Western Times News

Gujarati News

રામનવમીના દિવસે થયેલા તોફાનોમાં ૩૦થી વધુની ધરપકડ

શહેરની શાંતિ ન ડોહળાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે

હિંમતનગર, રવિવારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં રામનવમીની ઉજવણી થઈ હતી. આ દરમિયાન ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હિંમતનગર અને ખંભાતમાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર કેટલાંક અસમાજીક તત્વોએ ભારે પથ્થમારો કર્યો હતો. હિંમતનગરમાં પથ્થરમારા બાદ બીજા દિવસે એટલે કે આજે અજંપાભરી શાંતિ જાેવા મળી રહી છે.

આ પથ્થરમારો અને હિંસા ફેલાવવાના મામલે પોલીસે ૩૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. સાથે જ સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરી રહી છે. શહેરની શાંતિ ન ડોહળાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

હિંમતનગરમાં બનેલી આ ઘટના બાદ ચુડાસમાએ લોકોને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરી હતી. એટલું જ નહીં બંને કોમના આગેવાનો સાથે પોલીસે બેઠક પણ યોજી હતી.  અભય ચુડાસમાએ જણાવ્યું કે, રવિવારે બનેલી પથ્થરમારાની ઘટનામાં એક પોલીસકર્મીને માથાના ભાગે ઈજા પહોંચી છે. આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમો પણ ઉમેરવામાં આવશે.

પોલીસ પર થયેલા હુમલાને કોઈ પણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં. રેન્જ અભય ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, તમામ પુરાવાઓનું એનાલિસીસ કરીને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ જ છે. હાલ હિંમતનગર શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલા માટે ૧૦૦૦થી પણ વધુ પોલીસકર્મીનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે ત્રણ FIR દાખલ કરી છે.

જેમાં પોલીસ પર કરવામાં આવેલો હુમલો, શોરુમમાં કરેલી તોડફોડ અને ધાર્મિક સ્થળો તથા વાહનોને પહોંચાડવામાં આવેલા નુકસાનને લઈને દાખલ કરવામાં આવી છે.

જ્યારે અચાનક કોઈ બનાવ બને અને મોટુ સ્વરૂપ ધારણ કરે, આવું એકદમ બનતું નથી. પૂર્વનિયોજિત કાવતરાની શક્યતા હંમેશા રહેલી છે. જાે એ વાતના પુરાવા મળે તો એ અનુસંધાનમાં લગાવેલી કલમ યથાવત રાખવામાં આવે છે અને પુરાવા ન મળે તો એ કલમ રદ્દ કરવામાં આવે છે. હાલ તો એવી જ આશંકા છે કે આ એક પૂર્વનિયોજિત કાવતરાનો ભાગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.