Western Times News

Gujarati News

આકાશમાં પક્ષીઓની જેમ ઉડીને સુરક્ષાકર્મીઓ રથયાત્રા પર રાખશે નજર

Private Autogiro

અમદાવાદ, ૧ જુલાઈ ૨૦૨૨ના રોજ અમદાવાદમાં જગન્નાથજી ભગવાનની ૧૪૫મી રથયાત્રા નીકળશે. પુરી બાદ અમદાવાદમાં નીકળતી રથયાત્રાને સૌથી મોટી માનવામાં આવે છે. ત્યારે શહેરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

રથયાત્રા દરમિયાન જાે આકાશમાં તમને કોઈ પ્લેન કે પક્ષી જેવું કંઈ ઉડતું દેખાય તો ચોંકી ના જશો. આકાશમાં પ્લેન કે પક્ષી નહીં કોઈ માણસ ઉડતો નજરે પડશે! અમદાવાદ પોલીસ રથયાત્રામાં ચાંપતી સુરક્ષા ગોઠવવા માટે આ વખતે કંઈક અલગ કરવા જઈ રહી છે. એર સર્વેલન્સ ડિવાઈસ ગાયરોકોપ્ટરનો ઉપયોગ પોલીસ અથવા અન્ય તાલીમબદ્ધ વ્યક્તિઓ દ્વારા ૧૪૫મી રથયાત્રા વખતે કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, શહેર પોલીસ કમિશનરે એર સર્વેલન્સ માટે ગાયરોકોપ્ટરનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જાેકે, આ આઈડિયાને અમલમાં મૂકવો થોડો મુશ્કેલ છે કારણકે ગાયરોકોપ્ટરનો ઉપયોગ કરવા માટે તાલીમ લેવી જરૂરી છે.

ઉપરાંત અમદાવાદના કોટ વિસ્તારની સાંકળી ગલીઓમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ અઘરો લાગી રહ્યો છે, તેમ પોલીસમાં રહેલા સૂત્રો પાસેથી જાણકારી મળી છે.

એક પોલીસકર્મીના જણાવ્યા અનુસાર, “રથયાત્રાની સુરક્ષા સમીક્ષા બેઠક દરમિયાન શહેર પોલીસ કમિશનર ગાયરોકોપ્ટરનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા.

જાેકે, હજી તેના ઉપયોગને મંજૂરી આપવામાં આવી નથી. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે રથયાત્રા ભવ્યતાથી નહોતી કાઢવામાં આવતી પરંતુ આ વર્ષે અગાઉની જેમ જ ખૂબ જ ધામધૂમ સાથે જગન્નાથજી શહેરની યાત્રા પર નીકળશે. ૨૦૨૦માં હાઈકોર્ટના નિર્દેશ બાદ રથયાત્રા કાઢવાનું રદ્દ કરવામાં આવ્યું હતું. ૨૦૨૧માં રથયાત્રા નીકળી હતી પરંતુ તેમાં ભક્તોને સામેલ નહોતા કરવામાં આવ્યા.

રથયાત્રામાં ભાગ લેનારા વાહનો ઉપરાંત તેમાં સામેલ થનારા ગજરાજમાં પણ જીપીએસ ડિવાઈસ લગાવવામાં આવશે. શરીરમાં પહેરી શકાય તેવા કેમેરા પોલીસે લગાવ્યા હશે અને ડ્રોનથી પણ બાજ નજર રાખવામાં આવશે. ૫ જૂને પોલીસે રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.