Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક સ્થિતિ અંગે શ્વેતપત્ર જાહેર કરવા કોંગ્રેસની માંગણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતી સતત કથળી રહી છે તેમજ નાણાકીય વર્ષના અંતમાં પણ કોન્ટ્રાકટરોને પેમેન્ટ થઈ શકયા નથી જેના કારણે વિપક્ષ કોંગ્રેસે મ્યુનિ. કોર્પોરેશનની નાણાકીય સ્થિતિ અંગે શ્વેતપત્ર જાહેર કરવા માંગણી કરી છે.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદખાન પઠાણે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યુ હતું કે ઓકટ્રોય દર શૂન્ય થયા બાદ મનપાની આર્થિક સ્થિતી સતત અસમતોલ બની રહી છે. રાજય સરકારે ર૦૦૭-૦૮ માં ઓકટ્રોય અવેજી ગ્રાન્ટમાં ૧૪ ટકા ગ્રોથ આપવા જાહેરાત કરી હતી.

મ્યુનિ. એસ્ટા. ખર્ચ કરતા ઓકટ્રોય અવેજી ગ્રાન્ટની રકમ ઘણી જ ઓછી છે. સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો ઉપયોગ એસ્ટા. ખર્ચ માટે કરવામાં આવે છે. રાજય સરકારે ર૦૧૭ બાદ ગ્રાન્ટની રકમમાં કોઈ જ વધારો કર્યો નથી. હાલ સરકાર તરફથી દર મહીને રૂા.૮૭.૧પ કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે જેની સામે એસ્ટા. ખર્ચ માસિક રૂા.૧ર૯ કરોડ છે જેના કારણે એસ્ટા. ખર્ચમાં દર વરસે રૂા.પ૦૦ કરોડની ઘટ પડે છે.

તદ્‌પરાંત મ્યુનિ. કોર્પોરેશને કોરોના માટે રૂા.૧૧૦૦ કરોડનો ખર્ચ કર્યો છે જે પેટે સરકાર પાસેથી રૂા.ર૦૦ કરોડ લેવાના બાકી નીકળે છે. રાજય સરકાર દર વરસે સ્વર્ણિમ જયંતી યોજના અંતર્ગત રૂા.૬૦૦ કરોડની ગ્રાન્ટ આપે છે પરંતુ તેના નાણા નિયમિત મળતા નથી. તદ્‌પરાંત ૭૦ઃર૦ઃ૧૦ ની સ્કીમમાં પણ રૂા.૧૦૦ કરોડ કરતા વધુ રકમ લેવાની બાકી છે. આ તમામ કારણોસર મ્યુનિ. કોર્પોરેશનની બચત પણ તથા સમયસર પેમેન્ટ કરવા માટેપણ નાણા રહયા નથી.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વરસે નાણાકીય વર્ષાન્તે કોન્ટ્રાકટરોના પેમેન્ટ ચુકતે કરવામાં આવે છે પરંતુ ર૦ર૧-રરમાં રૂા.૪૭૧ કરોડના પેમેન્ટ થઈ શકયા ન હતા તથા તમામ બીલો રદ કરવાની ફરજ પડી છે. તદ્‌પરાંત મ્યુનિ. કર્મચારીઓના પગાર-પેન્શન ચુકવવામાં પણ વિલંબ થયો હતો. મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરી ખાલી થઈ રહી છે.

જયારે સત્તાધારી પાર્ટી દ્વારા બિનજરૂરી ખર્ચ કરવામાં આવી રહયા છે. નાણાકીય અછતના કારણે રોડ, લાઈટ, ડ્રેનેજ, પાણી જેવી પ્રાથમિક સુવિધાના કામો અટકી ગયા છે. નાગરીકોને ગેરમાર્ગે દોરવા માટે મોટી-મોટી રકમના ટેન્ડર મંજુર કરવામાં આવે છે પરંતુ સમયસર કામ થતા નથી બીલના પેમેન્ટ થયા ન હોવાથી કોન્ટ્રાકટરો પણ વધુ રોકાણ કરતા ડરી રહયા છે.

આ તમામ કારણોસર મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતી અંગે શ્વેતપત્ર જાહેર કરવામાં આવે તેમજ પ્રજાને વાસ્તવિક નાણાકીય સ્થિતિની જાણકારી આપવામાં આવે તે જરૂરી છે, તેમજ જરૂરીયાત લાગે તો ખાસ ચર્ચા માટે વર્તમાન માસમાં અલગથી બોર્ડ બેઠક બોલાવવામાં આવે તેવી માંગણી પણ તેમણે કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.