Western Times News

Gujarati News

આરોપીઓના નામ વગર માટી ચોરી કેસમાં પોલીસ ફરિયાદ નોંધાતાં તંત્રના છુપા આશીર્વાદ હોવાની ચર્ચા

ભરૂચ DDO એ આમોદ TDO ને માટી ચોરો સામે બબ્બે વખત ફરિયાદ કરવાનો હુકમ કરી કાન આમળ્યા બાદ આખરે ફરિયાદ નોંધાઈ
(વિરલ રાણા ) ભરૂચ,સરભાણ અને વાતરસા ગામે થયેલા માટી કૌભાંડમાં કસુરદારો સામે ફોજદારી ગુનો નોંધવા DDO ના હુકમ ના પગલે આમોદના TDO એ સરભાણ ગામની ગૌચર જમીનમા ગેરકાયદેસર રીતે માટી ખનન કરી રૂપીયા આઠ લાખ ચારસો અઢાર રૂપીયાની માટી ચોરીની ફરિયાદ ગત મોડી રાતના આમોદ પોલીસ મથકે નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના સરભાણ તેમજ વાતરસા ગામે થયેલા કરોડો રૂપિયાના માટી કૌભાંડમાં ભરૂચ DDO એ આમોદ TDO ને ૨૧ એપ્રિલના રોજ માટી કૌભાંડના કસુરદારો વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કર્યો હતો.છતાં ભરૂચ DDO ના હુકમ ના ૧૮ દિવસ બાદ પણ આમોદ TDO એ ફરિયાદ ના નોંધાવતા ભરૂચ DDO એ ગત રોજ ફરીથી સરભાણ અને વાતરસા ગામ પંચાયતના કસૂરદારો સામે ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો.
આમોદ તાલુકાના વાતરસા ગામે આવેલી સર્વે નંબર ૧૨૨,૫૧૩ તથા ૩૨૫ વાળી જમીનમાં બિન અધિકૃત માટી ખનન કરવામાં આવ્યું હતું.જે બદલ ભરૂચ DDO એ Dy.DDO ની તપાસ ટીમનો અહેવાલ પાન નંબર ૧ થી ૫૫ મોકલી ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો.જયારે સરભાણ ગામે સર્વે નંબર ૬૬૫ વાળી ગૌચરની જમીનમાં બિન અધિકૃત ખોદકામ અંગે Dy.DDO ની ટીમનો ૧ થી ૪૧ પાનનો અહેવાલ મોકલી સરભાણ ગ્રામ પંચાયતના કસૂરદારો વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો.
DDO ના હુકમના પગલે આમોદ TDO સમીર મોજણીદારે ગત મોડી રાતે આમોદ પોલીસ મથકે સરભાણ ગામ સ્થિત સર્વે નંબર ૬૬૫ ની ગૌચર જમીન મા ગત તારીખ ૧૩-૪- ૨૧ પહેલા જે તે સમયે ગ્રામ પંચાયત સરભાણના સંડોવાયેલ કસુરદારો એ કોઈ સરકારી કચેરી ની પરવાનગી લીધા વગર ખાણ ખનીજના નિયમોનો ભંગ કરી રોયલ્ટી કે પાસ પરમીટ વગર સાદી માટી ૪૫૭૩.૮૨ મેટ્રીક ટન કિ.રૂ.૮૦૦૪૧૮ નુ ગેરકાયદેસર ખનન કરી ચોરી કર્યા ની ફરિયાદ આપતા આમોદ પોલીસે ઈપીકો કલમ ૩૭૯ તથા માઈન્સ મીનરલ્સ ડેવલપમેન્ટ રેગ્યુલીટી એકટ ની કલમ ૨૧ અન્વયે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથધરી છે.
સરભાણ ગામે માટી ચોરી અંગે અરજદારોએ આરોપીઓના નામ આપ્યા છતાં કસુરદારોના નામ વગર ફરિયાદ નોંધાઈ.
આમોદ તાલુકાના સરભાણ ગામે ગામ તળાવ, ગૌચર તેમજ તલાવડીમાં કરોડો રૂપિયાની માટી ચોરીમાં સરભાણ ગામના અરજદારે કસુરદારોના નામ સાથે ફરિયાદ કરી હતી છતાં આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગત રોજ રાત્રીના સમયે નોંધાયેલી ફરિયાદમાં માત્ર ગૌચરની માટી ચોરી અંગેની કસૂરદારો કે આરોપીના નામ વગર ફરિયાદ નોંધાવી હતી.ત્યારે આમોદ પંથકમાં ચર્ચા જાગી હતી કે માટી ચોરી કૌભાંડમાં ભાજપના આગેવાનો સંડોવાયેલા હોય વહીવટી તંત્રના છુપા આશીર્વાદ હોય તેમ લાગી રહ્યું છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.