Western Times News

Gujarati News

ગંગાપુર ડેમ બનાવવા માટે સત્વરે સર્વે હાથ ધરીને રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવા નર્મદા જિલ્લા પ્રશાસનને સૂચન

ડેડીયાપાડા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જનપ્રતિનિધિઓ-સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓની બેઠક યોજાઈ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગંગાપુર ડેમ બનાવવા સત્વરે સર્વે હાથ ધરીને રાજ્ય સરકારને અહેવાલ મોકલવા નર્મદા જિલ્લા પ્રશાસનને સુચન કર્યુ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર ડેડીયાપાડા ખાતે વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ બાદ જિલ્લાના જનપ્રતિનિધિશ્રીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક પ્રશાસનિક અધિકારીશ્રીઓ સાથે બેઠક કરી હતી. જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનું સત્વરે યોગ્ય અને વ્યાજબી નિરાકરણ કરવામાં આવશે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ બેઠકમાં સાંસદ-ધારાસભ્યશ્રીઓ સહિતના ઉપસ્થિત અન્ય પદાધિકારીશ્રીઓએ ગંગાપુર ડેમને અનુલક્ષીને જણાવ્યું હતું કે, ગંગાપુર ડેમ આ વિસ્તાર માટે આશીર્વાદરૂપ બની રહે તેમ છે અને કોઈ પણ પ્રકારની ખાનગી જમીનના સંપાદન વિના ડેમ બની શકે તેમ છે, ત્યારે આ ડેમ સત્વરે મંજૂર થાય તેવી સૌની લાગણી છે.

આ બેઠકમાં સાંસદ-ધારાસભ્યશ્રી અને અન્ય પદાધિકારીશ્રીઓએ રાજપીપળા શહેરની જૂની સિવિલ હોસ્પિટલને નવ-નિર્મિત આયુર્વેદિક હોસ્પિટલ ખાતે સ્થળાંતર કરવા, આદિવાસી વિસ્તારની ટ્યૂબવેલ આધારિત ખેતીમાં બોર મોટર અને ઇલેક્ટ્રિક મોટરની સુવિધા પુરી પાડવા, કરજણ ડેમ પાસે ભારે વરસાદના લીધે ધોવાણથી થતા નુકસાનને અટકાવવા પ્રોટેક્શન વોલ બનાવવા સહિતની વિવિધ રજૂઆતો કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક દરમ્યાન કહ્યું કે, લોકશાહી શાસન પ્રણાલિમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિશ્રીઓ અને જિલ્લા પ્રશાસન વચ્ચેના સુસંકલનને લીધે લોકહિતના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવતુ હોય છે. તેમણે જિલ્લામાં યોજનાઓના અમલમાં સેચ્યુરેશન પોઇન્ટ બાબતે પણ જાણકારી મેળવી હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીઓ સર્વ શ્રી કિરિટસિંહ રાણા, નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી જગદિશભાઈ વિશ્વકર્મા (પંચાલ), સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્યશ્રી મહેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને ઉપ-પ્રમુખશ્રી કિરણભાઈ વસાવા, રાજપીપળા નગરપાલિકાના પ્રમુખશ્રી કુલદિપસિંહ ગોહિલ, ,

જિલ્લા ભાજપ પ્રમુખશ્રી તેમજ નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, ઈ. જિલ્લા કલેક્ટરશ્રી અંકિત પન્નુ, પૂર્વ મંત્રીશ્રી મોતીસિંહ વસાવા, શ્રી શબ્દશરણ તડવી, શ્રી હર્ષદ વસાવા, શ્રી નિલભાઈ રાવ સહિતના અગ્રણીઓ, ઉચ્ચ અધિકારીઓ  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.