Western Times News

Gujarati News

ભારતમાં રૂફટોપ સોલરની માગ આગામી પાંચ વર્ષમાં ત્રણ ગણી વધવાની અપેક્ષા

File

અમદાવાદ, વર્ષ 2021-22માં ભારતે 13.5 ગિગોવોટની રિન્યૂએબલ એનર્જીની ક્ષમતાઓનો ઉમેરો કર્યો છે, જે વર્ષ 2020-21ની તુલનામાં 128 ટકા વધુ છે. બ્રિજ ટુ ઇન્ડિયાના રિપોર્ટ મૂજબ નાણાકીય વર્ષ 2021-22માં ભારતે 1.21 ગિગોવોટ સોલર, 1.11 ગિગોવોટ વિન્ડ એનર્જી તેમજ 2.22 ગિગાવોટ રૂફટોપ સોલર ક્ષમતાઓ ઉમેરી છે. છેલ્લાં 12 મહિનામાં ગુજરાતે 2,468 મેગાવોટ ક્ષમતાઓનો ઉમેરો કરીને દેશભરમાં કુલ ક્ષમતા ઉમેરોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી ટાટા પાવરના પ્રવક્તાએ કહ્યું હતું કે, સોલર રૂફટોપ ક્ષેત્ર હાલનો ટ્રેન્ડ અમારા માટે ખૂબજ પ્રોત્સાહક છે. આગામી પાંચ વર્ષમાં ભારતમાં સોલર રૂફટોપ ક્ષેત્રે બે થી ત્રણ ગણો વધારો થવાની સંભાવના છે.

ગુજરાત સરકારની રૂફટોપ સોલર અંગેની અનુકૂળ નીતિઓ, વીજળીના ખર્ચમાં ઘટાડા બાબતે લોકોમાં જાગૃકતા તેમજ બીજા રાજ્યોની તુલનામાં ગુજરાતમાં રૂફટોપ સ્થાપવા માટે પર્યાપ્ત જગ્યાની ઉપલબ્ધતા જેવાં પરિબળો કુલ ઉત્પાદન ક્ષમતાઓમાં વધારો કરવામાં મદદરૂપ બની રહ્યાં છે.

કોવિડ-19 મહામારીને કારણે એમએસએમઇ સહિતના ઘણાં નાના-મોટાં વ્યવસાયોની આવકને અસર થઇ છે. આ કંપનીઓએ લાંબાગાળાની વ્યૂહરચનાને ભાગે ખર્ચમાં કાપ મૂકવા માટે વિવિધ પગલાં ભર્યાં છે, જેમાં સોલર રૂફટોપ અપનાવીને વીજળીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો હાંસલ કરવામાં તેમણે સફળતા મેળવી છે.

સોલર એનર્જી કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરવા ઉપરાંત ઓછા મેન્ટેનન્સ ખર્ચ તથા ભારતીય વાતાવરણ સાથે વિશિષ્ટ રીતે અનુકૂળ છે. એક અંદાજ મૂજબ સોલર રૂફટોપ અપનાવવાથી વીજળીના બીલમાં 50થી80 ટકા સુધીનો ઘટાડો પ્રાપ્ત કરવો શક્ય છે.

ભારતમાં વીજળીની કુલ ઉત્પાદન ક્ષમતા 400 ગિગાવોટ છે, જેમાં પરંપરાગત ઉર્જાના સ્રોતો દ્વારા 300 ગિગાવોટનું ઉત્પાદન થાય છે, જ્યારે કે બાકીનો 100 ગિગાવોટનો હિસ્સો રિન્યૂએબલ સ્રોતોનો છે. આ 100 ગિગાવોટમાં રૂફટોપ સોલરની હિસ્સેદારી 8થી9 ગિગાવોટ છે, જેમાં હજૂ પણ જબરદસ્ત વધારો થવાની અપેક્ષા છે.

મહત્વપૂર્ણ છે કે ભારત સરકારે પર્યાવરણની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં પરંપરાગત ઉર્જા ઉત્પાદનની જગ્યાએ હવે રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સને વિકસાવવા માટે ઘણી અનુકૂળ નીતિઓ અને પ્રોત્સાહનોની જાહેરાત કરી છે.

રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ઉપલબ્ધ તકોને હાંસલ કરવા માટે ટાટા પાવર ઝડપથી તેની ક્ષમતાઓનું વિસ્તરણ કરી રહ્યું છે. કંપની મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ અને સોલર પાર્કમાં વધારો કરવા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપની આ ક્ષેત્રે આઠ વર્ષથી લીડરશીપ પોઝિશનમાં છે અને વિવિધ ઇનોવેટિવ પહેલ દ્વારા આ ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિ વધુ મજબૂત કરવાની યોજનાઓ ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.