Western Times News

Gujarati News

સરકારી શાળાઓની પાકી ઇમારતોની છત પરથી વહી જતા પાણીને જમીનમાં ઉતારવાની રૂપરેખા તૈયાર

જિલ્લા કલેકટરશ્રીની દરખાસ્તનું મળ્યું સકારાત્મક પરિણામ

વડોદરાની સેવા સંસ્થાએ નર્મદા જિલ્લાની ૨૦ સરકારી શાળાઓમાં છત પરથી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટેના સૂચિત પ્રોજેક્ટના અમલમાં સહયોગી બનવા સૈદ્ધાંતિક મંજૂરી આપી

નર્મદા જિલ્લાની શાળાઓ હવે માત્ર વિદ્યાધામ નહિ રહે. પણ તેની સાથે વરસાદી પાણીના રક્ષણ માટેના તીર્થધામો બનશે

રાજપીપલા,જિલ્લા કલેકટરશ્રી ડી.એ. શાહે સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાનને એક નવો આયામ આપવા ચોમાસામાં જિલ્લાની ૫૦ સરકારી શાળાઓની પાકી ઇમારતોની છત પરથી નકામા વહી જતા પાણીને ઇજનેરી વ્યવસ્થા હેઠળ જમીનમાં ઉતારવાની રૂપરેખા તૈયાર કરી
છે અને આ જળ સંચય વ્યવસ્થા સરકારી ખર્ચે ન કરતાં, તેમાં લોક ભાગીદારી જોડવાના અભિગમ હેઠળ વિવિધ સેવા સંસ્થાઓને તેમાં સહભાગીદાર બનવા દરખાસ્ત મૂકી છે.

આ દરખાસ્તને સકારાત્મક પ્રતિભાવ આપતાં વડોદરાની જી.એ.સી.એલ.એજ્યુકેશન સોસાયટીએ તે પૈકી ૨૦ શાળાઓમાં આ વ્યવસ્થા માટે જરૂરી ભંડોળ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સંસ્થા ગુજરાત સરકારની કંપની ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા સી.એસ.આર.ની જવાબદારી વહન કરે છે અને વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓને પીઠબળ આપે છે.

હાલમાં ઉપરોક્ત સંસ્થા જરૂરી ભંડોળ આપે અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ વરસાદી પાણીને છત પરથી ધરતીના પેટાળમાં ઉતારવાની માળખાકીય વ્યવસ્થા ગોઠવે એવી રૂપરેખા ઘડવામાં આવી છે. સંસ્થાની સૈદ્ધાંતિક મંજૂરીના અનુસંધાને જિલ્લા કલેકટરશ્રી એ શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રને ૨૦ શાળાઓની પસંદગી કરી, તેમના નામોની યાદી, ખર્ચના અંદાજો અને જરૂરી આલેખનો સહિત ઉપરોક્ત સંસ્થાને મોકલી આપવા સૂચનાઓ આપી છે. આમ,નર્મદા જિલ્લો વરસાદી પાણીના ભૂગર્ભ ભંડારણના એક નવા પ્રયોગ દ્વારા નવી દિશા
દર્શાવશે તેવા સંકેત મળી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.