Western Times News

Gujarati News

વડાપ્રધાનનું દેશવાસીઓને આશ્વાસન: કોરોનાનું જોખમ વધ્યું છે પરંતુ ચિંતાની કોઈ વાત નથી

નવી દિલ્હી, દેશમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરી હતી. બેઠક દરમિયાન વડાપ્રધાને વેક્સિનેશન અને સાવધાનીઓ અંગે ચર્ચા કરી હતી.

વડાપ્રધાને કહ્યું હતું કે, ‘જે રીતે તેમણે અત્યાર સુધી પોતાનું કામ કર્યું છે તે માટે હું તમામ કોરોના વોરિયર્સની પ્રશંસા કરૂં છું. અમુક રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાનો પડકાર ઓછો નથી થયો. તેની સ્થિતિ ગંભીર થઈ શકે છે. યુરોપમાં જોઈ શકાય છે. છેલ્લા કેટલાક દિવસમાં અનેક દેશમાંથી કોરોનાના કેસ સામે આવ્યા છે. આપણે સ્થિતિને નિયંત્રણમાં રાખી છે.

વડાપ્રધાને જણાવ્યું કે, છેલ્લા 2 સપ્તાહથી કેસ વધી રહ્યા હોવાથી સમજાઈ રહ્યું છે કે, આપણે એલર્ટ રહેવાનું છે. થોડા મહિના પહેલા જે લહેર આવી તેમાંથી આપણે ઘણું શીખ્યા છીએ. આપણે ઓમિક્રોનનો સફળતાપૂર્વક સામનો કર્યો. 2 વર્ષ દરમિયાન દેશે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ઓક્સિજન માટે કામ કર્યું.’

વડાપ્રધાને મુખ્યમંત્રીઓને જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં કોરોના મામલે આ આપણી 24મી બેઠક છે. કોરોના કાળમાં કેન્દ્ર અને રાજ્યોએ મળીને કામ કર્યું તેણે દેશની કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી. વધુમાં જણાવ્યું કે, કોરોના સંક્રમણ રોકવું તે પહેલા પણ આપણી પ્રાથમિકતા હતું અને આજે પણ તે જ રહેવું જોઈએ.

લોકોને એલર્ટ રહેવા માટેની ચેતવણી આપતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, એ સ્પષ્ટ છે કે, કોરોનાનો પડકાર હજું સંપૂર્ણપણે ટળ્યો નથી. ઓમિક્રોન અને તેના સબ વેરિએન્ટ્સ કેવી ગંભીર સ્થિતિ સર્જી શકે છે તે આપણે યુરોપના દેશોમાં જોઈ શકીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.