Western Times News

Gujarati News

કેન્દ્ર સરકાર ખાતરની સબસિડીમાં વધારો કરશે : દેશના 14 કરોડ ખેડૂતોને મળી મોટી રાહત

પ્રતિકાત્મક

નવી દિલ્હી, દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ સરકારે ફર્ટિલાઈઝર સબસિડી (Fertilizer Subsidy) વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ પાકની સીઝન આવી રહી છે અને ખાતર માટેનો કાચો માલ ખૂબ જ મોંઘો થઈ રહ્યો છે.

કંપનીઓએ તાજેતરમાં DAPની કિંમતોમાં 150 રૂપિયાનો વધારો કર્યો હતો. યુરિયા અને અન્ય ખાતરની કિંમતોમાં વધારો થવાનું પણ સંપૂર્ણ અનુમાન છે. તેવામાં પહેલેથી જ ડીઝલની કિંમતોમાં થઈ રહેલા વધારાથી પરેશાન ખેડૂતોના માથે સરકાર ખાતરની મોંઘવારીનો બોજ નથી નાખવા માગતી.

કેબિનેટની બેઠકમાં ફર્ટિલાઈઝર સબસિડી વધારવા મંજૂરી આપવામાં આવી છે. સરકાર સબસિડી નહીં વધારે તો ખેડૂતોએ મોંઘુ ખાતર ખરીદવું પડશે. હાલ સરકાર ખેડૂતો મોંઘુ ખાતર ખરીદે તેવું રાજકીય જોખમ નથી લેવા માગતી.

સરકારનો એવો પ્રયત્ન છે કે, ખાતરના કાચા માલની કિંમતોમાં થઈ રહેલા વધારાનો બોજો ખેડૂતો પર ન પડે. આ કારણે સરકાર સબસિડીનો વધુ ભાર ઉઠાવવા તૈયારી કરી રહી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાતરના કાચા માલની કિંમતોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે, ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતરોનો પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે. ખાતર બનાવતી કંપનીઓના કહેવા પ્રમાણે રો મટિરીયલ ખૂબ મોંઘા થઈ ગયા છે. કેનેડા, ચાઈના, જોર્ડન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને અમેરિકાથી પણ ખાતરનો કાચો માલ આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ખાતર માટે 80 કરોડ રૂપિયાની આસપાસની સબસિડી થતી હતી પરંતુ કાચા માલની કિંમતોમાં થઈ રહેલા વધારાના કારણે DAPની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. આ કારણે સરકારે ભારે સબસિડી આપીને ખેડૂતોને રાહત આપી છે. આ કારણે વર્ષ 2020-21માં ખાતર સબસિડી 1.28 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

ત્યાર બાદ કાચા માલની કિંમતોમાં ફરી તેજી આવી તો પણ સરકારે નિર્ણય લીધો કે, ખેડૂતો પર તેની અસર નહીં પડવા દેવામાં આવે. આમ વર્ષ 2021-22માં તે એનાથી પણ વધી ગઈ. આ વખતે સબસિડી 1.4થી 1.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે તેવું અનુમાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.