Western Times News

Gujarati News

પ્રકૃતિ, સંસ્કૃતિ, અને વારસાનો ત્રિવેણી સંગમ એટલે વઘઇનુ “રિસર્ચ સેન્ટર ફોર આર્ટ એન્ડ ક્રાફ્ટ”

પ્રાથમિક શિક્ષણના જ્ઞાનની ગંગોત્રી, જ્યાંથી વહે છે તેવુ વઘઇનુ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એટલે શિક્ષકોની કાશી:

અહેવાલ : મનોજ ખેંગાર
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: માનવ મનના ખેડાણ સાથે, માનવ સમાજની ટેવો, આદતો, મૂલ્યો, આચાર વિચાર, રહેણી કરણી, ધાર્મિક માન્યતાઓ, સભ્યતા અને ગુફાથી ઘર સુધીની માનવયાત્રાને તેની સંસ્કૃતિ કહી શકાય. લલિત કળા, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્યો, વાદ્યો, તથા વિવિધ આર્થિક પ્રવૃતિઓ પણ આ સંસ્કૃતિના અભિન્ન અંગો ગણી શકાય. નદી, ધોધ, ઝરણા, તળાવ, જંગલ, ખીણ, ખડક, ખનીજ, વનસ્પતિ, વનૌષધિ, પશુપંખી, સ્વયંભૂ વિકસેલા અને માનવ સર્જિત આસ્થા સ્થળો જેવો પ્રાકૃતિક વારસો, એ આપણા પૂર્વજો તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે.  સંસ્કૃતિ અને પ્રકૃતિના આ વારસાનુ જતન અને સંવર્ધન કરવા સાથે, ભાવિ પેઢીને તેનાથી અવગત કરાવી શકાય તેવા
પ્રયાસના ભાગરૂપે, વઘઇના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે “રિસોર્સ સેન્ટર ફોર આર્ટ એન્ડ ક્રાફ્ટ” ની સંકલ્પના સાકાર કરવામા આવી છે.

વઘઇનુ “રિસોર્સ સેન્ટર” એટલે એક એવો સ્ત્રોત, કે જ્યાંથી જિલ્લાની લગભગ તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ થઈ શકે. ભૌગોલિક સાંસ્કૃતિક, ઐતિહાસિક માહિતીની સાથે સાથે જિલ્લાની આંકડાકીય વિગતો પણ, આર્ટ એન્ડ ક્રાફ્ટના માધ્યમથી ઉપલબ્ધ કરાવી શકાય.
જિલ્લાની વિશિષ્ટતા, તેની આગવી ઓળખ, પ્રજાજનોની જીવનશૈલી, ઐતિહાસિક ઘટનાઓ, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો, વ્યક્તિ વિશેષ, સાહિત્ય અને ખેલ જગત સાથે સંકળાયેલી વિગતોનુ સંગ્રહિત, અને આધારભૂત કક્ષ એટલે આ “રિસોર્સ સેન્ટર ફોર આર્ટ એન્ડ ક્રાફ્ટ”. ભાવિ પેઢીના ઘડવૈયા એવા ગુરૂજનો-શિક્ષકો માટે જ્યાંથી જ્ઞાનની ગંગોત્રીનુ પ્રાગટ્ય થાય છે, તેવા પવિત્ર સ્થળ એવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કાર્યરત આ સેન્ટર, ગુરૂજનોના માધ્યમથી બાળકોને સંસ્કૃતિ-પ્રકૃતિ, અને વારસાના જતન સંવર્ધનનો મૂક સંદેશો પહોંચાડે છે.

આ સેન્ટરની વિગતો આપતા ભવનના પ્રાચાર્યશ્રી ડો. બી.એમ.રાઉતે જણાવ્યુ હતું કે, શાળાના બાળકોને ગોખણપટ્ટીથી દૂર રાખી, તેમને શાળા બહારના જીવન અને જ્ઞાન સાથે જોડવાનો પ્રયાસ હાથ ધરાયો છે. પાઠ્યપુસ્તકોથી જરા હટ કે, બિયોન્ડ ટેક્સ બુક, અનુભવજન્ય શિક્ષણ સાથે તેઓ સ્વયં, સ્વપ્રયત્ને કઇંક નવતર શીખે તે બાબત ઉપર અહી ભાર મૂકવામા આવ્યો છે. N..C.F. 2005 (રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક-૨૦૦૫) અંતર્ગત બાળકોને શાળા બહારના જીવન સાથે જોડવાનુ સુનિયોજિત કરાયુ છે.

જ્યારે R.T.E. 2009 (રાઈટ ટુ એજ્યુકેશન-૨૦૦૯ : શિક્ષણ નો અધિકાર) અંતર્ગત બાળકોને શોષણમુક્ત રાખવા સાથે, તેના અધિકારોની વાત કરવામા આવી છે. આ કાયદા અને અભ્યાસક્રમની રૂપરેખાને અનુસરી GCERT (ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ) અને NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ) એ પણ સ્થાનિક સંદર્ભ સાહિત્ય વિકસાવવા ઉપર ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે 'ડાયેટ' દ્વારા, ડાંગી જીવનને સ્પર્શતુ આ સેન્ટર તૈયાર કરાયુ છે તેમ જણાવતા ડો.રાઉતે, અહી આર્ટ એન્ડ ક્રાફ્ટના માધ્યમથી ડાંગના લોકજીવનની ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરી શકાય છે તેમ ઉમેર્યુ હતુ.

આ રિસોર્સ સેન્ટરની પરિકલ્પનાને વાસ્તવિકરૂપ આપનાર આર્ટના પ્રાધ્યાપક શ્રી યોગેશ ચૌધરીએ જણાવ્યુ હતુ કે, અનેકતામા-એકતા અને એક ભારત-શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન અહી સાકાર થતુ જોઈ શકાય છે. આ સેન્ટરમા ડાંગની જીવનશૈલીને વિવિધ માધ્યમો દ્વારા સુપેરે ઉજાગર કરવામા આવી છે. ગ્રામીણ સંસ્કૃતિ અને વારસાનુ જતન અને સંવર્ધન કરી, ભાવિ પેઢીને તેના સમૃદ્ધ વારસાથી અવગત કરાવવાનો અહી પ્રયાસ કરાયો છે. આર્ટ એન્ડ ક્રાફ્ટના મહત્તમ વિનિયોગથી આ સેન્ટર, સંસ્કૃતિ અને પ્રકૃતિની જાણકારી મેળવવા ઇચ્છતા જિજ્ઞાસુઓ, ગુરૂજનો અને વિદ્યાર્થીઓ માટે ઉત્કૃષ્ટ સંદર્ભ સાહિત્યની ગરજ સારી શકે, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેક્નોલોજી, ગણિત, પર્યાવરણ અને ભાષા જેવા સાક્ષરી વિષયોનુ અનુસંધાન સાધી શકે, સાથે વિદ્યાર્થી અને શિક્ષકો માટે એક કલાત્મક વાતાવરણ પૂરૂ પાડી શકાય તેવો પ્રયાસ કરાયો છે.

તેમ શ્રી ચૌધરીએ વધુમા ઉમેર્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, જ્ઞાનની ગંગોત્રી જ્યાંથી વહે છે તેવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇના આ “રિસોર્સ સેન્ટર ફોર આર્ટ એન્ડ ક્રાફ્ટ” મા પ્રકૃતિ, સંસ્કૃતિ, અને વારસાનો ત્રિવેણી સંગમ રચતા ખૂબ જ કલાત્મક રીતે ફૂલદાની, કુંજા સજાવટ, વૉલપીસ, ઝુમ્મર, માટીકામ, ગ્લાસ પેઇન્ટિંગ, રેત ચિત્રો, ભૌમિતિક આકારોમાંથી ચિત્રો, રંગપૂરણી, કાગળ કામ, છાપકામ જેવી વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી તૈયાર કરાયેલા ઉત્કૃષ્ટ નમુનાઓ, ડાંગની ભાતિગળ લોક સંસ્કૃતિનો મૂક સંદેશ આપી તેનુ ગૌરવ જ્ઞાન કરી રહ્યા છે. આવનાર દિવસોમા આ સેન્ટરને વધુ સમૃદ્ધ અને લોકભોગ્ય બનાવવા સાથે, તે સૌ કોઈ માટે પ્રેરણા સ્ત્રોત બની રહે તેવા “ભવન”ના પ્રયાસો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.