર બંધ આવ્યો હતો.

આવકવેરા વિભાગે હીરો મોટોકોર્પની ઓફિસ પર ૨૩ માર્ચે દરોડા પાડ્યા હતા જેમાં કંપનીના ચેરમેન અને એમડી પવન મુંજાલની ઓફિસ અને નિવાસસ્થાન તથા બીજા એક્ઝિક્યુટિવ્સને ત્યાં પણ સર્ચ અને સિઝરની કામગીરી કરવામાં આવી હતી. ૨૬ માર્ચ સુધી આ દરોડા ચાલુ રહ્યા હતા.

તેમાં કુલ ૪૦ જગ્યાએ આવકવેરાની ટીમ ત્રાટકી હતી. સૂત્રોએ જણાવ્યું કે હાર્ડ કોપીના ડોક્યુમેન્ટના સ્વરૂપમાં સેંકડો પૂરાવા એકત્ર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સર્ચ દરમિયાન હાર્ડ ડ્રાઇવ પણ સિઝ કરવામાં આવી છે. તેના પરથી જાણવા મળ્યું છે કે કંપનીએ લગભગ ૧૦૦૦ કરોડના બોગસ ખર્ચના બિલ બનાવ્યા હતા તથા દિલ્હી નજીક છત્રપુરમાં ૧૦૦ કરોડના કેશ ટ્રાન્ઝેક્શનથી એક ફાર્મ હાઉસ ખરીદવામાં આવ્યું હતું.

ટેક્સ બચાવવા માટે આ ફાર્મહાઉસની કિંમત ખોટી દર્શાવવામાં આવી હતી અને આવકવેરાની કલમ ૨૬૯નો ભંગ કરવામાં આવ્યો હતો. આ નિયમ પ્રમાણે સ્થાવર મિલ્કતના સોદામાં રૂ. ૨૦,૦૦૦થી વધુ રકમ રોકડથી સ્વીકારવામાં આવે તો ૧૦૦ ટકા પેનલ્ટી લાગે છે.

હીરો મોટોકોર્પ ૨૦૦૧માં વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની બની હતી. સમગ્ર વર્ષમાં સૌથી વધુ બાઈકનું વેચાણ કરવાની બાબતમાં હીરો મોટોકોર્પ સૌથી આગળ છે. છેલ્લા ૨૦ વર્ષથી તેણે આ સ્થાન જાળવી રાખ્યું છે અને કોઈ કંપની તેની નજીક પહોંચી શકી નથી. અત્યાર સુધીમાં હીરો મોટોકોર્પે આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૦ કરોડથી વધારે મોટરસાઈકલ વેચ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.