Western Times News

Gujarati News

સુરતના પોશ વિસ્તારમાં માતા-પુત્ર ડ્રગ્સ વેચતા હતા

સુરત, હિમાચલ પ્રદેશથી ચરસ લાવી સુરતમાં વેચાણ કરતા નવસારી જલાલપોરના માતા પુત્રને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી ૨૩૫ ગ્રામ ચરસ નો જથ્થો મળી આવતા તેમના નવસારી જીલ્લા એલસીબીની સાથે તેમના ઘરે રેઈડ કરતા વધુ ૧૫૬૦ ગ્રામ ચરસ સાથે મહિલાના પતિ અને બીજા પુત્રને પણ ઝડપી લીધા હતા.

હિમાચલ પ્રદેશથી ચરસ લાવી પોતાના ઘરમાં છુપાવી સુરતના પોશ વિસ્તારમાં વેચતી હતી. સુરતમાં ડ્રગ્સના વેચાણમાં થઇ રહેલા વધારાના કારણે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. પોલીસ સતત ચરસ અને ડ્રગ્સ વેંચતા પેડલરો પર બાજ નજર રાખી બેઠી હતી.

દરમિયાન ક્રાઇમબ્રાન્ચ ને બાતમી મળી હતી કે વેસુ વિસ્તાર માં માતા પુત્ર મોપેડ પર ચરસ વેચવા ફરી રહ્યા છે. જે બાતમીના આધારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ડુમસ રોડ લકઝરીયા ટ્રેડ હબ પાસેથી મોપેડ પર આવેલા ૨૨ વર્ષીય ઉત્સવ રમેશભાઈ સાંગાણી અને પાછળ બેસેલી તેની માતા શાન્તાબેન ઉર્ફે શીતલને અટકાવી હતી.

જેમની જડતી લેતા શાન્તાબેન ઉર્ફે શીતલના પર્સમાંથી રૂ.૩૫,૩૪૩ ની મત્તાનો ૨૩૫ ગ્રામ ચરસનો જથ્થો મળ્યો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે ચરસ ઉપરાંત મોપેડ, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ.૧,૧૩,૩૪૩ નો મુદ્દામાલ કબજે કરયો હતો.બાદમાં ક્રાઇમબ્રાંચની એક ટીમને નવસારી મોકલી નવસારી જીલ્લા એલસીબી સાથે તેમના ફ્લેટમાં રેઈડ કરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચ અને નવસારી જીલ્લા એલસીબીને ત્યાંથી રૂ.૨,૩૪,૯૦૦ ની મત્તાનું ૧૫૬૦ ગ્રામ ચરસ, રોકડા રૂ.૧,૯૫,૩૦૦, વજનકાંટો, કોથળીઓ મળી કુલ રૂ.૪,૬૧,૮૧૦ નો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે ત્યાંથી શાન્તાબેન ઉર્ફે શીતલના પતિ રમેશભાઈ સાંગાણી અને બીજા પુત્ર દર્શનની પણ ધરપકડ કરી હતી. આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને જલાલપોર પોલીસ મથકમાં બે અલગ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે શાન્તાબેન ઉર્ફે શીતલની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે સુરતના પોશ વિસ્તારમાં શીતલ આંટીના નામે જાણીતી છે. તે મૂળ સુરતના અઠવાલાઈન્સ કેશવજ્યોત એપાર્ટમેન્ટના અને હાલ હિમાચલ પ્રદેશમાં રહેતા નિરવ અરુણભાઈ પટેલ પાસે ચરસનો જથ્થો પોતાના નવસારીના ઘરે મંગાવી અથવા તો જાતે જઈને લાવી ઘરમાં છુપાવીને બાદમાં સુરતના પોશ વિસ્તાર ઉપરાંત નવસારીમાં વેચે છે.

નિરવ પટેલ ક્યારેક તેની પરિચિત સંતોષ ચૌહાણ ઉર્ફે આરતી મારફતે ચરસની ડીલીવરી મોકલતો હતો. ક્રાઈમ બ્રાન્ચે બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફ્લેટમાં રેઈડ કરી ત્યારે ઘરના જુદાજુદા ભાગમાંથી ચરસનો જથ્થો, વેચાણની રકમ, ઝીપ બેગ અને અન્ય સામગ્રી ઉપરાંત એમેઝોન.ઈનની નાની મોટી ૩૮૯ બેગ મળી હતી.

પોલીસે આ અંગે પૂછતાં શીતલ આંટીએ જણાવ્યું હતું કે તેના પાડોશી એમેઝોનની ડીલીવરીનું કામ કરતા હોય તેની પાસેથી બધી બેગ ખરીદી હતી.ચરસનો જથ્થો તેમાં ભરી તે ડીલીવરી માટે આવતી હતી જેથી રસ્તામાં પોલીસ રોકે તો એમેઝોનનું પાર્સલ ડીલીવરી માટે છે કહી બચી શકાય. હાલ તો ક્રાઇમબ્રાન્ચે શીતલ આંટીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.