Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પો.ના કોર્ટ કેસ પૈકી પ૩ ટકા કેસ માત્ર એસ્ટેટ – TDO વિભાગના

બિલ્ડરોને બચાવવા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ કોર્ટ મેટર કરવા સલાહ આપતા હોવાની ચર્ચા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તથા તેની વિરૂધ્ધ વિવિધ કોર્ટમાં કેસ કરવામાં આવે છે. જેમાં પ્રોપર્ટી ટેક્ષ, સર્વિસ મેટર, ભાડા-કબજા, એચ.એ.સી.ટી., ઈલેકશન પીટીશન, ગ્રેજયુઈટી તથા એસ્ટેટ- ટી.ડી.ઓ.ના કેસ હોય છે.

દેશની વિવિધ અદાલતોમાં આ પ્રકારના ૯૪૬૪ કેસ ચાલી રહયા છે. ચોંકાવનારી બાબત એ છે કે કુલ કેસ પૈકી પ૦ ટકા કરતા પણ વધુ કેસ એસ્ટેટ- ટી.ડી.ઓ વિભાગના છે. જેમાં ર૦૧પ અને તે અગાઉના કેસની સંખ્યા એક હજાર કરતા પણ વધારે છે.

શહેરમાં બેરોકટોક લાખોની સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામ થઈ ગયા છે તથા ખૂબ જ મોટી સંખ્યામાં હાલ ગેરકાયદેસર બાંધકામ ચાલી પણ રહયા છે. જેના માટે મ્યુનિ. એસ્ટેટ વિભાગના કર્મચારીઓ જવાબદાર છે. એસ્ટેટ- ટી.ડી.ઓ. ખાતાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની રહેમનજરે જ ભૂ-માફીયાઓ કોઈપણ પ્રકારના ડર વિના ગેરકાયદેસર બાંધકામ કરે છે,

પરંતુ જયારે ઉચ્ચકક્ષાએથી દબાણ આવે છે ત્યારે અલગ-અલગ ત્રણ પ્રકારની નોટિસો નિર્ધારીત સમયાંતરે બિલ્ડરને આપવામાં આવે છે ત્યારબાદ પણ બાંધકામ તોડી પાડવા માટે દબાણ આવે છે ત્યારે અધિકારીઓ દ્વારા જ જે તે બિલ્ડરને કોર્ટ મેટર કરવા માટે સલાહ આપવામાં આવે છે.

એક વખત કોર્ટમાં દાવો દાખલ થઈ જાય ત્યારબાદ અધિકારી અને બિલ્ડર બંને બિન્દાસ્ત થઈ જાય છે તેમજ હેમખેમ બાંધકામ પુર્ણ કરી વપરાશ પણ શરૂ થાય છે. બિલ્ડરો દ્વારા દાખલ કરવામાં આવેલા દાવાની મુદત દરમ્યાન અધિકારીઓ દ્વારા નિયમિત હાજરી આપવામાં આવતી નથી.

જેના કારણે કેસનો સમયસર નિકાલ થતો નથી. કેટલાક કિસ્સામા તો બિલ્ડર દ્વારા ‘કોર્ટ હુકમનો અનાદર’ કરવામાં આવ્યો હોય તો પણ એસ્ટેટ અધિકારીઓ દ્વારા તેમની વિરુધ્ધ ‘કન્ટેમ્પ્ટ’ કેસ કરવામાં આવતો નથી. મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ ઈસનપુર વિશાલનગર પાસે લગભગ બે વર્ષ અગાઉ “ગુજરાત એસ્ટેટ” નામનથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.

વોર્ડ ઈન્સ્પેકટરે ‘સ્વ-બચાવ’ માટે નિયમ મુજબ નોટિસો આપી હતી જેના પગલે બિલ્ડરે કોર્ટમાંથી ‘સ્ટ્‌ેટસ કો’ લીધો હતો જેનો મતલબ એ થાય કે બાંધકામની હયાત સ્થિતિમાં ફેરફાર કરવા નહિ. પરંતુ શરમજનક બાબત એ છે કે કોર્ટનો “સ્ટેટસ કો” હોવા છતાં બિલ્ડરે ૧૦૦ ટકા બાંધકામ પુર્ણ કર્યુ છે

તેમજ બાકી રહેલ જીલ્લા પ્લોટમાં સ્થાનિક કોંગી આગેવાને પણ દસ દુકાનના બાંધકામ કર્યા છે તેમજ વપરાશ પણ શરૂ કર્યા છે તેમ છતાં મ્યુનિ. એસ્ટેટ વિભાગ (દક્ષિણ ઝોન) દ્વારા બિલ્ડર સામે “કન્ટેમ્પ્ટ” કરવામાં આવ્યો નથી વધુ શરમજનક બાબત એ છે કે ઓગસ્ટ- ર૦ર૧મા “સ્ટેટ્‌સ કો” દુર થયા બાદ પણ તંત્ર દ્વારા બાંધકામ તોડવામાં આવ્યુ નથી

તેમજ બિલ્ડરને વધુ તક આપી હતી જેના પગલે બિલ્ડરે મનાઈ હુકમ મેળવ્યો હોવાના ખુલાસા દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ કરી રહયા છે. આ જ બિલ્ડર દ્વારા વધુ એક અન અધિકૃત બાંધકામને ઈમ્પેકટ અંતર્ગત મંજુર કરાવવામાં આવ્યું હતું. ગુડા એકટ મુજબ ઈમ્પેકટમાં મંજુર થયેલા બાંધકામને જમીન દોસ્ત કરવા નહિ

પરંતુ વોર્ડ ઈન્સ્પેકટર અને આસી. કમિશ્નરની રહેમનજરે કોર્ટની આડમાં આ બાંધકામ પણ પુર્ણ થવા આવ્યુ છે. અહીં આ બે કેસનો ઉલ્લેખ ઉદાહરણ માટે કરવામાં આવ્યો છે. આવી જ સ્થિતિ સમગ્ર શહેરમાં છે. જેના પરિણામે સુપ્રીમ કોર્ટમાં એસ્ટેટ- ટી.ડી.ઓ.ના ર૮, ગુજરાત હાઈકોર્ટમાં ૧૮૪૭ તથા સીટી સીવીલ કોર્ટમાં ૩૧૬૩ કેસ મળી કુલ પ૦૩૮ કેસ ચાલી રહયા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કુલ કેસના પ૩ ટકા કેસ માત્ર એસ્ટેટ વિભાગના છે. હાઈકોર્ટના કુલ કેસના પ૮.૭૪ ટકા અને સીટી સીવીલ કોર્ટના કુલ કેસના ૯૧.ર૩ ટકા કેસ માત્ર એસ્ટેટ- ટી.ડી.ઓ વિભાગના છે.

જે પૈકી ૧૦૯૩ કેસ ર૦૧પ કે તેની પહેલાના છે. મ્યુનિ. એસ્ટેટ વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં ૭૦૦ જેટલા અધિકારીઓને શો-કોઝ આપવામાં આવી છે. પરંતુ મ્યુનિ. શાસકોને આવા કેસના નિકાલ કરવામાં કોઈ ઉતાવળ હોય તેમ લાગી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.