Western Times News

Gujarati News

ભરુચમાં યોજાયો ઉત્કર્ષ સમારોહ, PM મોદીનું વર્ચ્યુઅલી સંબોધન કર્યું.

અંધજનની દીકરીને મોદીએ પુછ્યું કે ડોક્ટર કેમ થવું છે? ‘પપ્પાની સમસ્યા જોઈને’ એટલું બોલી દીકરી રડી પડી.

(વિરલ રાણા ) ભરૂચ,ભરુચમાં યોજાયેલા ઉત્કર્ષ સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગરીબ કલ્યાણ યોજનાથી કોઈ લાભાર્થી છુટી ના જાય તે માટે સરકાર કટિબદ્ધ છે.જે પણ હકદાર છે તેમને સહાય મળવી જોઈએ.આ સમારોહમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ૧૩ હજાર કરતા વધુ લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું.સમારોહમાં દિકરી અને પિતાની વાત સાંભળી વડાપ્રધાન મોદી પણ ભાવુક થયા હતા અને થોડો સમય કંઈ બોલી શક્યા ન હતા.

ભરુચની દૂધધારા ડેરી ગ્રાઉન્ડમાં ભરુચ અને અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઉત્કર્ષ સમારોહ યોજવામાં આવ્યો હતો.ભરુચ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા ઉત્કર્ષ પહેલ અંતર્ગત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવા યોજાયેલા આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ હાજર રહ્યા હતા.સમારોહમાં ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહ્યા હતા.જેમાં ૧૩ હજાર કરતા વધુ લાભાર્થીઓને સહાય અર્પણ કરાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન પણ કર્યું હતું અને યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.ઉત્કર્ષ સમારોહમાં વડાપ્રધાનને કહ્યું કે હું જે શીખ્યો તે તમારી પાસેથી શીખ્યો છું. હું પણ ચા વેચતો હતો.ગરીબ કલ્યાણ યોજનાથી કોઈ લાભાર્થી છુટી ના જાય તે માટે સરકાર કટિબદ્ધ છે અને હકદારને સંપૂર્ણ લાભ મળવો જોઇએ.

તેમણે કહ્યું કે હું દેશવાસીઓની સેવા માટે આવ્યો છું.ગરીબની મુશ્કેલી મે નજીકથી જોઇ છે. હું રાજકારણ નહી પણ દેશની સેવા કરવા આવ્યો છું. શૌચાલય અને વીજળીની સેવા આપવાનું મારુ લક્ષ્ય છે તેમ જણાવતાં તેમણે કહ્યું કે આજે દેશમાં હજારો લોકોને પાંચ લાખના વીમાનું કવચ મળ્યું છે. શાસન પ્રશાસન સંવેદનશીલ છે.અમે નવા સંકલ્પ અને ઉર્જા સાથે આગળ વધવા તૈયાર છીએ. આ તબક્કે તેમણે ભરુચ વહિવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.વડાપ્રધાને કહ્યું કે અમે યોજનાઓમાં સુધારા કર્યા અને નવા લક્ષ્યાંક બનાવ્યા છે અને એક પરિવારના સભ્ય તરીકે દેશના નાગરીકોની સેવા કરી રહ્યો છું. તેમણે કહ્યું કે સરકાર ઇમાનદારીથી એક સંકલ્પ લઇને લાભાર્થી સુધી પહોંચશે તો તેને સાર્થક પરિણામ મળે છે. સમારોહમાં વિવિધ સરકારી યોજનાના લાભાર્થીને ચેક વિતરણ કરાયું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ૨૦૧૪ માં દેશની લગભગ અડધી વસ્તી શૌચાલય, રસીકરણ, વીજળી જોડાણ અને બેંક ખાતા જેવી સુવિધાઓથી વંચિત હતી. વર્ષોથી, દરેકના પ્રયત્નોથી, અમે ઘણી યોજનાઓને 100% સંતૃપ્તિની નજીક લાવવામાં સફળ રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે 8 વર્ષ પછી, આપણે નવેસરથી સંકલ્પ અને સંકલ્પ સાથે પોતાને સમર્પિત કરવાની જરૂર છે.વિધવા બહેનો દ્વારા તેમને અર્પણ કરવામાં આવેલી રાખડીના રૂપમાં તેમને શક્તિ આપવા બદલ તેમણે મહિલાઓનો આભાર માન્યો હતો.તેમણે કહ્યું કે તેમની ઈચ્છાઓ તેના માટે ઢાલ જેવી છે અને તેને વધુ મહેનત કરવા માટે પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દરેકના પ્રયત્નો અને વિશ્વાસને કારણે તેઓ લાલ કિલ્લાની પ્રાચી પરથી સંતૃપ્તિના ઉદ્દેશ્યની જાહેરાત કરી શક્યા. તેમણે કહ્યું હતું કે આ સામાજિક સુરક્ષાનો વિશાળ કાર્યક્રમ છે. તેમણે આ અભિયાનનો સારાંશ ગરીબો માટે ગૌરવ (‘ગરીબ કો ગરિમા’) તરીકે આપ્યો હતો.


ગુજરાતીમાં બોલતા પ્રધાનમંત્રીએ ભરૂચના વેપારી અને સાંસ્કૃતિક વારસાને યાદ કર્યા હતા. તેમણે ભરૂચ સાથેના તેમના લાંબા સમયના જોડાણને પણ યાદ કર્યું હતું. તેમણે ઔદ્યોગિક વિકાસ અને સ્થાનિક યુવાનોની આકાંક્ષાઓની અનુભૂતિ અને વિકાસની ‘મુખ્ય લાઇન’ પર ભરૂચનું સ્થાન નોંધ્યું હતું. તેમણે અર્થતંત્ર, શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી જેવા નવા ક્ષેત્રોમાં સંભવિતતા વિશે પણ વાત કરી હતી.
એક દૃષ્ટિહીન લાભાર્થી સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ તેમની પુત્રીઓના શિક્ષણ વિશે પૂછપરછ કરી હતી.પિતાની સમસ્યાને લઈને દીકરી ભાવુક થઈ ગઈ જેને જોઇ પીએમ મોદી પણ ભાવુક થઇ ગયા હતા. દેખીતી રીતે પ્રેરિત પ્રધાનમંત્રીએ તેમને કહ્યું કે તેમની સંવેદનશીલતા તેમની તાકાત છે. પ્રધાનમંત્રીએ એ પણ પૂછ્યું કે તેમણે અને તેમના પરિવારે ઈદ કેવી રીતે ઉજવી. તેમણે રસી અપાવવા અને તેમની પુત્રીઓની આકાંક્ષાઓને પોષવા બદલ લાભાર્થીની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ એક મહિલા લાભાર્થી સાથે વાતચીત કરી હતી અને તેમના જીવન વિશે પૂછ્યું અને સન્માનપૂર્વક જીવન જીવવાના તેમના નિશ્ચયની પ્રશંસા કરી હતી. એક યુવાન વિધવાએ પ્રધાનમંત્રીને તેમના બાળકોને સારું જીવન આપવાની તેમની સફર વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું કે તેમણે નાની બચત કરવી જોઈએ અને અધિકારીઓને તેમની નિર્ધારિત મુસાફરીમાં ટેકો આપવા જણાવ્યું હતું.ઉત્કર્ષ સમારોહ અંતર્ગત લાભાર્થી બહેનોએ પી.એમ.નરેન્દ્ર મોદી માટે ૭ ફૂટની રાખડી બનાવી હતી જે કાર્યક્રમ દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બની હતી. આમ તો રક્ષાબંધન શ્રાવણ માસમાં આવે છે

પરંતુ હાલ વૈશાખ માસમાં પણ ભરૂચમાં રક્ષાબંધન જેવો અવસર જોવા મળ્યો હતો.કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી, સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના મંત્રી પ્રદિપ પરમાર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી મનિષાબેન વકીલ, સાંસદ સી. આર. પાટીલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.