Western Times News

Gujarati News

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા બીચ ટુરિઝમને વિકસાવવા માટેનો અનોખો પ્રયાસ

21 ઓક્ટોબરના રોજ સાંજે 5:30 કલાકે માધવપુર, માંડવી અને તીથલ ખાતે બીચ ફેસ્ટિવલનો ઉદ્દધાટન સમારોહ યોજાશે

માધવપુર ખાતે રાજ્યના પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, માંડવી (કચ્છ) ખાતે રાજ્ય પ્રવાસન મંત્રીશ્રી વાસણભાઈ આહિર અને તીથલ ખાતે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રીશ્રી રમણભાઈ પાટકર બીચ ફેસ્ટીવલને ખુલ્લો મુકશે

ગાંધીનગર, ગુજરાત પ્રવાસન (Gujarat Tousism) વિભાગ દ્વારા તારીખ 21 ઓક્ટોબર થી 4 નવેમ્બર સુધી માધવપુર, માંડવી (કચ્છ) અને તીથલ ખાતે ‘બીચ ફેસ્ટીવલ – 2019’નું (beach festival 2019) આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બીચ ફેસ્ટીવલને 21 ઓક્ટોબરના રોજ સાંજે 5:30 કલાકે પ્રવાસીઓ માટે ત્રણેય સ્થળો ખાતે ખુલ્લો મુકવામાં આવશે. માધવપુર ખાતે રાજ્યના પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, માંડવી (કચ્છ) ખાતે રાજ્ય પ્રવાસન મંત્રીશ્રી વાસણભાઈ આહિર અને તીથલ ખાતે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રીશ્રી રમણભાઈ પાટકર બીચ ફેસ્ટીવલને ખુલ્લો મુકશે.

દિવાળી વેકેશનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન વિભાગ દ્વારા બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકિનારે રમણીય પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના તમામ બીચ પર તેનું અલાયદું કુદરતી સૌંદર્ય જોવા મળે છે.

બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ આસપાસનાં સ્થળોને સાથે રાખીને સર્કિટ બનાવી  પોતાના પ્રવાસ પેકેજ બનાવી શકશે. બીચ ફેસ્ટિવલમાં આવનારા પ્રવાસીઓ માધવપુરની આસપાસ સોમનાથ મંદિર, પોરબંદર ખાતે કીર્તિ મંદિર સહિતનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકે છે. જ્યારે માંડવી બીચની મુલાકાત લેનારા પ્રવાસીઓને તેની કચ્છનાં ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકશે. એ જ રીતે તીથલની આસપાસ દમણ, પારસીઓનું એકમાત્ર સ્થળ ઉદવાડા તથા અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ સહેલાણીઓ મજા માણી શકશે.

રાજ્ય સરકાર મેળાઓ અને ઉત્સવોની ઉજવણીને પ્રોત્સાહન આપી રહી છે, અને તેના ભાગરૂપે કચ્છમાં યોજાતા રણોત્સવ, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ, પોલો ફેસ્ટિવલ દ્વારા પ્રવાસીઓને આકર્ષે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણમાં પણ ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

બીચ ફેસ્ટિવલમાં સહેલાણીઓ ખરા અર્થમાં આનંદ મેળવી શકે તે માટે દિવસ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીચ ફેસ્ટિવલમાં જુદી-જુદી ગેમ જેવી કે ડાન્સ સ્પર્ધા, ગરબા સ્પર્ધા, અંતાક્ષરી, ચિત્રસ્પર્ધા, ક્વિઝ, ક્લેમોડલિંગ, બાળકોની રમતો વિગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પ્રવાસીઓ સાહસિક પ્રવૃત્તિઓની મજા માણી શકે તે માટે બીચ સ્પોર્ટ્સ એક્ટિવિટી જેવી કે વોલીબોલ, રોપ ક્લાઈમ્બિંગ, ટાયર ક્લાઈમ્બિંગ, ઝોરબિંગ, દોરડા ખેંચ, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, કેમલ રાઇડિંગ અને હોર્સ રાઇડિંગ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ દરિયાકિનારે મનગમતા ફોટો પાડી શકે તે માટે ફોટો કોર્નરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક લોકોને રોજગારી મળે તે ઉદ્દેશથી હેન્ડિક્રાફ્ટ સ્ટોલ પમ ખોલવામાં આવશે અને પ્રવાસીઓ સ્થાનિક વ્યંજનોનો આનંદ માણી શકે તે હેતુથી ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

બીચ ફેસ્ટિવલના ઉદ્દઘાટન કાર્યક્રમમાં રાજ્યના સાંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યોશ્રીઓ તથા અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.