Western Times News

Gujarati News

રેતીના ખનનને કારણે નર્મદા કિનારા વિસ્તારના ખેતીને નુકશાન

પ્રતિકાત્મક

બેફામ બનેલા અને વહીવટીતંત્રને હાથમાં લઈને ફરતાં રેતી માફિયાઓ દ્વારા મામલતદારના હુકમની એસીતેસી કરી રોજની સેંકડો રેતી ભરેલી, પાણી નિતરતી ટ્રકો ત્યાંથી પસાર કરવામાં આવે છે.

જુના ટોઠીદરા ગામે રસ્તા બાબતે ગ્રામજનો અને રેતી વહન કરનારાઓ બાખડ્યા

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડીયા તાલુકામાં ગોવાલીથી લઈ તરસાલી ટોઠીદરા પાણેથા ઇન્દોર નાના વાસણા ગામે સરકાર દ્વારા મંજુર કરાયેલ લીઝોના સંચાલકો ભૂસ્તર વિભાગ ઝઘડીયા મામલતદાર કચેરી તથા સ્થાનિક પંચાયતોના મેળાપીપણામાં આડેધડ રસ્તાઓ બનાવી નર્મદા કિનારા વિસ્તારના ખેડૂતોને તથા તેની ખેતીને તથા ગ્રામજનોને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે.

તેમ છતાં જવાબદાર તંત્ર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તાલુકાના ટોઠીદરા ગામે નર્મદા કિનારે, સીમમાં જતો જુનો ગાડાવાટ રસ્તો હતો. આ રસ્તા પર છેલ્લા કેટલાક વર્ષોથી લીઝ સંચાલકો તથા ટ્રક ચાલકો દ્વારા સ્થાનિક પંચાયતના મેળાપીપણામાં ગાડાવાટ રસ્તાને ખુલ્લો કરી આજુબાજુના ખેતરોમાં દબાણ ઉભા કરી મોટો રસ્તો બનાવી દીધો છે.

ગ્રામજનોની વારંવારની જવાબદાર વહીવટી તંત્રને રજૂઆત બાદ પણ સ્થાનિક તાલુકા તંત્રએ કોઈ પગલાં ભર્યા નથી.વાત છેવટે ગાંધીનગર સુધી પહોંચતા ઝઘડિયાના મામલતદાર દ્વારા જે તે સમયે રસ્તો બંધ કરવા લીઝ સંચાલકોને જણાવ્યું હતું,

તેમ છતાં બેફામ બનેલા અને વહીવટીતંત્રને હાથમાં લઈને ફરતાં રેતી માફિયાઓ દ્વારા મામલતદારના હુકમની એસીતેસી કરી રોજની સેંકડો રેતી ભરેલી, પાણી નિતરતી ટ્રકો ત્યાંથી પસાર કરવામાં આવે છે. જેના કારણે ખેતીને મોટું નુકસાન તેમજ ગ્રામજનોને ભારે હાડમારી વેઠવાનો સમય આવે છે. છેલ્લા કેટલાક દિવસથી તે વિસ્તારમાં રેતી વહન પ્રક્રિયા બંધ હોય હવે ફરીથી ચાલુ કરવા માટે કેટલાંક રેતી માફિયાઓ ગ્રામજનો સાથે આજરોજ ટોઠીદરા ગામના રસ્તો ખુલ્લો કરવા મશીનરી લઈને આવી પહોંચ્યા હતા.

જેના કારણે ગ્રામજનો અને રેતીવાળા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.બે-ત્રણ કલાક ચાલેલી બોલાચાલીમાં જવાબદાર પોલીસ મથક જાણવા છતાં અજાણ બની ત્યાં પહોંચ્યું જ ન હતું તેમ સ્થાનિક ગ્રામજનો જણાવ્યુ હતુ. રેતીવાળા લોકો અને ગ્રામજનો વચ્ચે ગજગ્રાહ વધે અને મારામારી માં ફેરવાઈ તો તે ઘટના માટે જવાબદાર કોણ તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.