Western Times News

Gujarati News

બોપલની જૂની સોસાયટીઓ અને ફલેટસમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

File Photo

અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી -ટેક્સની આડેધડ આકરણીઓ કરી કરોડો રૂપિયા ઉઘરાઈ તો લીધા પછી પણ પ્રાથમિક સુવિધાથી વંચિત નાગરિકોનો ભારે રોષ

(પ્રતિનિધિ) અમદાવાદ, ટેક્સ ભરનાર સામાન્ય પ્રજાનો પ્રાથમિક સુવિધા માંગવાનો હક્ક છે. તેની ઉપેક્ષા સત્તાધીશો કઈ રીતે કરી શકે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સમાવિષ્ટ નવા વિસ્તારોના નાગરિકોને પાયાની સુવિધાથી વંચિત રાખવા સામે આ વિસ્તારના નાગરિકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા હજુ સુધી રોડ, રસ્તા, પાણી, સફાઈ સહિતના કામો બાબતે દુર્લક્ષ સેવવામાં આવી રહયુ છે કોર્પોરેશનના અધિકારીઓના બહેરા કાને જનતાનો અવાજ સંભળાતો નથી તેથી પ્રજા પિડાઈ રહી છે. એક તરફ દેશના વિકાસમાં ગુજરાત રોલ મોડલનું કામ કરી રહયુ છે

ત્યારે મેગાસીટી અમદાવાદમાં કોર્પોરેશનમાં સમાવિષ્ટ વિસ્તારો વિકાસને ઝંખી રહયા છે. પ્રજા ત્રાહિમામ છે જયારે અધિકારીઓના પેટનું પાણી હલતુ નથી. સત્તા પરથી ઉતરેલા આગેવાનો- કાર્યકરોને અધિકારીઓ ગાંઠતા નથી તેનું તાદ્‌શ દ્રષ્ટાંત નોર્થ બોપલ છે આ વિસ્તારમાં આવેલ અસંખ્ય બંગ્લોઝ, ફલેટ, સોસાયટીઓ રસ્તા, પાણી, સફાઈ સહિતની સુવિધાઓથી વંચિત છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઔડાના પશ્ચિમ વિસ્તારમાં આવેલી પાલિકાઓ-પંચાયતોનો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવેશ કર્યા બાદ હજુ આજદિન સુધી પાણી પુરૂ પાડવા જેવુ પ્રાથમિક કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શકયુ નથી. કોર્પોરેશનની નિષ્ફળતા નજર સમક્ષ જણાઈ રહી છે

તો બીજી તરફ રોડ-રસ્તા જેવી આવશ્યક સુવિધાઓના મામલે સંતોષકારક કામગીરી થઈ નથી. ખાસ કરીને બોપલ-ઘૂમાના સ્થાનિક ભા.જ.પ.ના આગેવાનો એક સમયે પાલિકા- પંચાયતમાં મહત્વના હોદ્દાઓ ભોગવતા હતા. તેઓ સામાન્ય કાર્યકર બની જતા કોર્પોરેશનમાં તેમના વિસ્તારનું કામ કરાવવામાં કંઈ ઉપજતુ ન હોય તેવી લાગણી સ્થાનિક નાગરિકોને થઈ રહી છે “ઉગતા સૂરજને સૌ કોઈ પૂજે” મતલબ એ કે સત્તા જતા જ સ્થાનિક કાર્યકરોની કોઈ છીંકણુ લેતુ નથી

કોર્પોરેશનમાં ખઈ બધેલા કેટલાક અધિકારીઓ મોટા માથાઓનું સાંભળતા નથી તો સામાન્ય કાર્યકરને ક્યાંથી સાંભળવાના ? નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ઉત્તર બોપલની હાલત સૌથી ખરાબ છે. આ વિસ્તારમાં વર્ષોથી લોકો વસવાટ કરી રહયા છે અને પોતાની ટેકસ ભરવાની જવાબદારી પૂર્ણ કરેલ છે

તેમ છતાંય તેમના વિસ્તારના રોડ, રસ્તા, સફાઈ પ્રત્યે બિલકુલ ધ્યાન આપવામાં આવતુ નથી. કોર્પોરેશનના બેવડા ધોરણો તો ત્યારે ખુલા પડી જાય છે કે જયારે તેઓ “એકને ગોળ એકને ખોળ”ની નીતિ અપનાવે છે. આ બધામાં મહત્વની બાબત તો એ છે કે નોર્થ બોપલમાં માલેતુજાર બિલ્ડરોની મોટી-મોટી મલ્ટીસ્ટોર સ્કીમો બનવાની ચાલુ છે કેટલીક સ્કીમો બની ગઈ છે તેને કોર્પોરેશન ધ્વારા રસ્તા-સફાઈ-લાઈટ- પાણીની વ્યવસ્થા તાકીદના ધોરણે કરી આપવામાં આવી છે આ વિસ્તારમાં ગટર વ્યવસ્થાપન માટેનું આયોજન ખૂબજ સારી રીતે કરવામાં આવ્યુ હોવાનું કહેવાય છે.

કમનસીબે નોર્થ બોપલમાં આવેલી કેટલીક સોસાયટીઓ, ફલેટસ અને કેટલાક બંગલાઓ જે વર્ષોથી સ્થાયી છે આ વિસ્તારના તમામ નાગરિકો નિષ્ઠાપૂર્વક કરવેરા ભરે છે કાયદા-કાનૂનને માન આપનાર છે પરંતુ આ વિસ્તારના લોકોની પ્રાથમિક સુવિધાની બાબતે એ.એમ.સી.ના સત્તાધીશો જરા સરખુ પણ વિચારતા નથી

આટલુ જ નહિ કોર્પોરેશનના આ વિસ્તારના જવાબદાર એન્જીનિયરો કે સુપરવાઈઝરો જાેવા પણ નથી આવતા. કામગીરીનું નિરિક્ષણ થતુ નથી તેની નોંધ ઉચ્ચકક્ષાએ લેવાતી નથી. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ નોંધ લેવાની તસ્દી પણ લેતા નહી હોય નહી તો આ વિસ્તારના નાગરિકો લાંબા સમયથી પ્રાથમિક સુવિધાથી વંચિત કઈ રીતે રહી શકે તે સમજવા જેવી વાત છે નાગરિકો ટેક્સ ભરવાની પોતાની નૈતિક જવાબદારી નિભાવી રહયા છે

તો પ્રાથમિક સુવિધાઓ મેળવવાના તેઓ હક્કદાર છે પરંતુ એ.એમ.સી તેમનું સાંભળતી નથી તેથી તેઓ આક્રોશ વ્યકત કરી રહયા છે આશ્ચર્યની વાત તો એ છે કે આ વિસ્તારના જૂના આગેવાનો તથા ભા.જ.પ.ના કાર્યકરો આ બાબતે મૌન સેવી રહયા છે તે બહુ જ દુઃખદ છે.

ચૂંટણીના સમયે “ઠાલા વચનો” આપનારા નેતાઓ ડોકાતા નથી. થોડા સમય પહેલા ચૂંટણીનો માહોલ હતો ત્યારે કેટલાક ભા.જ.પી નેતાઓએ આ પરિસ્થિતિનો સામનો કરી રહેલા નાગરિકો વચ્ચ જઈને તેમના આ પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવશે તેવી હૈયાધારણા આપી હતી પરંતુ કમનસીબે તેનું પણ કોઈ નિરાકરણ આવ્યુ નહી.

આ વિસ્તારના એક નેતા તરીકે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ પણ છે તેમની સમક્ષ પણ સ્થાનિક નાગરિકો ધ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પણ તેનું પરિણામ હજુ ફકત મોટા બિલ્ડરોની સ્કીમો પૂરતુ સિમિત રહયુ છે. જૂની સોસાયટીઓ, ફલેટસવાળા માટે આવુ ઓરમાયુ વર્તન રાખવાથી આ આગેવાનોને શું ફાયદો થતો હશે તે સ્વાભાવિક રીતે સમજી શકાય તેવુ છે તેમ નાગરિકોમાં ચર્ચાઈ રહયુ છે.

બોપલના નાગરિકો પાયાની સુવિધાના અભાવે ખુબ જ પરેશાન થઈ ગયા છે પરંતુ સત્તાધીશો કોઈ કામગીરી નહી કરતા હવે નાગરિકો પણ એક સુત્ર થવા લાગ્યા છે અને આસપાસની તમામ સોસાયટીઓ અને ફલેટોના નાગરિકો આ મુદ્દે મહત્વપૂર્ણ આંદોલનાત્મક ગાંધીચિંધ્યા માર્ગે આગળ વધવાનો નિર્ણય લીધો છે તેથી આગામી સમયમાં તેનું પરિણામ જાેવા મળશે.

હજુ પણ સત્તાવાળાઓ પાસે સમય છે જાે નહીં જાગે તો બોપલના નાગરિકો મતદાન કરીને અથવા તો ન કરીને તેમનો રોષ પ્રગટ કરશે તે બાબત અત્યારથી જ રાજકીય આગેવાનોએ સમજવી પડશે. બોપલ વિસ્તારમાં અનેક નામાંકિત વ્યક્તિઓ રહે છે અને તેમની પ્રતિષ્ઠાના કારણે આ આંદોલન વધુ અસરકારક બને તેવી પણ શકયતાઓ નિહાળવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.