Western Times News

Gujarati News

કોંગ્રેસ પ્રશાંત કિશોરના કેટલાક સૂચનો લાગુ કરી શકે છેઃ પી ચિદમ્બરમ

નવીદિલ્હી, પ્રશાંત કિશોરે ભલે કોંગ્રેસ દ્વારા કરાયેલી ઓફરને ઠુકરાવી દીધી હોય, પરંતુ કોંગ્રેસ તેમની દરખાસ્તો પર ગંભીર દેખાઈ રહી છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે પણ કહ્યું છે કે પાર્ટી પ્રશાંત કિશોરના કેટલાક સૂચનોને લાગુ કરી શકે છે.

એક ઈન્ટરવ્યુમાં પી ચિદમ્બરમે કહ્યું કે, પ્રશાંત કિશોર દ્વારા પાર્ટીના પ્રસ્તાવને નકારવા પર કોંગ્રેસ તરફથી કોઈ સવાલ નથી. આ દરમિયાન પી ચિદમ્બરમે એવી અટકળોનો પણ જવાબ આપ્યો હતો કે કોંગ્રેસ પ્રશાંત કિશોરની કંપની આઇપીએસી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ સાથે કામ કરી રહી છે તેનાથી નારાજ છે. ચિદમ્બરમે કહ્યું કે આ મામલે આવી કોઈ વાત નથી.

ઉલ્લેખનીય છે કે, ચિદમ્બરમે પ્રશાંત કિશોરના ડેટા કલેક્શનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમના દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવ પર પાર્ટી કાર્યવાહી કરી શકે છે. કારણ કે મને નથી લાગતું કે પાર્ટી પાસે આવો ડેટા ઉપલબ્ધ હશે. જેમાં તમામ પ્રકારની માહિતી સામેલ છે.

આ દરમિયાન ચિદમ્બરમે કોંગ્રેસમાં ઉભી થયેલી નેતૃત્વની સમસ્યાનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આવી કેટલીક સમસ્યાઓ ચોક્કસપણે છે, પરંતુ ઓગસ્ટમાં યોજાનારી પાર્ટીની આંતરિક ચૂંટણી બાદ આવી તમામ સમસ્યાઓનો અંત આવી જશે. તેમણે કહ્યું કે પાર્ટી આગામી ચૂંટણી માટે તૈયારી કરી રહી છે.

નોંધનીય છે કે, પ્રશાંત કિશોર છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસની ખૂબ નજીક આવી ગયા હતા. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ઘણી વખત મળ્યા હતા. આ સાથે તેમના તરફથી કોંગ્રેસને એક પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું જેમાં ઘણા મહત્વના સૂચનો સામેલ હતા.

આ પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે પીકે ટૂંક સમયમાં કોંગ્રેસમાં સામેલ થવાના છે. પરંતુ આ તમામ અટકળો પર ત્યારે પૂર્ણવિરામ મુકાઈ ગયું જ્યારે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી દીધી છે.

આ પછી ખુદ પ્રશાંત કિશોરે પણ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, “મેં કોંગ્રેસના કોર ગ્રુપમાં જાેડાવાની ઓફરને નકારી કાઢી છે. જેમાં ચૂંટણીની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. મારા મતે માળખાકીય સમસ્યાઓને પરિવર્તન દ્ધારા ઉકેલી શકાય છે અને તેની માટે કોંગ્રેસને મારા નેતૃત્વની જગ્યાએ સામૂહિક રીતે મળીને બરોબર કરી શકાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.