Western Times News

Gujarati News

આદિજાતિ બેલ્ટના વનબંધુઓને ર૦ કરોડના ૪ર લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડીયાપાડાથી પ્રારંભ

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવા કરી નવતર પહેલ

·         નર્મદા જિલ્લાના દેડીયાપાડાથી રાજ્યના વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રોના ઈ-લોકાર્પણ

·         રાજ્યની રપ સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને કુલ રૂ.પાંચ કરોડના લાભ, કલસ્ટર ડેવલપમેન્ટ માટે રૂ. ૩ કરોડના લાભનું વિતરણ કર્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના વનબંધુઓને રૂ. ર૦ કરોડના ૪ર લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડીયાપાડાથી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ‘ગ્રીન ગોલ્ડ’ એવા વાંસના ઉછેર અને વાંસ-ઉદ્યોગની ઇકોસિસ્ટમ ઉભી કરવાની ગુજરાતે દિશા લીધી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાંસને વૃક્ષ ગણવાના ૯૦ વર્ષ જૂના કાયદાને દૂર કરીને આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા છે જેને પગલે દેશના અનેક રાજ્યોમાં ‘બામ્બુ ઇન્ડસ્ટ્રી’- વાંસ આધારિત ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ યુવાનોના કૌશલ્યને પદ્ધતિસર અને સમયાનુકુલ નિખાર આપવા પ્રધાનમંત્રી કૌશલ્યવર્ધન યોજના અન્વયે આદિજાતિ વિસ્તારોમાં વાંસ આધારિત ૪ કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ પણ કર્યા હતાં.

ડેડીયાપાડા, નેત્રંગ, વધઇ અને કેવડી ખાતે અંદાજે બે કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણ કરતાં તેમણે કહ્યું કે, આદિજાતિ વિસ્તારોમાં આ કેન્દ્રો ‘‘વોકલ ફોર લોકલ’’નો ધ્યેય પાર પાડશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વનબંધુઓ-આદિજાતિઓના સર્વાંગી ઉત્કર્ષ માટે સરકારની પ્રતિબદ્ધતા આ બહુવિધ વિકાસ આજના સમારોહથી સાકાર થઇ છે, એમ તેમણે ઉમર્યું હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વાંસની બનાવટ-ઉત્પાદનોને વિશ્વ બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બનાવવા આ કૌશલ્યવર્ધન કેન્દ્ર ગ્રોથ સેન્ટર બનશે. વડાપ્રધાનશ્રીએ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનથી સૌના માટે વિકાસની અનેક તકો પૂરી પાડીને ગુજરાત વિકાસનું રોલ મોડેલ, ગ્રોથ એન્જીન બન્યું છે.

વાંસ જેવી વન સંપદાના ગુણવત્તાયુક્ત ઉપયોગ થકી આદિજાતિ સમુદાયના આર્થિક ઉત્થાન માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ભૂતકાળમાં આદિવાસી સમાજે વેઠેલી મુશ્કેલીઓને, વનબંધુ કલ્યાણ યોજનાના માધ્યમથી કરોડો રૂપિયાના માતબર લાભો આપીને દૂર કરી છે. આજે આદિજાતિ વિસ્તારોમાં સ્થાપિત અનેક વિજ્ઞાન કોલેજોના કારણે આદિજાતિ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી પાયલોટ, ડૉક્ટર, એન્જીનીયર બનવાના સ્વપ્ન સાકાર કરી રહ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વનવાસી-આદિજાતિઓના બાળકોના અને યુવાઓના શિક્ષણ માટે રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારોમાં જે અદ્યતન સુવિધા આપી છે તેના પરિણામે ડ્રોપ આઉટ રેશિયો ઘટયો અને યુવાઓને ઉચ્ચ અભ્યાસની સુવિધા મળી તેની પણ વિશદ છણાવટ કરી હતી.

શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની પાયાની સગવડતાઓ આપીને અંતરિયાળ વિસ્તારોના આદિજાતિ અને છેવાડાના લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવા સરકાર
સંકલ્પબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સરકારે ગરીબવર્ગને કોરોનાકાળમાં નિઃશુલ્ક અનાજ વિતરણ, સ્વદેશી વેક્સીન અને ઉત્તમ આરોગ્ય વ્યવસ્થા થકી કોવિડ મેનેજમેન્ટનું પ્રેરક ઉદાહરણ દુનિયાના દેશો સમક્ષ પ્રસ્તુત કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાજ્યની રપ સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને કુલ પાંચ કરોડ રૂપિયાના લાભ, કલસ્ટર ડેવલપમેન્ટ માટે ૩ કરોડના લાભ તેમજ ૪ વનલક્ષ્મી, ઇકો ડેવલપમેન્ટ-ઇકો ટુરિઝમના લાભોનું વિતરણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ સખીમંડળોની માતા-બહેનોએ બનાવેલા પારંપારિક આદિવાસી ભોજનનો પણ આસ્વાદ માણ્યો હતો. વાંસ વર્કશોપમાં મુખ્યમંત્રીશ્રીએ વાંસમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવાની ગતિવિધિઓને ઝીણવટથી નિહાળી કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. તેમજ નમો વડ વન-દેડીયાપાડા’નું લોકાર્પણ કરી મુખ્યમંત્રીશ્રીએ વડ વૃક્ષારોપણ અને જળસિંચન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પ્લેટિનમ વન-ગલતેશ્વર અને નાંદોદ તાલુકાના પવિત્ર ઉપવન-રામપરાનું પણ ઈ-લોકાર્પણ કર્યું હતું. પ્રગતિશીલ વનબંધુ ખેડૂતો, વનવિકાસની ઉમદા કામગીરી કરતી મંડળીઓને પ્રશસ્તિપત્ર અર્પણ કર્યા હતા, તેમજ ગુજરાતમાં વાંસ અંગેની વિસ્તૃત માહિતીસભર પુસ્તિકા ‘બામ્બુ રિસોર્સ ઓફ ગુજરાત’નું પણ મુખ્યમંત્રીશ્રીએ વિમોચન કર્યું હતું.

વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની સરકારે સહુનો સાથ સહુનો વિકાસ થકી અનેક જનહિતલક્ષી નિર્ણયો લીધા છે. વનબંધુ યોજના સહિત અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓનો આદિવાસી સમાજને લાભદાયી બની રહી છે. અંતરિયાળ વિસ્તારોમાં ૫૦૦થી વધુ મોબાઇલ ટાવરો માત્ર બે જ વર્ષમાં ઉભા કરાશે તેમ જણાવ્યું હતું.

આદિજાતિ વિસ્તારોમાં ચાર કૈાશલ્યવર્ધન કેન્દ્રો થકી આગામી સમયમાં વનબંધુઓ વધુ રોજગારી મેળવી આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત મંત્રીશ્રી રાણાએ વ્યક્ત કર્યો હતો. આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે અંબાજી લઈને ઉમરપાડા સુધીના વિસ્તારમાં જનહિતલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકીને આદિવાસી સમાજને રોજગારી પુરી પાડીને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ સાધ્યો છે. વનબંધુઓના વિકાસ માટે હરહંમેશ સરકાર પ્રતિબધ્ધ છે તેમ મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું. આદિવાસી સમાજના ઉત્થાન માટે સરકારશ્રીએ માતબર રકમ પણ ફાળવી છે.

ભરૂચના સાસંદશ્રી મનસુખભાઈ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં રોડ, રસ્તાઓ, વીજળી, સિંચાઈ સહિતની અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, અને આદિવાસી બંધુઓ કૌશલ્યવર્ધન કેન્દ્રો દ્વારા ઘરઆંગણે જ સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર થાય તે દિશાના પ્રયાસો સરકારશ્રી દ્વારા સતત કરવામાં આવી રહ્યાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એ.કે.રાકેશે મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોને આવકારતા આદિજાતિ પ્રજાએ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવિત રાખ્યા છે એમ જણાવી કહ્યું કે, વનવિભાગ દ્વારા સ્થાનિક આદિવાસી કારીગરોને રોજગારી ઉપલબ્ધ કરાવતું આ સંકુલ આજીવિકાનો પ્રેરણાદાયી સ્રોત બની રહેશે.મુખ્યમંત્રીશ્રીને આદિવાસીઓના આરાધ્ય કુળદેવી દેવમોગરા માતાની તસવીર અર્પણ કરી આવકારવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે ઉદ્યોગ,વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ), ધારાસભ્યશ્રી મહેશભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ઈન્ચાર્જ  જિલ્લા કલેકટરશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે, અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી એમ.એમ.શર્મા, વન વિકાસ નિગમના એમ.ડી.શ્રી એસ.કે.ચતુર્વેદી, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી યુ.ડી.સિંઘ, વનસંરક્ષક(બરોડા વનવર્તુળ)શ્રી ડો.શશિકુમાર, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, પૂર્વ મંત્રી સર્વશ્રી શબ્દશરણભાઈ તડવી અને મોતીસિંહ વસાવા, પૂર્વ ધારાસભ્યશ્રી હર્ષદભાઈ વસાવા, ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગરના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ સહિત વનવિભાગના અધિકારીઓ, સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.