Western Times News

Gujarati News

કુબેરનગર વોર્ડની મતગણતરી સંદર્ભમાં શહેર પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું

મતગણતરી મથકની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજ્યામા કોડલેસ ફોન વાયરલેસ સેટ,  મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ

અમદાવાદ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-૨૦૨૧ વોર્ડ નંબર – ૧૪ કુબેરનગરની પુનઃ મતગણતરી તારીખ ૦૭/૦૫/૨૦૨૨ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી ખાતે થનાર છે. આ મતગણતરી શાંતિપૂર્ણ રીતે અને સુમેળભર્યા વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર,પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જેમાં મતગણતરી મથકની અંદર, કમ્પાઉન્ડમાં કે મતગણતરી મથકની ચારે બાજુની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં વિસ્તારમાં કોઇપણ વ્યક્તિને સેલ્યુલર, મોબાઈલ ફોન , કોડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ વિજાણુ સાધનો લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

તથા આ વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ વાહનો લઇ જઇ શકશે નહીં અથવા પાર્ક પણ કરી શકશે નહીં. વાહનોનો અર્થ પરિવહનના હેતુ માટે ઉપયોગમાં લઇ શકાય તેવા યંત્ર શક્તિથી કે અન્ય રીતે ચાલતા કોઈપણ પ્રકારના વાહનનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ બાકસ (માચીસ), લાઇટર, ગેસ લાઇટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજ વસ્તુઓ લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ પણ કરી શકશે નહીં.

કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ અને મતગણતરી મથક અને તેની આસપાસ ફરજ ઉપર મુકેલ સલામતી કર્મચારીઓ તેમની વિધિસરની ફરજ દરમિયાન સેલ્યુલર,મોબાઇલ ફોન ,કોડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરેનો ઉપયોગ કરી શકશે. આ જ પ્રમાણે ભારતના ચૂંટણી પંચે નીમેલા નિરીક્ષકો અને મતગણતરીની ફરજોનો હવાલો ધરાવતા અધિકારીઓ/ કર્મચારીઓ તેમની વિધિસરની ફરજ દરમિયાન આવા સાધનોનો ઉપયોગ કરી શકશે.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે એમ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.